ભારતની આર્થિક પ્રગતિમાં તેના ઉદ્યોગપતિઓનો મહત્વનો ફાળો રહ્યો છે. પહેલાં ટાટા-બિરલા અને પછી અદાણી-અંબાણી જેવા વ્યાપારી સમૂહોએ ભારતની આર્થિક વૃદ્ધિને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં યોગદાન આપ્યું છે. આ જ આર્થિક પ્રગતિએ ભારતને પાકિસ્તાનથી ઘણું આગળ લઈ જઈને મજબૂત બનાવ્યું છે. પરંતુ આ પ્રગતિના આધારસ્તંભોને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તેની પાછળ એવા તત્વો છે, જેમને અમેરિકા કે તેની સાથે જોડાયેલી એજન્સીઓનું સમર્થન મળે છે. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી આવા ભારતીય આર્થિક હિતોને નિશાન બનાવનારાઓના સૂરમાં સૂર મિલાવતા રહ્યા છે.
‘મુલ્લા મુનીર’નો મુકેશ અંબાણી પર હુમલો
આર્થિક દોડમાં ભારતથી ઘણું પાછળ રહી ગયેલું પાકિસ્તાન હાલમાં દેવાંના આધારે ટકી રહ્યું છે. IMF, અમેરિકા અને સાઉદીના પૈસાના જોરે તેની અર્થવ્યવસ્થા નાદાર થતાં બચી રહી છે. ભારતની બરાબરી ન કરી શકવાના કારણે પાકિસ્તાન હવે ભારતની અર્થવ્યવસ્થાના આધારસ્તંભોને નબળા પાડવાની ધમકીઓ આપી રહ્યું છે. આ કડીમાં પાકિસ્તાની સેનાના વડા આસિમ મુનીરે અમેરિકાની ધરતી પરથી ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને નિશાન બનાવવાની વાત કરી છે.
‘ધ પ્રિન્ટ’માં પ્રકાશિત એક રિપોર્ટ અનુસાર, મુનીરે અમેરિકામાં એક જનરલના વિદાય સમારંભમાં પોતાના ભાષણમાં ખૂબ ઝેર ઓક્યું હતું. આ દરમિયાન મુનીરે એક સોશિયલ મીડિયા પોસ્ટનો ઉલ્લેખ કર્યો, જેમાં મુકેશ અંબાણીનો ફોટો અને કુરાનની એક આયત હતી. મુનીરે પોતાના આ વક્તવ્યમાં એક રીતે મુકેશ અંબાણીની હત્યાની ધમકી આપી હતી. ખરેખર, જે આયતનો ઉલ્લેખ મુકેશ અંબાણીના ફોટા સાથે કરવામાં આવ્યો હતો, તેમાં પક્ષીઓએ દુશ્મનની સેના પર પથ્થરો ફેંકીને તેને તબાહ કરી નાખી હતી.
મુનીરે સીધી રીતે એવું કહેવાનો પ્રયાસ કર્યો કે આગામી યુદ્ધમાં તે મુકેશ અંબાણીને નિશાન બનાવશે. કોઈ સૈન્ય અધિકારી દ્વારા બીજા દેશના ઉદ્યોગપતિ વિશે આવું નિવેદન ખૂબ જ ચોંકાવનારું હતું. જોકે, પાકિસ્તાની સેનાના વડા પાસેથી અન્ય કોઈ અપેક્ષા રાખી શકાય નહીં. વધુ ચિંતાજનક બાબત એ છે કે આ ધમકી લાહોર કે ઇસ્લામાબાદથી નહીં, પરંતુ અમેરિકાની ધરતી પરથી આપવામાં આવી હતી. તે પણ એવા રૂમમાંથી, જ્યાં અમેરિકાના મોટા સૈન્ય અધિકારીઓ હાજર હતા.
તેથી સીધેસીધું એમ સમજવું જોઈએ કે અમેરિકાની શહ પર મુનીર ભારતીય ઉદ્યોગપતિને ધમકાવી રહ્યા છે અને તેમાં અમેરિકાની મૌન સહમતિ પણ ગણી શકાય. તેમને ભારતીય ઉદ્યોગપતિને ધમકાવતી વખતે ન કોઈએ રોક્યા, ન કોઈએ ટોક્યા. આ મૌન સ્વીકૃતિ દર્શાવે છે કે મુનીરના અંબાણી પર હુમલા દરમિયાન અમેરિકા તેની સાથે ઊભું રહેશે. મુનીરની આ ગુંડાગીરીના અનેક અર્થ કાઢવામાં આવ્યા છે. કેટલાકે તેને ગુજરાત સ્થિત જામનગર રિફાઈનરી સાથે પણ જોડ્યું છે.
જામનગરમાં રિલાયન્સની મોટી રિફાઈનરી છે. આ રિફાઈનરી ઑપરેશન સિંદૂર દરમિયાન પણ જોખમના દાયરામાં હોવાનું કહેવાયું હતું. તેથી, એવું પણ અર્થઘટન કરી શકાય કે ભારતીય ઔદ્યોગિક હિતોને નિશાન બનાવવામાં અમેરિકાને કોઈ વાંધો નથી અને તે આ માટે પોતાની ધરતીનો ઉપયોગ પણ થવા દેશે, સાથે જ તે પાકિસ્તાનની સાથે ઊભું રહેશે. મુનીરનું નિવેદન ભલે ચોંકાવનારું હોય, પરંતુ અમેરિકા દ્વારા ભારતીય વ્યાપારી હિતોને પ્રભાવિત કરવાનો પ્રયાસ કોઈ નવી બાબત નથી.
અદાણીને નિશાન બનાવી રહી હતી અમેરિકન ફર્મ
જ્યાં એક તરફ અમેરિકાની ધરતી પરથી મુનીરે ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને નિશાન બનાવ્યા, ત્યાં થોડા સમય પહેલાં અન્ય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પણ તે જ ધરતી પરથી નિશાન બનાવવામાં આવી રહ્યા હતા. અમેરિકન શોર્ટ-સેલર હિંડનબર્ગે જાન્યુઆરી 2023થી 2024 સુધી અદાણી વિરુદ્ધ સતત રિપોર્ટ્સ પ્રકાશિત કર્યા. હિંડનબર્ગના આ રિપોર્ટમાં અદાણી પર અનેક પ્રકારના આરોપો લગાવવામાં આવ્યા. તેના આધારે ભારતમાં ખૂબ હોબાળો મચ્યો. ભારતીય રોકાણકારોની લાખો કરોડની મૂડી ડૂબી ગઈ.
હિંડનબર્ગના આ રિપોર્ટના આધારે વડાપ્રધાન મોદીને પણ નિશાન બનાવવામાં આવ્યા. અદાણી સમૂહ પર છેતરપિંડી, શેરબજારમાં ગેરરીતિ અને પર્યાવરણને નુકસાન પહોંચાડવા જેવા આરોપો લગાવવામાં આવ્યા. આ બધું તે હિંડનબર્ગે કર્યું, જેનો સીધો સંબંધ જ્યોર્જ સોરોસ સાથે હતો. આ તે જ સોરોસ છે, જેણે વિશ્વભરમાં સત્તાઓ બદલવાનું કામ કર્યું છે. તે ભારત વિરુદ્ધ પણ ઝેર ઓકતો રહ્યો હતો. તે સમયે અમેરિકાના બાયડન વહીવટીતંત્રએ હિંડનબર્ગ અને અન્ય આવા તત્વોને ખુલ્લી છૂટ આપી હતી કે તેઓ ભારતીય વ્યાપારી હિતોને નુકસાન પહોંચાડે.
અદાણી વિરુદ્ધ અમેરિકામાં બાયડન વહીવટીતંત્રના અંતિમ દિવસોમાં એક કથિત લાંચ લેવડ-દેવડના મામલે કેસ પણ નોંધવામાં આવ્યો હતો. જેમાં ગૌતમ અદાણી અને તેમની કંપનીના અન્ય લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા. તેમાં અમેરિકાની સરકારી એજન્સી SEC પણ અદાણીને નિશાન બનાવવામાં જોડાઈ હતી. અદાણીને તેનાથી કોઈ ખાસ અસર થઈ ન હતી, પરંતુ ભારતના આર્થિક હિતો પ્રત્યે અમેરિકાનું વલણ શું છે, તે સ્પષ્ટ થઈ ગયું હતું.
રાહુલ ગાંધી પણ આ જ ગેમમાં સામેલ!
એક તરફ પાકિસ્તાન-અમેરિકાનું ગઠબંધન ભારતીય ઉદ્યોગપતિઓને નિશાન બનાવી રહ્યું છે તો બીજી તરફ તેને મૌન સમર્થન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આપી રહ્યા છે. રાહુલ ગાંધીએ હિંડનબર્ગના રિપોર્ટ બાદ વડાપ્રધાન મોદી પર અનેક આરોપો લગાવ્યા હતા. કોંગ્રેસે આ દરમિયાન હિંડનબર્ગ દ્વારા ફેલાવવામાં આવેલા દરેક પ્રોપગેન્ડાને આગળ ધપાવ્યો હતો. રાહુલ ગાંધીએ અદાણીને વડાપ્રધાન મોદીના મિત્ર તરીકે ગણાવીને ઘણા આરોપો લગાવ્યા હતા. કોંગ્રેસે ક્યાંક અદાણી અને વડાપ્રધાન મોદીને જોડીને નવો શબ્દ ઘડ્યો હતો તો ક્યાંક રાજીનામાંની માંગણી કરવામાં આવતી હતી.
હિંડનબર્ગના સહારે વડાપ્રધાન મોદી અને અદાણીને જોડીને પ્રોપેગન્ડા ચલાવવાનું નેતૃત્વ રાહુલ ગાંધી પાસે જ હતું. જોકે, પછી હિંડનબર્ગના આરોપો પત્તાની જેમ ખરી પડ્યા. તેમ છતાં, આટલા દિવસો સુધી રાહુલ ગાંધી અમેરિકન કંપની હિંડનબર્ગની પ્લેબુક પર રમતા રહ્યા. દુ:ખદ બાબત એ છે કે પાકિસ્તાની જનરલ મુનીરના નિવેદન દરમિયાન પણ તેમણે મૌન ધારણ કર્યું છે. તેમનું સમર્થન ભારતના આર્થિક હિતોને નથી.
આટલું જ નહીં, જે સેના આ આર્થિક હિતોને નુકસાનથી બચાવશે, તેની શૌર્યતા પર પણ રાહુલ ગાંધીએ સવાલ ઉઠાવ્યા છે. રાહુલ ગાંધીની પાર્ટીના ઘણા નેતાઓએ ઑપરેશન સિંદૂર દરમિયાન ભારતીય સેનાની કાર્યવાહી પર સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસના નેતાઓ એ પણ સ્વીકારવા તૈયાર નથી કે ઑપરેશન સિંદૂરમાં ભારતે પાકિસ્તાનના 5-6 વિમાનો તોડી પાડ્યા હતા. તેથી પાકિસ્તાનને શહ મળી રહી છે અને તેની સેનાના વડા હવે ભારતીય વ્યાપારી હિતોને નિશાન બનાવી રહ્યા છે.


