આમ આદમીએ AAPના ઈસુદાનને પૂછ્યો સવાલ, તો કાર્યકર્તાઓએ માર્યો માર: મોરબીની બેઠકનો વિડીયો વાયરલ, પીડિત પહોંચ્યો પોલીસ પાસે

મોરબીના રાજનગરમાં (Morbi) સોમવારના (4 ઑગસ્ટ) રોજ આમ આદમી પાર્ટીએ (Aam Aadmi Party) જાહેરસભાનું આયોજન કર્યું હતું. જેમાં ભરત ફુલતરીયા નામના એક સ્થાનિક યુવાનને પ્રશ્ન પૂછવા જેવી નજીવી બાબતે AAPના એક કાર્યકર્તાએ જાહેરમાં લાફો ઝીંકી દીધો હતો. હુમલાનો ભોગ બનેલા ભરત ફુલતરીયાએ હવે મોરબી પોલીસ સ્ટેશનમાં અરજી નોંધાવી છે. પોલીસે પણ અરજીના આધારે તપાસ શરૂ કરી છે. 

પોલીસ ફરિયાદમાં તેમણે આરોપ લગાવ્યો છે કે, તેમના પર હુમલો સ્ટેજ પર બેઠેલા આમ આદમી પાર્ટીના મોટા નેતાઓના ઈશારે કરવામાં આવ્યો હતો.

મીડિયા સાથેની વાતચીત દરમિયાન ભરત ફુલતરીયાએ જણાવ્યું કે, “ખાલી પ્રશ્ન પૂછવા પર માર મારવામાં આવે છે તો મત આપીશું તો શું હાલત થશે ?” આ ઉપરાંત તેમણે ઇસુદાન ગઢવીને કરપ્શન, રામ મંદિર સહિતના મુદ્દે પણ ઘેર્યા હતા, જેથી ત્યાં હાજર AAP કાર્યકર્તાએ ઉશ્કેરાઈને તેમને લાફો માર્યો હતો.

આ લાફાકાંડનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે, જયારે આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી સભાને સંબોધિત કરી રહ્યા હતા, ત્યારે ત્યાંના સ્થાનિક નાગરિક ભરત ફુલતરીયાએ તેમને યમુના નદીની સમસ્યા સહિતના પ્રશ્નો પૂછ્યા હતા. જે પછી ત્યાં હાજર AAP કાર્યકર્તાએ જાહેરમાં પ્રશ્ન પૂછનારને લાફો ફટકારી દીધો હતો.