હોમપેજદુનિયાપરમાણુ ધમકી, યુદ્ધ માટે ઇસ્લામી આયાતોનો સંદર્ભ: અમેરિકા પહોંચેલા પાક. આર્મી ચીફ...

પરમાણુ ધમકી, યુદ્ધ માટે ઇસ્લામી આયાતોનો સંદર્ભ: અમેરિકા પહોંચેલા પાક. આર્મી ચીફ મુનીરે ફરી ઓક્યું ભારતવિરોધી ઝેર

અસીમ મુનીરે ભાષણમાં જણાવ્યું કે, “અમે એક ન્યુક્લિયર રાષ્ટ્ર છીએ. જો અમને લાગશે કે અમે હારી રહ્યા છીએ તો અમે અડધું વિશ્વ અમારી સાથે લઈ જઈશું.” આ નિવેદન ભારત સામે સીધી ન્યુક્લિયર ધમકી છે.

- Advertisement -

પાકિસ્તાનના સેના પ્રમુખ ‘ફીલ્ડ માર્શલ’ અસીમ મુનીરે (Asim Munir) અમેરિકાની ધરતી પરથી ભારતને પરમાણુ હુમલાની ધમકી આપી હોવાનું સામે આવ્યું છે. ટેમ્પામાં એક બ્લેક-ટાઈ ડિનરમાં આપેલા ભાષણમાં મુનીરે ભારત સાથેના ભાવિ યુદ્ધમાં ન્યુક્લિયર (Nuclear Weapons) હથિયારોનો ઉપયોગ કરવાની ચીમકી આપી છે. આ નિવેદન અમેરિકાની ધરતી પરથી કોઈ ત્રીજા દેશ સામે ન્યુક્લિયર ધમકી આપવાની પ્રથમ ઘટના છે.

આ ભાષણ 9 ઑગસ્ટના રોજ અમેરિકાના ફ્લોરિડાના ટેમ્પામાં ગ્રાન્ડ હયાત હોટેલ ખાતે યોજાયેલા એક ખાસ ડિનર દરમિયાન આપવામાં આવ્યું હતું, જેનું આયોજન પાકિસ્તાનના ટેમ્પામાં ઓનરરી કોન્સલ અદનાન અસદ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લગભગ 120 પાકિસ્તાની ડાયસ્પોરાના સભ્યો ઉપસ્થિત હતા.

ભારતને ન્યુક્લિયર ધમકી

અસીમ મુનીરે ભાષણમાં જણાવ્યું કે, “અમે એક ન્યુક્લિયર રાષ્ટ્ર છીએ. જો અમને લાગશે કે અમે હારી રહ્યા છીએ તો અમે અડધું વિશ્વ અમારી સાથે લઈ જઈશું.” આ નિવેદન ભારત સામે સીધી ન્યુક્લિયર ધમકી છે. તેણે ભારતની આર્થિક અને સૈન્ય શક્તિને નિશાન બનાવતા કહ્યું કે, “અમે ભારતના પૂર્વીય ભાગો, જ્યાં તેમના મૂલ્યવાન સંસાધનો આવેલા છે, ત્યાંથી હુમલો શરૂ કરીશું.” નોંધનીય છે કે બાંગ્લાદેશના મુહમ્મદ યુનુસ પણ આ પહેલાં ભારતના પૂર્વોત્તરના રાજ્યો પર કબજો કરવાની ધમકી આપી ચૂક્યા છે.

- Advertisement -

ભારતના ડેમ પર હુમલાની ચીમકી

આ ઉપરાંત, તેણે સિંધુ જળ સંધિનો ઉલ્લેખ કરીને ભારતના ડેમ નિર્માણની યોજનાઓ પર હુમલો કરવાની ધમકી આપતા કહ્યું કે, “અમે ભારતને ડેમ બનાવવા દઈશું અને જ્યારે તે બની જશે તો અમે 10 મિસાઈલો વડે તેને નષ્ટ કરી દઈશું.” નોંધનીય છે કે પહલગામ આતંકી હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યા બાદ ભારતે પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિ સમાપ્ત કરી દીધી હતી. પાકિસ્તાન સ્થિત લશ્કર-એ –તૈયબાની શાખા ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) સાથે જોડાયેલા આતંકવાદીઓએ આ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું હતું.

અંબાણી પર હુમલાની ધમકી

આ ઉપરાંત મુનીરે ભારતના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પરિવાર પર પણ હુમલો કરવાની ચીમકી ઉચ્ચારી હતી. તેમણે પોતાના ભાષણમાં ઇસ્લામિક આયાતોનો ઉપયોગ કરીને પાકિસ્તાની ડાયસ્પોરાને ભારત વિરુદ્ધ ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કુરાનની સૂરહ અસ-સફની આયત 4નો ઉલ્લેખ કર્યો. જેમાં એવું કહેવાયું છે કે, અલ્લાહ એવા લોકોને પ્રિય ગણાવે છે જેઓ તેના માર્ગમાં એકજૂથ થઈને લડે છે.

આ આયતનો ઉપયોગ તેણે પાકિસ્તાનની ચાર દિવસની યુદ્ધની કાર્યવાહીના સંદર્ભમાં કર્યો હતો. મુનીરે ભારતના નુકસાનની વિગતો જાહેર ન કરવાની નીતિની મજાક ઉડાવી અને કહ્યું, “ભારતે પોતાનું નુકસાન સ્વીકારવું જોઈએ.” તેણે ભારતની તુલના ‘ચમકતી મર્સિડીઝ’ અને પાકિસ્તાનની તુલના ‘ડમ્પ ટ્રક’ સાથે કરી હતી અને કહ્યું હતું કે, ટક્કરથી ટ્રક કરતાં કારને વધુ નુકસાન થશે. જોકે, આમ કરીને, તેમણે અજાણતામાં સ્વીકાર્યું કે આર્થિક સ્તરે ભારતની સરખામણીમાં પાકિસ્તાન ક્યાંય જોવા મળતું નથી.

વધુમાં, મુનીરે સૂરહ ફીલનો ઉલ્લેખ કર્યો, જેમાં અલ્લાહે શત્રુના યુદ્ધ હાથીઓ પર પક્ષીઓ મોકલીને પથ્થરો વરસાવ્યા અને તેમને ‘ચાવેલા પરાળ’ જેવા બનાવી દીધા. તેણે આનો ઉપયોગ ભારતના પૂર્વીય ભાગો, જ્યાં ભારતના મૂલ્યવાન સંસાધનો આવેલા છે, ત્યાંથી હુમલો શરૂ કરવાની ધમકી આપવા માટે કર્યો. આ મજહબી આયાતો દ્વારા મુનીરે પાકિસ્તાનના લોકો અને ડાયસ્પોરા સમક્ષ ભારત વિરુદ્ધ યુદ્ધની તૈયારીનો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો.

નોંધનીય બાબત છે કે ભાષણ દરમિયાન મોબાઈલ ફોન અથવા અન્ય ડિજિટલ ઉપકરણોના ઉપયોગ પર પ્રતિબંધ હતો અને ભાષણનું કોઈ સત્તાવાર લખાણ જાહેર કરવામાં આવ્યું નથી. ‘ધ પ્રિન્ટ’એ આ ભાષણની વિગતો હાજર રહેલા કેટલાક સહભાગીઓની વાતોના આધારે એકત્રિત કરી છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં