હોમપેજરાજકારણ1 કલાકની પ્રેસ કૉન્ફરન્સ v/s 10 મુદ્દાઓ: વિગતવાર સમજો કેમ પાયાવિહોણા છે...

1 કલાકની પ્રેસ કૉન્ફરન્સ v/s 10 મુદ્દાઓ: વિગતવાર સમજો કેમ પાયાવિહોણા છે ચૂંટણીઓમાં વૉટ ચોરીના રાહુલ ગાંધીના આરોપો

રાહુલ ગાંધીના આ આરોપોનો, દાવાઓનો નજીકથી અભ્યાસ કરવામાં આવે તો મોટાભાગની વાતો ઉપરછલ્લી, તર્ક વગરની અને વાસ્તવિકતાથી જોજનો દૂર હોવાનું માલૂમ પડે છે. એક પછી એક મુદ્દાસર જઈએ. 

- Advertisement -

દેશના રાજકારણમાં ફરી ‘ચૂંટણીમાં ગેરરીતિ’વાળું ભૂત ધૂણ્યું છે અને આ વખતે પણ તેનું કારણ રાહુલ ગાંધીની (Rahul Gandhi) એક પ્રેસ કૉન્ફરન્સ છે. કોંગ્રેસ નેતાને હવે આ પ્રકારે પ્રેસ કૉન્ફરન્સો કરીને, પ્રેઝન્ટેશન બતાવીને કે અખબારોમાં લેખો લખીને, સોશિયલ મીડિયા પર પોસ્ટો લખીને ચૂંટણી પ્રક્રિયા પર સવાલો ઉઠાવવામાં, આરોપો લગાવવામાં ફાવટ આવી ગઈ છે. ગુરુવારે (7 ઑગસ્ટ) પણ તેમણે એ જ કર્યું અને એક કલાક લાંબી પત્રકાર પરિષદ કરીને એવું સાબિત કરવાના પ્રયાસ કર્યા કે ચૂંટણી પંચ ભાજપના ઈશારે કામ કરે છે અને મહારાષ્ટ્ર અને 2024માં લોકસભા ચૂંટણી દરમિયાન કર્ણાટકમાં થયેલી ચૂંટણીઓમાં મોટાપાયે ગેરરીતિ થઈ હતી. 

પ્રેસ કૉન્ફરન્સમાં રાહુલ કહ્યું કે બંધારણ વિરુદ્ધ એક ‘ક્રિમિનલ ફ્રૉડ’ આચરવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં મતદાર યાદી સાથે છેડછાડ કરવામાં આવી હોવાના પોતાની પાસે ‘સ્પષ્ટ પુરાવા’ હોવાનો દાવો કરીને રાહુલ ગાંધી ચૂંટણી પંચને પણ સવાલોના કઠેડામાં ઊભું કરવાના પ્રયાસો કરે છે અને આરોપ લગાવે છે કે તેમણે મોટાપાયે થયેલી ગેરરીતિને ઢાંકવા માટે મશીન-રિડેબલ ડેટા પૂરો પાડવાનો ઇનકાર કરી દીધો હતો. 

રાહુલ ગાંધીએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં વૉટની ‘ચોરી’ થઈ હોવાનો આરોપ લગાવી દીધો. બેંગલુરુની મહાદેવપુરા વિધાનસભા વૉટ ચોરીનું એક હબ હોવાનું કહીને ઉમેર્યું કે ત્યાં એક લાખ ખોટા મતો પડ્યા હતા. 

- Advertisement -

રાહુલ ગાંધીના આ આરોપોનો, દાવાઓનો નજીકથી અભ્યાસ કરવામાં આવે તો મોટાભાગની વાતો ઉપરછલ્લી, તર્ક વગરની અને વાસ્તવિકતાથી જોજનો દૂર હોવાનું માલૂમ પડે છે. એક પછી એક મુદ્દાસર જઈએ. 

1. ઈન્ટરનેટ પોલ અને વાસ્તવિક પરિણામ 

રાહુલ ગાંધીનું કહેવું છે કે કોંગ્રેસ પાર્ટીએ જ્યારે આંતરિક સરવે કર્યો ત્યારે કર્ણાટકની 28 લોકસભા બેઠકમાંથી 16 જીતશે તેવું જાણવા મળ્યું હતું. પરંતુ પરિણામો આવ્યાં ત્યારે કોંગ્રેસને માત્ર 9 જ બેઠકો મળી. આના આધારે તેઓ કહે છે કે ચૂંટણીમાં વૉટર ફ્રૉડ થયું છે. 

પણ આ વાત તદ્દન વાહિયાત છે. આંતરિક સરવે ક્યારેય પારદર્શી પણ હોતા નથી કે ન તેની સ્વતંત્ર પુષ્ટિ થઈ શકે તેમ હોય છે. જે કેમ્પેઈન ટીમ સરવે કરતી હોય તેની અપેક્ષાઓ આધારિત જ પરિણામો મળતાં હોય છે અને જમીની વાસ્તવિકતા સંપૂર્ણપણે જોવા મળતી નથી. લોકશાહીમાં ચૂંટણીમાં પડેલા મતો પરિણામો નક્કી કરે છે, ઈન્ટરનેટ કે પછી સરવે આધારિત મતો નહીં. 

આ જ તર્ક વાપરવામાં આવે તો ભાજપ પણ એમ કહી શકે કે 2024ની લોકસભા ચૂંટણીમાં તેમના સરવેમાં 400થી વધુ બેઠકો બતાવી હતી, પરંતુ પરિણામ વિપરીત આવ્યું. પણ ભાજપને એટલી અક્કલ છે કે આવા આંતરિક સરવે ઘણી વખત ખોટા પડી શકે છે, તેના માટે ચૂંટણી પંચ સામે તલવાર તાણી કાઢવા ન જવાય. રાહુલ ગાંધી માટે સમજણનું આટલું સ્તર વિકસાવવું હજુ કપરું કામ છે. 

2. એન્ટી ઇન્કમ્બન્સી કેમ નડતી નથી? પ્રશ્નના આધારે આપી તર્કવિહીન દલીલ 

રાહુલનો બીજો પ્રશ્ન એ છે કે ભાજપને 2 ટર્મ પછી પણ ત્રીજી વખત સત્તા કેમ મળી? આમ તો આનો જવાબ એ છે કે મોદીની સરકારે કામ કર્યાં એટલે. પરંતુ કોંગ્રેસ નેતાઓ પ્રશ્ન એન્ટી ઇન્કમ્બન્સીને લઈને છે. તેમનું કહેવું છે કે લોકશાહીમાં દરેક પાર્ટીને એન્ટી ઈન્કમ્બન્સી નડે છે, પણ અહીં ભાજપે ત્રીજી વખત સત્તા મેળવી લીધી. 

આ પણ ગજબનો તર્ક થયો. એન્ટી ઇન્કમ્બન્સી નથી તો તેનો અર્થ એ નથી કે જે-તે પાર્ટી ફ્રૉડ કરીને જીતી છે. મતદારોને સરકાર પર વિશ્વાસ હોય, નેતૃત્વ પર વિશ્વાસ હોય, તેમનાં કામો થયાં હોય તો તેઓ બીજો વિકલ્પ શોધવાના સ્થાને એ જ સરકારોને ફરી-ફરી ચૂંટે છે. ભૂતકાળમાં કોંગ્રેસની સરકારો દાયકાઓ સુધી સત્તામાં રહી છે, પણ ત્યારે વિપક્ષમાં કોઈ બાળક બુદ્ધિ બેઠો ન હતો, એટલે આવા પ્રશ્નો ન થયા!

આ જ ચર્ચામાં રાહુલ ગાંધી પાકિસ્તાન તરફી નરેટિવ પણ તરતો મૂકી દે છે, જે તેઓ હવે ઘણા સમયથી કરતા આવ્યા છે. તેઓ કહે છે કે જેવી સરકાર સામે એન્ટી-ઇન્કમ્બન્સી વધે કે એક નવી સ્ક્રિપ્ટ આવી જાય છે. અહીં તેઓ ઑપરેશન સિંદૂર અને પુલવામા હુમલાનો ઉલ્લેખ કરે છે. એટલે સંકેત એ તરફ કે આ પણ સરકારનાં જ કાવતરાં હોય શકે. પોતાની સંડોવણી ન દેખાય તે માટે પાકિસ્તાન આ જ વાત કહેતું આવ્યું છે. એ જ વાત રાહુલ ગાંધી ફરી રિપીટ કરી રહ્યા છે!

3. ઓપિનિયન પોલ અને એક્ઝિટ પોલ: ખોટા પડવા અનેક કારણોસર સ્વાભાવિક છે 

રાહુલ ગાંધી ત્યારબાદ ઓપિનિયન અને એક્ઝિટ પોલ્સ વચ્ચે લાવે છે અને કહે છે કે અમુક ચૂંટણીઓમાં એક્ઝિટ પોલ અને ઓપિનિયન પોલ જુદા હતા અને પરિણામો તદ્દન જુદાં આવ્યાં. આના માટે તેઓ હરિયાણા અને મધ્ય પ્રદેશનાં ચૂંટણી પરિણામો ટાંકે છે. 

અહીં નોંધવાની વાત એ રહે કે એક્ઝિટ પોલ અને ઓપિનિયન પોલ શત પ્રતિશત સત્ય હોતા નથી અને વાસ્તવિકતા એ પણ છે કે તેના ખોટા પડવાની શક્યતાઓ અનેકગણી હોય છે. કારણો ઘણાં છે. એક તો આવા પોલની મર્યાદા હોય છે. ગણતરીમાં ખામી હોય શકે અને આખરે તો મતદારના કહ્યા પર જ વિશ્વાસ કરવાનો હોય, જે સાચું જ કહે એ જરૂરી નથી. 

ભૂતકાળમાં અનેક કિસ્સાઓમાં આ પ્રકારના પોલ ખોટા પડ્યા છે અને ભારતમાં જ નહીં વિદેશમાં પણ પડ્યા છે. માત્ર ભાજપ માટે સારાં જ પરિણામો આવ્યાં હોય એવું પણ નથી. 2015માં બિહાર ચૂંટણીમાં તમામ પોલ ભાજપની જીત બતાવતા હતા, પણ આખરે RJD-JDU ગઠબંધનની જીત થઈ હતી. અન્ય પણ કિસ્સાઓ છે. 

સૌથી મોટું ઉદાહરણ 2024ની લોકસભા ચૂંટણીનું છે. તમામ પોલ ભાજપની જંગી બહુમતીથી જીત બતાવતા હતા. પરિણામો આવ્યાં તો ભાજપ એકલે હાથે બહુમત પાર કરી શક્યો નહીં. એટલે પોલ અને પરિણામોમાં વિસંગતતા તદ્દન સ્વાભાવિક છે. તેમાં ફ્રૉડ થયું એમ ન કહેવાય. 

4. કર્ણાટકમાં કથિત વૉટર ફ્રૉડના આરોપ: વહીવટી ખામીઓને મોટી કરીને ગેરરીતિ સાબિત કરવાનું તરકટ 

રાહુલ ગાંધી બેંગ્લોર સેન્ટ્રલ લોકસભા બેઠકની આઠ વિધાનસભા પૈકીની એક મહાદેવપુરાનું ઉદાહરણ આપીને કહે છે કે અહીં 6.5 લાખમાંથી 1 લાખ મત એવા હતા, જે કાં ડુપ્લીકેટ હતા, કાં ખોટાં સરનામાંવાળા હતા. 

ઉદાહરણ તરીકે તેમણે ગુરકીરત સિંઘ ડેંગ નામની એક વ્યક્તિનો કેસ ટાંક્યો હતો. આરોપ છે કે તેમનું નામ ચાર જુદાં બૂથ પર જોવા મળ્યું છે. આ એકમાત્ર ઉદાહરણથી તેમણે એવું સાબિત કરવાનો પ્રયાસ કર્યો છે કે આવા હજારો કેસ છે. પણ બાકીનાના પુરાવા ક્યાં? એ કહ્યું નથી. 

ઇકોસિસ્ટમ વચ્ચે ઉછરેલા રાહુલ ગાંધીને ઓછું ધ્યાનમાં હશે પણ દુનિયા કામધંધા, બાળકોનાં શિક્ષણ કે અન્ય કારણોસર સ્થળાંતર કરતા રહે છે. મોટાં શહેરોમાં તો આ વધુ જોવા મળે. એક જ શહેરમાં એક ઠેકાણેથી બીજા ઠેકાણે લોકો ઘર બદલે એ સ્વાભાવિક છે. આવા કેસોમાં વ્યક્તિનું નામ નવા સરનામે ચડી ગયું હોય પણ જૂના રેકર્ડમાંથી કાઢવાનું રહી ગયું હોય એ બની શકે. 

વહીવટી ખામીના કારણે એક જગ્યાએથી નામ દૂર કર્યા વગર બીજી જગ્યાએ દાખલ થયું હોય એવું બની શકે, પણ તેનો અર્થ એ ન કરાય કે જે-તે વ્યક્તિએ એક કરતાં વધુ વખત મત આપ્યો હશે. નોંધણીને વાસ્તવિક મતદાન સાથે જોડવી એ મૂર્ખામી છે. 

બીજું એક એ પણ નોંધવાનું રહે કે પાર્ટીઓને અગાઉથી જ મતદાર યાદી મળી જાય છે અને વેરિફિકેશન દરમિયાન તેમને વાંધો ઉઠાવવાની પણ સત્તા હોય છે. જો આટલા મોટાપાયે ગેરરીતિ આચરવામાં આવી હોય તો અગાઉ કોંગ્રેસે વાંધો કેમ ન ઉઠાવ્યો એ પ્રશ્ન છે. 

5. વૉટર ડુપ્લિકેશન: શું ખરેખર કોઈ ષડ્યંત્ર છે?

રાહુલ ગાંધી આરોપ લગાવતાં કહે છે કે અમુક મતદારોએ 2 વખત મત આપ્યા હતા. માની પણ લઈએ તો હવે પ્રશ્ન એ છે કે તેમણે મત કોને આપ્યો હતો? તમામે ભાજપને જ મત આપ્યા હોવાના કોઈ પુરાવા નથી. સિક્રેટ બેલેટ સિસ્ટમના કારણે કયા મતદારે કોને મત આપ્યો એ ક્યારેય જાણી શકાતું નથી. ફેક મતદારો હોય પણ અને બે વખત મતદાન કર્યું હોય તેમ માની પણ લઈએ તો તેમણે કોંગ્રેસ કે બીજી કોઈ પાર્ટીને પણ મત આપ્યા હોય શકે. છતાં રાહુલ ગાંધી એવું સાબિત કરવાના પ્રયાસ કરે છે, એ પણ પુરાવા વગર, કે આ કથિત ગેરરીતિનો લાભ ભાજપને મળ્યો છે અને કમિશન ભાજપ માટે કામ કરે છે.

ઉપરાંત, આવા છૂટક કિસ્સાઓના આધારે એ નિષ્કર્ષ ઉપર ન પહોંચી શકાય કે આખી સિસ્ટમ જ નિષ્ફળ સાબિત થઈ છે અને ચૂંટણી જ ફ્રૉડ હતી. અમુક લોકોએ જો સિસ્ટમની આંખમાં ધૂળ નાખી હોય તો એ સિસ્ટમેટિક લૂપહોલ કહેવાય, કોન્સ્પિરસી નહીં. 

6. મતદાર યાદીમાં સરનામાં નહીં તો તેનું કારણ ષડ્યંત્ર? 

રાહુલ ગાંધી દાવો કરે છે કે મતદાર યાદીમાં અનેક ઠેકાણે સરનામાં લખવામાં આવ્યાં નથી. અમુક વેરીફાય થઈ શકતાં નથી અને અમુક ખોટાં છે. આવા હજારો કેસ હોવાનું તેઓ કહે છે. 

આ વાસ્તવમાં પ્રશાસકીય ભૂલ દર્શાવે છે. મહાદેવપુરા જેવી શહેરી વિસ્તારની વિધાનસભાઓમાં આ પ્રકારે ડિજિટાઈઝેશનમાં ખામી હોવી સ્વાભાવિક છે. ૦ અથવા # એ ડેટા ફોર્મેટિંગ કે મેન્યુઅલ ઇનપુટ એરરના કારણે હોય શકે. દરેક કેસની સ્વતંત્રપણે ખરાઈ કર્યા વગર આવા દાવાઓનું કોઈ ઔચિત્ય રહેતું નથી. 

7. શું ફોટા નથી તો તેનું કારણ પણ ષડ્યંત્ર? 

અમુક ઠેકાણેથી ફોટા પણ ગાયબ થયા હોવાનો રાહુલ ગાંધી આરોપ લગાવે છે. પરંતુ આ પણ ‘એડમિનિસ્ટ્રેટિવ લેપ્સ’નું પરિણામ છે, ફ્રૉડ નહીં. ભારતમાં વૉટર ડેટાબેઝ બહુ મોટો છે અને સમયાંતરે અપડેટ થતો રહે છે. ફોટા અપલોડ કરવામાં વિલંબ કે ડિજિટાઇઝેશનમાં ગ્લીચના કારણે આમ થવું સ્વાભાવિક છે. એવું પણ નથી કે લિસ્ટમાં ફોટો નથી એ જે-તે વ્યક્તિએ મત આપ્યો જ હશે. 

રાહુલ ગાંધીએ જ કહ્યું હતું કે અમુક યાદીઓમાં ફોટા બહુ નાના કે ઝાંખા છે. આ જ દર્શાવે છે કે આ ટેકનિકલ ખામી કે ઇલેક્ટોરલ સિસ્ટમમાં રહેલી ક્લેરિકલ એરર છે, કોઈ વૉટ ચોરી માટેનું ષડ્યંત્ર નહીં. 

8. આરોપ– ફૉર્મ 6નો દુરુપયોગ થયો, લૉજિક– કશું જ નહીં 

રાહુલ ગાંધીએ આગળ આરોપ લગાવ્યો છે કે વૉટર રજિસ્ટ્રેશન પ્રક્રિયાનો વૃદ્ધ મતદારો દ્વારા દુરુપયોગ કરવામાં આવ્યો છે અને વાસ્તવમાં 18થી 22 વર્ષના મતદારોએ જ તેનો ઉપયોગ કરવો જોઈએ. તેમણે આના માટે એક 70 વર્ષીય મહિલાનું ઉદાહરણ ટાંક્યું, જેમણે 2 વખત અરજી કરી હતી અને એવી પણ શક્યતા વ્યક્ત કરી કે તેમણે 2 વખત મતદાન કર્યું હશે. 

અહીં ગેરસમજ થાય છે. ફોર્મ 6 પહેલી વખત મતદાન કરનારાઓની નોંધણી કરાવવા માટે હોય છે, ઉંમરને તેની સાથે કશું જ લાગતું-વળગતું નથી. લોકો મોટી ઉંમરે પણ નોંધણી કરાવી શકે છે. કોઈ વિદેશથી આવ્યું હોય, કોઈએ નવા દસ્તાવેજો બનાવ્યા હોય એવું પણ બની શકે. 2024ની ચૂંટણીમાં કેટલાય વૃદ્ધ મતદારો હતા, જેમણે પહેલી વખત મતદાન કર્યું હતું. 

9. ડુપ્લિકેશનનો આરોપ, પણ બિહારમાં SIRનો વિરોધ 

રાહુલ ગાંધી મતદાર યાદીમાં ખામી અને ગેરરીતિના આરોપ લગાવે છે, પણ તેમનું અને તેમની પાર્ટીનું આચરણ જુદું છે. બિહારમાં જ્યારે ચૂંટણી પંચે મતદાર યાદીનું રિવિઝન કરવા માટે પ્રક્રિયા શરૂ કરી તો રાહુલ, કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓએ હોબાળો મચાવી મૂક્યો અને હજુ પણ રડારોળ ચાલે જ છે. 

કોંગ્રેસ અને વિપક્ષો આ પ્રક્રિયાનો પણ વિરોધ કરી રહ્યા છે અને ભાજપ પર ચૂંટણી પંચ સાથે મળીને વિધાનસભા ચૂંટણી પહેલાં ગડબડ ગોટાળા કરવાના આરોપ લગાવી રહ્યા છે. પરંતુ હકીકત એ છે કે મતદાર યાદીમાં ખામી હોવી એ નવી વાત નથી. કોંગ્રેસ શાસનમાં પણ આ પ્રકારની સિસ્ટમેટિક ખામીઓ જોવા મળતી હતી. ચૂંટણી પંચ જો તેને સુધારીને પારદર્શિતા લાવતું હોય, SIR જેવી પ્રક્રિયા દ્વારા ખામીઓ દૂર કરતું હોય તો તેનું સ્વાગત થવું જોઈએ. રાહુલ ગાંધી અને તેમની પાર્ટી ત્યાં વિરોધ કરી રહ્યા છે અને પછીથી પ્રેસ કૉન્ફરન્સ કરીને એ જ વાતો કહે છે, જેનો ઉપાય SIRમાં છે. 

10. એડમિનિસ્ટ્રેટિવ લેપ્સને ‘કોન્સ્પિરસી’ સાબિત કરવાનો પ્રયાસ 

ચૂંટણી ફ્રૉડના રાહુલ ગાંધીના તમામ આરોપો માત્ર દાવાઓ, ધારણાઓ અને અનુમાનો અને નબળા કુતર્ક  પર આધારિત છે. તેઓ જે પુરાવાની વાત કરે છે એ વાસ્તવમાં કોઈ બહુ મોટી કોન્સ્પિરસી દર્શાવતા હોય તેમ નથી. તેમણે માત્ર એટલું કર્યું છે કે વર્ષોથી સિસ્ટમમાં જે લૂપહોલ રહ્યા છે તેને બહુ મોટી ગેરરીતિ આચરવામાં આવી હોય તે રીતે રજૂ કર્યા છે. પરંતુ તેનાથી સાબિત કશું જ થતું નથી. 

ચૂંટણીમાં ગેરરીતિના આરોપોને ગંભીરતાથી લેવા જોઈએ, પણ તેના ઠોસ પુરાવાઓ પણ હોવા જોઈએ. જો તેમ હોય તો એક વ્યવસ્થિત રીતે તેને રજૂ કરવામાં આવવા જોઈએ. આ રીતે પ્રેસ કૉન્ફરન્સ કરીને, ધારણાઓના આધારે આરોપો લગાવીને, સનસનાટી પેદા કરીને બીજો કોઈ હેતુ સિદ્ધ થતો નથી. તે ન થાય ત્યાં સુધી આ રીતે વાતો કર્યા કરવાથી ભારતની લોકતાંત્રિક પ્રક્રિયાને નીચા દેખાડવા જેવું કહેવાય. 

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં