હોમપેજગુજરાત'એ રંગલી, રાતની પાર્ટીમાં જવું નહીં...': અમદાવાદમાં પોસ્ટર લાગ્યા બાદ વિવાદ, ટ્રાફિક...

‘એ રંગલી, રાતની પાર્ટીમાં જવું નહીં…’: અમદાવાદમાં પોસ્ટર લાગ્યા બાદ વિવાદ, ટ્રાફિક પોલીસે કહ્યું- અમારે નથી કોઈ લેવાદેવા, તપાસ ચાલુ

આ પોસ્ટરમાં લખાયું હતું કે, "એ રંગલી, રાતની પાર્ટીઓમાં જવાનું નહીં... રેપ-ગેંગરેપ થઈ શકે છે." તે સિવાય એવું પણ લખાયું હતું કે, "એ રંગલા અંધારામાં સુમસાન જગ્યાએ રંગલીને લઈ જવાની નહીં... રેપ-ગેંગરેપ થઈ જાય તો...?"

- Advertisement -

ગુજરાતના અમદાવાદમાં તાજેતરમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં મહિલા સુરક્ષાના નામે સલામતી પર પ્રશ્નો ઉભા કરતા વિવિધ પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. જેના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. જેના કારણે સામાન્ય લોકોમાં ભારે રોષ ફેલાયો હતો અને વિવાદ સર્જાયો હતો. મહિલા સુરક્ષા જાગૃતિના નામે પોસ્ટર પર વિવાદાસ્પદ બાબતો લખવામાં આવી હતી. આ પોસ્ટર કોઈ NGOએ લગાવ્યા હોવાનું તથા અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા સ્પોન્સર કરાયા હોવાનું સામે આવ્યું હતું.

આ પોસ્ટરમાં લખાયું હતું કે, “એ રંગલી, રાતની પાર્ટીઓમાં જવાનું નહીં… રેપ-ગેંગરેપ થઈ શકે છે.” તે સિવાય એવું પણ લખાયું હતું કે, “એ રંગલા અંધારામાં સુમસાન જગ્યાએ રંગલીને લઈ જવાની નહીં… રેપ-ગેંગરેપ થઈ જાય તો…?” પોસ્ટરના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. શહેરના સોલા, ચાણક્યપુરી બ્રિજ અને આસપાસના વિસ્તારોમાં આવા પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. આ પોસ્ટર સતર્કતા ગ્રુપ નામક NGOએ બનાવેલા હતા અને તેમાં ‘સ્પોન્સર બાય અમદાવાદ ટ્રાફિક પોલીસ’ પણ લખેલું હતું.

(ફોટો: દિવ્યભાસ્કર)

આ પોસ્ટરના કારણે સોશિયલ મીડિયા પર ભારે હોબાળો મચ્યો હતો. પોસ્ટરમાં સાવચેતી રાખવા માટે જે શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો હતો તેને લઈને વિરોધ ઉઠાવવામાં આવ્યો હતો. કારણ કે સાવચેતીના નામે એવા પ્રશ્ન ઉઠાવવામાં આવ્યા હતા કે ‘રેપ થઈ જાય તો?’

- Advertisement -

વિવાદ થતા પોસ્ટર હટાવ્યા

જોકે, પોલીસને ધ્યાને આવતા આ પોસ્ટર ઉતારી લેવામાં આવ્યા છે. આ મામલે પોલીસે સ્પષ્ટતા પણ કરી છે. ઝોન 1 ઇન્ચાર્જ ડીસીપી સફીન હસને દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, “શહેર પોલીસે ઝડપથી કાર્યવાહી કરીને શહેરના ચારથી પાંચ અલગ-અલગ વિસ્તારોમાંથી આવા દસેક જેટલા બેનર્સ જપ્ત કરી લીધા છે. ‘સતર્કતા ગ્રુપ’ નામની NGOએ ટ્રાફિક પોલીસની મંજૂરી લીધેલી હતી, પરંતુ તે માત્ર ટ્રાફિક જાગૃતિના સંદેશાઓ માટે હતી, જેમાં હેલ્મેટ પહેરવા, મોબાઈલ ફોન પર વાત ન કરવી અને રોંગ સાઈડ પર ન જવું જેવા મુદ્દાઓનો સમાવેશ થતો હતો.”

વધુમાં સફીન હસને ઉમેર્યું હતું કે, “NGOએ ટ્રાફિક અવેરનેસના સ્કોપની બહાર જઈને મહિલાઓની સુરક્ષા પર પ્રશ્નાર્થ ઉભા કરતા આવા વિવાદાસ્પદ બેનર્સ કોઈપણ અધિકારી કે ટ્રાફિક પોલીસ કર્મચારીના ધ્યાને મૂક્યા વગર લગાવ્યા હતા. ટ્રાફિક પોલીસે સ્પષ્ટ કર્યું છે કે, તેમને આ વિવાદાસ્પદ બેનર્સ સાથે કોઈ લેવાદેવા નથી.” નોંધનીય બાબત છે કે, પોલીસે આવા પોસ્ટર લગાવવાનું કારણ જાણવા માટે NGO વિરુદ્ધ જાણવાજોગ ફરિયાદ પણ કરી છે.

પોસ્ટર હટાવ્યા બાદની પરિસ્થિતિ (ફોટો: દિવ્યભાસ્કર)

ઉલ્લેખનીય છે કે, આ પોસ્ટર એમ તો મહિલા સલામતી માટે જાગૃતિ ફેલાવતા હતા પરંતુ તેમાં લખેલા સ્લોગનના કારણે વિવાદ સર્જાયો છે. જેમાં મહિલાઓને રાત્રે બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી હતી. એવામાં લોકોએ પ્રશ્ન ઉઠાવ્યા હતા કે ગુજરાતમાં મહિલાઓ છૂટથી હરી-ફરી શકે છે, મોડી રાત સુધી બહાર રહી શકે છે એવા દાવા કરવામાં આવે છે તો પછી આવા પોસ્ટર લગાવવાની આવશ્યકતા શું? જોકે આ મામલે પોલીસે સાવધાની રાખીને પોસ્ટર હટાવી લેવડાવ્યા છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં