હોમપેજગુજરાતપ્રશ્ન પૂછતાં આમ આદમી પર હુમલો કરવાની નવી રાજનીતિનું ગુજરાતમાં આગમન: હાલ...

પ્રશ્ન પૂછતાં આમ આદમી પર હુમલો કરવાની નવી રાજનીતિનું ગુજરાતમાં આગમન: હાલ જે સત્તાવાર વિપક્ષ પણ નથી બની, તે AAPને સત્તા મળશે તો!

મોરબીનો આ લાફો એક નાની ઘટના નથી, પરંતુ AAPના ચરિત્રનું એક મોટું ચિત્ર છે. ગુજરાતના લોકોએ આ ઘટનાને યાદ રાખવી પડશે. નહીં તો, અન્ય સામાન્ય નાગરિકો પણ વારંવાર AAPની ‘લાફાશાહી’નો શિકાર બનતા રહેશે.

- Advertisement -

માત્ર એક સવાલ પૂછવા પર ઉશ્કેરાઈ જઈને સામાન્ય નાગરિકને લાફો ઝીંકી દેવાની ઘટના ગુજરાતના રાજકારણમાં ચર્ચાનો વિષય બની છે. આ ઘટનાએ આમ આદમી પાર્ટીની ‘લોકતંત્ર’ અને ‘આમ આદમીના અધિકાર’ની વ્યાખ્યા પર પણ સવાલ ઉઠાવ્યા છે. બંધારણ દરેક વ્યક્તિને સત્તાધીશો અને નેતાઓને સવાલ પૂછવાનો મૂળભૂત અધિકાર આપે છે અને તે જ અધિકારના દાયરામાં રહીને કોઈ વ્યક્તિ સભ્ય ભાષામાં કોઈ નેતાને સવાલ કરે તો માત્ર સવાલ આકરો હોવાથી તેને પાર્ટીના કાર્યકર્તાઓ લાફા મારી દે તે કેટલું યોગ્ય? આવા લોકોના હાથમાં સત્તા આવે તો સામાન્ય નાગરિકોની હાલત કેવી થશે? ‘લોકતંત્રની હત્યા’ થતી હોવાના બણગાં ફૂંકતા આ જ લોકો આજે એક નજીવા સવાલ પર સામાન્ય નાગરિકને મારવા પર ઉતરી આવ્યા છે. 

ઘટના 4 ઑગસ્ટ, 2025ની છે. મોરબીમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી એક સભામાં જનતાને સંબોધિત કરી રહ્યા હતા, પાર્ટીના કાર્યકર્તાઓ પણ આસપાસ ઉભરાઈ આવ્યા હતા અને જનતા વચ્ચે ઊભા રહ્યા હતા. આ દરમિયાન એક યુવાને પ્રદેશ અધ્યક્ષને સવાલ પૂછવાની હિંમત કરી લીધી, પણ સવાલનો જવાબ આપવાની જગ્યાએ AAPના કાર્યકર્તાએ તે સામાન્ય નાગરિકને લાફો ઝીંકી દીધો અને હાથમાંથી માઇક પણ છીનવી લીધું. આ જ લોકો સરકાર સામે એવા આરોપો લગાવતા ફરે છે કે, સરકાર લોકોના અવાજને દબાવે છે!

આ ઘટના બાદ હવે સવાલ એ ઊભા થઈ રહ્યા છે કે, ભ્રષ્ટાચારને પાડી દેવાની વાતો કરીને ઊભરી આવેલી આમ આદમી પાર્ટીએ આ કેવા રાજકારણની શરૂઆત કરી છે? જેમાં એક સામાન્ય નાગરિકને માત્ર એટલા માટે માર મારવામાં આવે કે, તેણે સવાલ પૂછવાની હિંમત કરી. આ જ લોકો ફરી પાછા કાલે ઊઠીને ‘આમ આદમી’ની વાતો કરવા લાગશે અને પોતાને સામાન્ય માણસોના મસીહા ગણાવવા લાગશે. પરંતુ, જ્યારે ખરેખર ‘આમ આદમી’નો અવાજ સાંભળવાનો સમય હતો, ત્યારે આ જ લોકો તેના અવાજને દબાવવા માટે શારીરિક હિંસા પર ઉતરી આવ્યા હતા. 

- Advertisement -

માત્ર 5 ધારાસભ્યે આટલું જોર, જો સત્તા મળી તો…?

અહીં નોંધવા જેવું એ પણ છે કે, ગુજરાત વિધાનસભામાં આમ આદમી પાર્ટીના માત્ર 5 જ ધારાસભ્યો છે. ખૂબ ઓછું જન પ્રતિનિધિત્વ હોવા છતાં આ પાર્ટીના કાર્યકર્તાઓ સવાલ પૂછનારા સામાન્ય માણસો પર હુમલો કરી રહ્યા છે તો કલ્પના કરો કે, તેમના હાથમાં સત્તા આવી તો તેઓ શું કરશે? ફક્ત પાંચ ધારાસભ્યોના જોરે તેઓ હિંસા પર ઉતરી આવ્યા છે. હિંસા પણ કોઈ ભાજપ નેતા કે કાર્યકર્તા પર નહીં, પરંતુ એક સામાન્ય માણસ પર. આવી સ્થિતિ ત્યારે છે, જ્યારે આમ આદમી પાર્ટીના ગણીને પાંચ ધારાસભ્ય છે. તેમની સત્તા હોત તો શું સ્થિતિ ઊભી થઈ હોત? 

બીજી તરફ, આ જ આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ સતત મોદી સરકાર અને ગુજરાત સરકારને ઘેરવા માટે તુચ્છ અને ઊતરતી કક્ષાની ભાષા વાપરતા જોવા મળે છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી માટે અનેક વખત અપમાનજનક શબ્દો વાપરવામાં આવ્યા હતા અને ગાળો પણ આપવામાં આવી હતી. સત્તાપક્ષમાં હોવા છતાં ક્યારેય ભાજપ સરકારે કે પાર્ટીના અન્ય નેતાઓએ આમ આદમી પાર્ટી જેવી હરકત નથી કરી. અહીં તફાવતનું કારણ છે સ્પષ્ટ રાજકારણ અને સિદ્ધાંતો. 

ભાજપના ભવિષ્યના ધ્યેયો સ્પષ્ટ છે. પીએમ મોદી પણ વારંવાર વિકસિત ભારતના ધ્યેયની વાત કરતા રહે છે. જ્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો એકમાત્ર ધ્યેય સત્તા છે. ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચેની વિચારધારામાં તફાવતનું કારણ એ છે કે, ભાજપ સિદ્ધાંતો સાથે આગળ વધતું એક યોજનાબદ્ધ રાજકીય સંગઠન છે, જ્યારે આમ આદમી પાર્ટી ‘ભ્રષ્ટાચાર હટાવવા’ના કથિત આંદોલનમાંથી ઊભરી આવેલું એક સોપાન. બંનેની વિચારવાની ક્ષમતા પણ જુદી છે. 

ભાજપ હંમેશા ભવિષ્યલક્ષી વિચાર કરે છે અને તેને અમલમાં લાવવા માટે યોગ્ય સમય લઈને પૂરતા પ્રયાસો કરે છે, જ્યારે આમ આદમી પાર્ટીને બધુ જ તાત્કાલિક જોઈએ છે. સત્તા પણ અને સત્તાનો મદ પણ. એવું નથી કે, 5 ધારાસભ્યો હોવા છતાં માત્ર ગુજરાતમાં જ આમ આદમી પાર્ટી સામાન્ય નાગરિકો પર દાદાગીરી કરી રહી છે. આ જ મોડસ ઓપરેન્ડી AAPએ દિલ્હી અને પંજાબમાં પણ લાગુ કરી દીધી હતી. 

વિરોધ કરવા પર જેલમાં ધકેલી દે છે વિરોધીદળો

અરવિંદ કેજરીવાલની દિલ્હીમાં પ્રથમ વખત જીત થઈ એટલે તરત જ તેમણે પોલીસની સત્તાને પોતાની અંડર કરવા માટેના પ્રયાસો કરી દીધા હતા. તે સમયે દિલ્હી પોલીસની સત્તા તેમના હાથમાં નહોતી. આમ આદમી પાર્ટીએ પાંચ વર્ષ સુધી પોલીસ મેળવવા માટે પગના તળિયા ઘસી નાખ્યા હતા. એવું નહોતું કે, તેમને પોલીસ સુશાસન સ્થાપવા અને કાયદો-વ્યવસ્થા લાગુ કરવા માટે જોઈતી હતી. તેમને પોલીસ એટલા માટે જોઈતી હતી કે, તેઓ સરળતાથી વિરોધી અવાજોને દબાવી શકે. તેનો પુરાવો એ છે કે, જેવી પંજાબમાં AAPની સરકાર આવી અને પોલીસ હાથ લાગી કે, તરત જ તેમણે આ ધંધા શરૂ કરી દીધા. 

દિલ્હીમાં થઈ રહેલા વિરોધને અટકાવવા માટે પણ આમ આદમી પાર્ટીની સરકારે પંજાબ પોલીસનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું હતું. એક યુ-ટ્યુબરે કેજરીવાલના પુત્ર પર વિડીયો બનાવ્યો તો તેને પણ પંજાબ પોલીસ નોઈડાથી ઉઠાવી લાવી હતી અને આવું INDI ગઠબંધનના બધા જ પક્ષો કરે છે. કોઈ કોંગ્રેસ કે તેના અન્ય કોઈ સહયોગી દળ પર અવાજ ઉઠાવે તો INDI ગઠબંધનના કોઈપણ રાજ્યમાં તેના વિરુદ્ધ ગુનો નોંધાઈ જાય છે અને જે-તે રાજ્યની પોલીસ તેને ઉઠાવી લાવે છે. 

અન્ય રાજ્યોમાં કોઈ મમતા બેનર્જી પર મિમ બનાવે અથવા તો સવાલ પણ પૂછે તો બંગાળ પોલીસ તે વ્યક્તિના ઘર સુધી પહોંચી જાય છે અને હજારો કિલોમીટરની યાત્રા કરીને તેને પશ્ચિમ બંગાળ લઈ જઈને જેલમાં ધકેલી દે છે. આવું જ રિપબ્લિક ભારતના પત્રકાર સાથે પણ કરવામાં આવ્યું હતું અને આવું જ અન્ય પણ ઘણા લોકો સાથે પણ કરવામાં આવ્યું હતું. તેથી મોરબીમાં બનેલી આ ઘટના કોઈ પહેલી અને છેલ્લી ઘટના નથી. આવી ઘટનાઓ અગાઉ બની ચૂકી છે અને આવનારા ભવિષ્યમાં જો આવા પક્ષોને સમર્થન મળ્યું તો વધુ પણ બની શકે છે. 

આ ઘટના યાદ અપાવે છે કે, AAPનું ગુજરાતમાં રાજકીય વર્ચસ્વ હજુ નાનું છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં માત્ર પાંચ બેઠકો જીતનારી આ પાર્ટી હજુ પોતાને ‘વૈકલ્પિક રાજનીતિ’નું નામ આપે છે. પરંતુ જો આ ‘વૈકલ્પિક રાજનીતિ’નો અર્થ એક યુવાનના સવાલનો જવાબ આપવાને બદલે તેના પર હાથ ઉપાડવો હોય તો આ રાજનીતિમાં નવું શું છે? આ તો એ જૂની ગુંડાગીરીનું નવું પેકેજિંગ લાગે છે, જેને AAP ‘લોકશાહી’નું નામ આપી રહી છે. 

AAPના નેતાઓએ દિલ્હી અને પંજાબમાં પોતાની સરકારો દ્વારા ‘લોકશાહી’નું જે ઉદાહરણ રજૂ કર્યું છે, તેમાં વિરોધીઓને દબાવવા અને ટીકાને નજરઅંદાજ કરવાની વૃત્તિ સ્પષ્ટ દેખાય છે. મોરબીની આ ઘટના એ બતાવે છે કે ગુજરાતમાં પણ AAP આ જ રસ્તે ચાલવા માંગે છે. AAPનું નામ ભલે ‘આમ આદમી પાર્ટી’ હોય, પરંતુ તેના નેતાઓ અને કાર્યકર્તાઓનું વર્તન એ સ્પષ્ટપણે દર્શાવે છે કે આ પાર્ટી ‘આમ આદમી’ની નહીં, પણ સત્તાની ભૂખી પાર્ટી છે. ગોપાલ ઇટાલિયા બૂમો પાડી-પાડીને કોઈપણ કારણ વગર ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓને ‘ગુંડાઓ’ અને ‘હરામખોરો’ જેવા શબ્દોથી અપમાનિત કરે છે. પરંતુ તેમની જ પાર્ટીમાં પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીની સામે બનેલી આ લાફાકાંડની ઘટનાએ આજે સાબિત કરી દીધું છે કે, વાસ્તવિક ગુંડા કોણ છે અને કોનાથી સતર્ક રહેવાની જરૂર છે. 

આ ઘટના ગુજરાતના લોકોને વિચારવા પર વિવશ કરે છે કે, શું આવી પાર્ટી, જે સવાલ પૂછનાર સામાન્ય માણસ પર હાથ ઉપાડે છે, તે ખરેખર ‘આમ આદમી’ નામ રાખવા લાયક પણ છે કે કેમ. શું આ લોકો સત્તામાં આવે તો દિલ્હી અને પંજાબની જેમ લોકશાહીનું ગળું નહીં દબાવે? મોરબીનો આ લાફો એક નાની ઘટના નથી, પરંતુ AAPના ચરિત્રનું એક મોટું ચિત્ર છે. ગુજરાતના લોકોએ આ ઘટનાને યાદ રાખવી પડશે. નહીં તો, અન્ય સામાન્ય નાગરિકો પણ વારંવાર AAPની ‘લાફાશાહી’નો શિકાર બનતા રહેશે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં