હોમપેજરાજકારણકોંગ્રેસે જે ડેટાના આધારે ચૂંટણી પંચ સામે ખેંચ્યાં હતાં ‘પ્રોપગેન્ડા હથિયાર’, તેમાં...

કોંગ્રેસે જે ડેટાના આધારે ચૂંટણી પંચ સામે ખેંચ્યાં હતાં ‘પ્રોપગેન્ડા હથિયાર’, તેમાં જ ઝોલ: CSDSવાળા સંજય કુમારે માફી માંગી, રાહુલ ગાંધી ક્યારે?

આંકડાઓની તુલના પ્રકાશિત કરતા પહેલાં કોઈ પણ 'જવાબદાર વિશ્લેષકે' મૂળભૂત નિયમોનું પાલન કરવું જોઈ, એ છે આંકડાઓની બે વાર, બલકે ત્રણ વાર ચકાસણી. લોકસભા અને વિધાનસભાની મતદાર યાદીઓ અલગ-અલગ ચૂંટણીઓ માટે તૈયાર થાય છે અને અલગ-અલગ સમયે સુધારાય છે.

- Advertisement -

બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ યુવરાજ રાહુલ ગાંધી અને તેમની વિપક્ષી ટોળકીએ ચૂંટણી પંચ અને ભાજપ સરકારને ઘેરવા માટે રીતસર કિલ્લા બનાવવાના શરૂ કરી દીધા હતા. ‘વૉટચોરી’ના આરોપો લગાવીને અવાસ્તવિક ડેટા રજૂ કરવામાં આવી રહ્યા હતા અને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ હંમેશાની જેમ આ વખતે પણ વિપક્ષી ટોળકીનું આ તૂત લાંબા સમય સુધી ચાલી શક્યું નહીં. તેઓ જે ડેટા અને આંકડાના જોરે ભાજપ અને ચૂંટણી પંચને ઘેરી રહ્યા હતા, તે જ આંકડા અને ડેટા હવે ખોટા સાબિત થયા છે. 

તે ડેટાને ખોટા સાબિત કરવામાં ભાજપ કે ચૂંટણી પંચનો કોઈ ફાળો નથી, પરંતુ જે માણસે તે ડેટાનું વિશ્લેષણ કર્યું હતું, તે જ માણસે હવે સાર્વજનિક માફી માંગી લઈને ડેટા પરત ખેંચી લીધા છે. આ એ જ ડેટા છે, જેનો ઉપયોગ વિપક્ષી ટોળકીએ સરકારને અને ચૂંટણી પંચને ઘેરવા માટે કર્યો હતો. અગાઉ આ ડેટાનો ઉપયોગ કરીને કોંગ્રેસ નેતાઓએ મોટી-મોટી પોસ્ટો કરી દીધી હતી અને ચૂંટણી પંચ તથા સરકાર પર પ્રહાર કરવાના શરૂ કરી દીધા હતા. 

સૌથી પહેલાં 18 ઑગસ્ટના રોજ કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ X પર ગ્રાફિક રજૂ કરીને ભારતના ચૂંટણી પંચની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે, 2024ની લોકસભા ચૂંટણી અને મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણી વચ્ચેના છ મહિનામાં રામટેક અને દેવલાલી મતવિસ્તારોમાંથી લગભગ 40% મતદારો ઘટાડી દેવાયા હતા, જ્યારે નાસિક પશ્ચિમ અને હિંગનામાં લગભગ 45% મતદારોનો વધારો થયો હતો. ચૂંટણી પંચની મજાક ઉડાવતાં તેમણે લખ્યું હતું કે, “આગળ એ લોકો ઘોષણા કરશે કે, બે ને બે 420 થાય છે.” કોંગ્રેસ નેતાના આ ડેટાનો સ્ત્રોત લોકનીતિ-CSDS હતો. 

- Advertisement -
પવન ખેડાની પોસ્ટનો SS

નોંધવા જેવું એ છે કે, આ આંકડા ‘સેન્ટર ફોર ધ સ્ટડી ઑફ ડેવલપિંગ સોસાયટીઝ’ના (CSDS) સંજય કુમારે 17 ઑગસ્ટના રોજ શૅર કર્યા હતા, જેમાં ચૂંટણી પંચની કામગીરી પર શંકા ઉભી કરવામાં આવી હતી. પરંતુ 48 કલાકની અંદર જ સંજય કુમાર અને આ ડેટા શૅર કરનાર કોંગ્રેસના નેતાઓના દાવાઓ પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયા છે. જોકે, આમાં કોઈ નવાઈની વાત નથી, દર વખતે આ ટોળકી આવાં નવાં તૂત લઈ આવે છે અને દર વખતે માત્ર ગણતરીની કલાકો કે દિવસોમાં એ ખોટું સાબિત થાય છે.

હાલ ડિલીટ કરવામાં આવેલી પોસ્ટમાં શું કહ્યું હતું સંજય કુમારે?

સંજય કુમારે X પરની તેમની હાલ ડિલીટ થઈ ચૂકેલી પોસ્ટમાં બે મતવિસ્તારોનાં ઉદાહરણ આપીને અસામાન્ય વધારાની વાત કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે, નાસિક પશ્ચિમમાં લોકસભાની મતદાર યાદીમાં 3,28,053 મતદારો હતા, જ્યારે વિધાનસભા યાદીમાં 4,83,459 મતદારો હતા, એટલે કે 1,55,442નો વધારો, જે 47.38% થાય છે. એ જ રીતે, હિંગનામાં લોકસભા યાદીમાં 3,14,605 અને વિધાનસભા યાદીમાં 4,50,414 મતદારો હતા, એટલે 1,35,536નો વધારો, જે 43.08% થાય.

ડિલીટ થઈ ચૂકેલી સંજય કુમારની પોસ્ટનો SS

આ પોસ્ટની રજૂઆત એવી હતી કે, જાણે થોડા મહિનામાં જ વિધાનસભાના મતદારોની સંખ્યા અસંભવિત રીતે વધી ગઈ હોય. આ આંકડાઓને ન માત્ર કોંગ્રેસ અને અન્ય વિપક્ષી ટોળકીઓના સમર્થકોએ, પરંતુ પવન ખેડા જેવા કોંગ્રેસ નેતાઓએ પણ ચૂંટણી પંચની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવવા માટે આગળ ધપાવ્યા હતા. 

એ જ સંજય કુમારે માંગી સાર્વજનિક માફી

બધી બાજુથી હારી ચૂકેલી કોંગ્રેસની સમસ્યા એ નથી કે, તેઓ ખોટા ડેટાનો ઉપયોગ કરીને સરકાર અને ચૂંટણી પંચને ઘેરવાના પ્રયાસો કરી રહી છે, પણ સમસ્યા તો એ છે કે, તેમનું તૂત લાંબા સમય સુધી ચાલી શકતું નથી. માંડ આ ટોળકીના હાથમાં એક હથિયાર આવે છે અને તેઓ પ્રહાર કરવાનું શરૂ કરે છે કે તરત જ સત્ય સામે આવી જાય છે અને ટોળકી ફિક્કા મોઢે હથિયારો હેઠાં મૂકવા મજબૂર થઈ જાય છે. આ વખતે પણ આવું જ થયું. તેઓ જેના હથિયારોનો (આંકડાઓ) ઉપયોગ કરીને રણશિંગા ફૂંકી રહ્યા હતા, એ જ વ્યક્તિએ હવે પોતે હથિયાર હેઠાં મૂકી દીધાં. 

માત્ર 48 કલાકની અંદર 19 ઑગસ્ટના રોજ સંજય કુમારે યૂ-ટર્ન લઈને X પર સાર્વજનિક માફી માંગી લીધી. તેમણે એ પણ સ્વીકાર્યું કે, તેમની અગાઉની પોસ્ટમાં આંકડા ખોટા હતા. તેમણે જણાવ્યું કે આ ભૂલ એટલે થઈ, કારણ કે તેમની ‘ડેટા ટીમે’ 2024ના લોકસભા અને વિધાનસભા ડેટાસેટની તુલના કરતી વખતે રો (rows) ‘ખોટી રીતે વાંચી’ હતી. તેમણે વધુમાં જણાવ્યું કે, અગાઉની પોસ્ટ ડિલીટ કરી દેવામાં આવી છે. આ સાથે તેમણે કહ્યું કે, “ખોટી માહિતી ફેલાવવાનો તેમનો કોઈ ઈરાદો નહોતો.” જોકે, ખોટી માહિતી પહેલાં જ ફેલાઈ ચૂકી છે અને એવી શક્યતા છે કે આગામી મહિનાઓ સુધી તેનો ઉપયોગ વોટ્સએપ અને સોશિયલ મીડિયા પર કોઈપણ તપાસ વગર પ્રોપગેન્ડા ફેલાવવા માટે થશે. 

શું દર્શાવે છે આધિકારિક આંકડા અને શા માટે માંગવી પડી માફી? 

સંજય કુમારના દાવાઓ ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા ફેક્ટ-ચેક થયા બાદ ખોટા સાબિત થયા હતા. ઑપઇન્ડિયા દ્વારા ચકાસાયેલા ડેટા પરથી એ પુષ્ટિ પણ થઈ હતી કે, સંજય કુમારના આંકડા ખૂબ અતિશયોક્તિ ભર્યા હતા અને જાણીજોઈને તેને વધારીને રજૂ કરવામાં આવ્યા હતા. ઉદાહરણ તરીકે, નાસિક પશ્ચિમમાં લોકસભાના મતદારોની સંખ્યા 4,56,319 હતી, જ્યારે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં તે સંખ્યા 4,83,719 હતી. વધારો માત્ર 27,400નો હતો, એટલે કે, લગભગ 6%નો. પણ સંજયે દાવો એવો કર્યો હતો કે, આંકડો 1.5 લાખનો છે.

એ જ રીતે હિંગનામાં લોકસભા માટે મતદારોની સંખ્યા 4,24,454 હતી, જ્યારે વિધાનસભા ચૂંટણીમાં તે સંખ્યા 4,50,439 હતી. વધારો માત્ર 25,298નો હતો, જે વાયરલ પોસ્ટમાં દાવો કરાયેલા 43.08%થી ઘણો ઓછો છે. રામટેકના કિસ્સામાં લોકસભા માટે મતદારોની સંખ્યા 2,76,827 હતી, જ્યારે વિધાનસભા ચૂંટણીમાં તે સંખ્યા 2,87,301 હતી. વધારો માત્ર 10,474નો હતો, એટલે કે લગભગ 3.8%નો. પણ ખેડાએ શેર કરેલા ચાર્ટમાં 40%નો ઘટાડો દર્શાવાયો હતો, જે આધિકારિક રેકોર્ડ પ્રમાણે ખોટો છે.

દેવલાલીના કેસમાં લોકસભા માટે મતદારોની સંખ્યા 2,77,600 હતી, જ્યારે વિધાનસભા ચૂંટણીમાં તે સંખ્યા 2,88,816 હતી. વધારો માત્ર 11,216નો હતો. અહીં પણ દાવો ખોટો સાબિત થયો હતો. આ ચાર ઉદાહરણો એ બતાવવા માટે પૂરતાં છે કે, વાયરલ થયેલા અને મીડિયાએ છાપેલા સનસનાટીભર્યા ટકાવારી આંકડા મતવિસ્તારના સત્તાવાર રેકોર્ડમાંથી નહોતા આવ્યા, પરંતુ CSDSની ‘ડેટા ટીમે ખોટી રીતે વાંચેલી’ સ્પ્રેડશીટમાંથી આવ્યા હતા. જો એક વખત પણ આંકડાઓને ફરી ચેક કરવામાં આવ્યા હોત તો આટલી મોટી ભૂલ સુધરી શકી હોત!

આંકડાઓની તુલના પ્રકાશિત કરતા પહેલાં કોઈ પણ ‘જવાબદાર વિશ્લેષકે’ મૂળભૂત નિયમોનું પાલન કરવું જોઈ, એ છે આંકડાઓની બે વાર, બલકે ત્રણ વાર ચકાસણી. લોકસભા અને વિધાનસભાની મતદાર યાદીઓ અલગ-અલગ ચૂંટણીઓ માટે તૈયાર થાય છે અને અલગ-અલગ સમયે સુધારાય છે. તેમ છતાં, જો કોઈ તુલના કરવા ઈચ્છે તો તેની પાસે સમાન વિધાનસભા સેગમેન્ટના પ્રમાણિત આંકડા હોવા જોઈએ અને ઉમેરા-ઘટાડાનું સ્પષ્ટ કારણ આપવું જોઈએ. સંજય કુમારની ટીમે આવું કંઈ જ ન કર્યું, જે દર્શાવે છે કે કોઈ મૂળભૂત તપાસ થઈ જ નહોતી. માફીમાં આ બધું ‘રો ખોટી રીતે વાંચવા’ સુધી સીમિત કરી દેવાયું, પરંતુ હકીકત એ છે કે, મૂળભૂત ચકાસણીનો અભાવ હતો.

ભાજપનો પ્રહાર

આવા ખોટા આંકડા અને દાવા સાથે રજૂ થયેલા આંકલન આખરે તો અસત્ય અને ખોટા સાબિત થાય જ છે અને અહીં પણ એવું જ થયું છે. પણ આ જ આંકડાનો ઉપયોગ હથિયાર તરીકે કરીને, જેના પર વારંવાર હુમલા કરવામાં આવ્યા હતા, એ વ્યક્તિ શાંત કઈ રીતે બેસી શકે? આ મામલે પણ ભાજપે મેદાનમાં ઉતરીને કોંગ્રેસ અને CSDSને આડેહાથ લઈ લીધા છે. ભાજપના આઈટી સેલના વડા અમિત માલવિયાએ CSDS પર આરોપ લગાવ્યો છે કે, તે માત્ર એક સંશોધન સંસ્થા નથી, પરંતુ વર્ષોથી નેરેટિવ સેટ કરવાની એક રમત રમી રહેલી સંસ્થા છે.

માલવિયાએ ધ્યાન દોર્યું કે, CSDSને ફોર્ડ ફાઉન્ડેશન, IDRC કેનેડા, DFID યુકે, NORAD નોર્વે, હેવલેટ ફાઉન્ડેશન જેવી વિદેશી સંસ્થાઓ પાસેથી વારંવાર ફંડ મળ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે, ફંડ આપનારા આ લોકો નિષ્પક્ષ નથી, પરંતુ તેમના રાજકીય એજન્ડા છે. માલવિયાના અનુસાર, આ એજન્ડા ભારતના સામાજિક માળખાને નબળું પાડવા અને ખાસ કરીને હિંદુ સમાજમાં વિભાજન ઊભું કરવા માટે કામ કરી રહ્યા છે.

તેમણે દલીલ આપી કે, લોકનીતિ-CSDS કાર્યક્રમ હિંદુ સમાજને સતત જાતિના ચશ્મામાંથી રજૂ કરે છે, જ્યારે મુસ્લિમોને એકસમાન સમૂહ તરીકે દર્શાવવામાં આવે છે. CSDS  મુસ્લિમોના આંતરિક વર્ગીકરણને (જેમ કે અશરફ, અજલાફ, અરઝાલ) સતત અવગણતું આવ્યું છે અને હિંદુઓનું વિભાજન કરતું આવ્યું છે. તેનું પરિણામ એ આવે છે કે, હિંદુઓમાં જાતિના વિભાજનને મજબૂત કરવામાં આવે છે, જે કોંગ્રેસ અને તેની સાથે સહાનુભૂતિ ધરાવતા મીડિયાને દરેક ચૂંટણીમાં અનુકૂળ મુદ્દાઓ આપે છે.

તેમણે એમ પણ જણાવ્યું કે, CSDSના સરવેમાં વૈજ્ઞાનિક દ્રઢતાનો અભાવ હોય છે, જેમાં જાતિની ઓળખ ઘણીવાર અનુમાન દ્વારા નક્કી કરવામાં આવે છે, પરંતુ તેમ છતાં, ‘ધ હિન્દુ’ અને ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ જેવાં અખબારો તેમના તારણોને વિશ્વસનીયતાની પાંખ આપે છે. માલવિયાનાએ સ્પષ્ટ કહ્યું છે કે, CSDS વિદ્વત્તા નથી ઉત્પન્ન કરતું, પરંતુ વ્યૂહરચના રચે છે, વિભાજન ઊભું કરે છે અને તેને સંશોધન તરીકે રજૂ કરે છે.

તેમના મતે, CSDSની ભૂલો ‘રો ખોટી રીતે વાંચવી’ જેવી નિર્દોષ નથી, પરંતુ કોંગ્રેસની તરફેણમાં નેરેટિવ બનાવવા અને ચૂંટણી પંચ જેવી સંસ્થાઓમાં જનતાનો વિશ્વાસ ઘટાડવા માટે ઈરાદાપૂર્વકના પ્રયાસો છે. આ સમગ્ર ઘટનાને ચેતવણીરૂપ ગણવી જોઈએ. જ્યારે સંસ્થાકીય અધિકાર ધરાવતો સંશોધક ચકાસણી વિનાના આંકડા પ્રકાશિત કરે છે, ત્યારે રાજકીય માણસો તેનો તરત જ હથિયાર તરીકે ઉપયોગ કરે છે. જ્યાં સુધી સુધારો આવે છે, ત્યાં સુધીમાં સેટ કરેલો ખોટો નેરેટિવ પોતાનું કામ કરી ચૂક્યો હોય છે.

તેથી જવાબદારી સૌથી પહેલા સ્ત્રોતની છે. જો તમે મતદારોમાં નાટકીય ફેરફારોનો આરોપ લગાવવા માંગો તો તમારે ટેબલ્સ બતાવવાં પડે, ફોર્મ 20નો ઉલ્લેખ કરવો જોઈએ અને ગણિત સ્પષ્ટ રીતે રજૂ કરવું જોઈએ. આ કેસમાં આવું કંઈ જ થયું નહીં. પરિણામે, જનતાના વિશ્વાસને બિનજરૂરી ફટકો પડ્યો અને પ્રોપગેન્ડા ફેલાવનારાઓને તૈયાર ટોકિંગ પોઈન્ટ મળી ગયો.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં