સ્વઘોષિત જગત જમાદાર સંયુક્ત રાજ્ય અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર પહેલાં 25% અને ત્યારબાદ ફરી 25% ટેરિફ લાગુ કરવાની ઘોષણા કરીને નવો વિવાદ છંછેડ્યો છે પણ આ તરફ ભારત સરકાર અડગ રહી છે. આ બધાની વચ્ચે પાડોશી દેશ ચીન, જે આમ ભારતતરફી વલણ માટે બહુ જાણીતો નથી, તેણે ખુલીને ભારતતરફી સ્ટેન્ડ લીધું છે. ચીની મીડિયા હમણાં ભારત અને મોદીતરફી લેખો લખવા માંડ્યું છે.
‘ગ્લોબલ ટાઈમ્સ’ ચીનની સરકારનું મુખપત્ર છે. ગ્લોબલ ટાઈમ્સે એક સંપાદકીયમાં ભારત-ચીનના સુમેળભર્યા સંબંધોની વકાલત કરીને ચીન પ્રવાસે આવતા વડાપ્રધાન મોદીનું સ્વાગત કરવાની વાત કહી છે.
GTએ લખ્યું, “હિંદુ કહેવત એવી છે કે, તમારા ભાઈની મદદ કરશો તો તમારું કામ પણ આપોઆપ થઈ જશે. ભારત અને ચીનના સ્વાસ્થ સંબંધો સમગ્ર એશિયા અને દુનિયામાં પણ એક સકારાત્મક પ્રભાવ પાડશે.”
આગળ પીએમ મોદીની ચીન યાત્રાનો ઉલ્લેખ કરીને કહ્યું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વિપક્ષીય સંબંધોને એક નવી ઊંચાઈ આપવા માટે અને સહકારિતામાં વૃદ્ધિ કરવા માટે ચીન આવી રહ્યા છે ત્યારે અમે તેમનું સ્વાગત કરીએ છીએ. બંને દેશો સાથે મળીને એક નવા અધ્યાયનો આરંભ કરશે.”
#Editorial: The recent “warming” of China-India ties clearly shows that Washington’s attempt to draw New Delhi into its so-called “Indo-Pacific strategy” to contain China does not align with India’s independent foreign policy. https://t.co/IK01CUssQB pic.twitter.com/9gDrNFx7fH
— Global Times (@globaltimesnews) August 7, 2025
લેખમાં કહેવામાં આવ્યું છે, “મોદીની ચીન યાત્રાના સમાચાર એવા સમયે સામે આવ્યા છે, જ્યારે અમેરિકાએ ભારતીય માલસામાન પર ટેરિફમાં ભારે વધારો કરી દીધો છે. અમુક પશ્ચિમી મીડિયા આઉટલેટ મોદીની આ યાત્રાને અમેરિકાવિરોધી પગલામાં ખપાવવા પ્રયાસ કરી રહ્યા છે, પણ આ એકપક્ષીય દૃષ્ટિકોણ થઈ ગયો. દરેક દેશ ઈચ્છે છે કે તે મુક્ત વ્યાપાર કરે અને ગેરવ્યાજબી ટેરિફના ચક્કરમાં ન પડે. ચીનના દૃષ્ટિકોણથી જોઈએ તો ભારત-ચીનના સંબંધો કોઈ તૃતીય પક્ષથી પ્રભાવિત થતા નથી.
આગળ બંને દેશોને ‘પ્રાચીન સંસ્કૃતિઓ’ ગણાવીને ગ્લોબલ ટાઈમ્સ લખે છે કે, બંને ઉભરતી અર્થવ્યવસ્થાઓ છે, ગ્લોબલ સાઉથના બે મોટા પાયા છે, બંને દેશો આધુનિકતા તરફ આગળ વધી રહ્યા છે અને બંનેનાં અમુક હિતો પણ સમાન છે. GT એમ પણ લખે છે કે, તાજેતરના અમુક ઘટનાક્રમ દર્શાવે છે કે અમેરિકા તેની ઇન્ડો-પેસિફિક રણનીતિ હેઠળ ભારત સમક્ષ એવું સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે કે ચીન સાથેના સંબંધો ભારતની સ્વતંત્ર વિદેશ નીતિ સાથે મેળ ખાય તેમ નથી. પરંતુ બંને પાડોશી દેશો અનેક રીતે એકબીજાને મદદરૂપ થઈ શકે તેમ નથી.
પીએમ મોદીની મુલાકાતનો ઉલ્લેખ કરીને કહેવામાં આવ્યું કે, જો આ યાત્રા શક્ય બને તો બંને દેશો વચ્ચે સહકારિતા અને દ્વિપક્ષીય સંબંધોને એક નવો મંચ મળશે અને તેનાં અનેક ક્ષેત્રોમાં સકારાત્મક પરિણામો આવશે, જેનાથી ક્ષેત્રીય શાંતિ અને સમૃદ્ધિ વધશે.
‘ગ્લોબલ ટાઈમ્સ’નો આ સંપાદકીય લેખ અસામાન્ય એટલા માટે કહી શકાય, કારણ કે છેલ્લા થોડા સમયથી ચીની મુખપત્ર કાયમ ભારતવિરોધી વલણ જ દાખવતું આવ્યું હતું. ભારતવિરોધી પ્રોપગેન્ડા ફેલાવતાં મીડિયા આઉટલેટ્સમાં તેનું પણ નામ આવતું રહ્યું છે. પરંતુ વૈશ્વિક સમીકરણો જેમ બદલાય તેમ સરકારોની નીતિઓ બદલાય છે અને સરકારોની નીતિ અનુસાર મુખપત્રની.


