હિંદુ ધર્મના પવિત્ર એવા શ્રાવણ માસની શરૂઆત થઈ ચૂકી છે. આ મહિનો ઉત્સવો અને ભક્તિનો મહિનો કહેવાય છે. જીવંતિકા માતાના વ્રત, દશા માતાના વ્રત, રક્ષાબંધન, જન્માષ્ટમી, શીતળા સાતમ સહિતના તહેવારો આવે છે. ઘણા લોકો આ મહિનાના દર સોમવારે ભગવાન શિવની આરાધના સ્વરૂપે ઉપવાસ રાખતા હોય છે. જોકે, શ્રાવણ મહિનાની મહિમા જ ભગવાન શિવ સાથે જોડાયેલી છે.
કહેવાય છે કે દર વર્ષે શ્રાવણમાં ભગવાન શિવ પોતાના સાસરે આવે છે. બીજી એવી માન્યતા છે કે શ્રાવણ મહિનામાં જ સમુદ્ર મંથન કરવામાં આવ્યું હતું. સમુદ્ર મંથન સમયે જે વિષ બહાર આવ્યું હતું તેને ભગવાન શિવએ ગળામાં જ રોકી લીધું અને સૃષ્ટિની રક્ષા કરી હતી. તેથી જ આ માસ દરમિયાન ભગવાન શિવની આરાધનાનું ઘણું મહત્વ છે. એમ તો સમગ્ર ભારતમાં ભગવાન શિવના અઢળક મંદિર છે, પરંતુ આ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન આપણે એવા શિવ મંદિર અંગે વાત કરવાના છીએ, જે તેની શિલ્પકળા, વાસ્તુકલા, ધાર્મિક મહત્વ માટે પ્રસિદ્ધ છે. આ મંદિરને ઐરાવતેશ્વર મંદિર (Airavatesvara Temple) તરીકે ઓળખવામાં આવે છે, જે ભારતના દક્ષિણ ભાગમાં સ્થિત તમિલનાડુમાં (Tamilnadu) આવેલું છે.
ઐરાવતેશ્વર મંદિરનો ઈતિહાસ
ઐરાવતેશ્વર મંદિર તમિલનાડુના તંજાવુર જિલ્લામાં દારાસુરમ ખાતે આવેલું છે. તેનું નિર્માણ ચોલવંશના રાજા રાજરાજા ચોલ II (ઈ.સ 1142-1173) દ્વારા 12મી સદીમાં કરવામાં આવ્યું હતું. આ મંદિર ચોલ સામ્રાજ્યના ત્રણ મુખ્ય મંદિરો—બૃહદેશ્વર (તંજાવુર), ગંગૈકોંડ ચોલીશ્વરમ અને ઐરાવતેશ્વનો ભાગ છે, જે યુનેસ્કો દ્વારા ‘ગ્રેટ લિવિંગ ચોલ ટેમ્પલ્સ (Great Living Chola Temples)’ તરીકે નામાંકિત છે. ચોલ રાજવંશ (9મીથી 13મી સદી) દક્ષિણ ભારતનો શક્તિશાળી રાજવંશ હતો, જે કલા, સ્થાપત્ય, અને શૈવ ધર્મના પ્રચાર માટે જાણીતો છે. ઐરાવતેશ્વર મંદિર ચોલ શાસન સમયની શિલ્પ-સ્થાપત્ય અને વાસ્તુકલાની પરાકાષ્ઠાનું પ્રતીક છે.

રાજરાજા IIના શાસન દરમિયાન ચોલ સામ્રાજ્ય સાંસ્કૃતિક અને કલાત્મક રીતે ઉચ્ચ સ્તરે હતું. આ સિવાય એવી માન્યતા પણ છે કે સમુદ્ર મંથન સમયે નીકળેલા અને ભગવાન ઇન્દ્રના વાહન ઐરાવત હાથીએ આ મંદિરમાં ભગવાન શિવની આરાધના કરી હતી. જે કારણથી આ મંદિરને ઐરાવત હાથીના નામ પરથી ઐરાવતેશ્વર મંદિર નામ આપવામાં આવ્યું છે. આ મંદિર ચોલ રાજવંશની ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે 2004માં યુનેસ્કોએ ઐરાવતેશ્વર મંદિરને ‘ગ્રેટ લિવિંગ ચોલ ટેમ્પલ્સ’ના ભાગ રૂપે વિશ્વ વિરાસત સ્થળ જાહેર કર્યું હતું, જે ચોલ સ્થાપત્યની શ્રેષ્ઠતાને દર્શાવે છે. ઐરાવતેશ્વર મંદિર દ્રવિડ સ્થાપત્યનું ઉત્તમ ઉદાહરણ છે, જે ચોલ શૈલીની ઝીણવટભરી શિલ્પકલા અને નવીન ડિઝાઇન માટે જાણીતું છે.
મંદિરની વિશેષતાઓ
વિમાન અને ગોપુરમ
મંદિરનું વિમાન (ગર્ભગૃહ ઉપરનું શિખર) લગભગ 85 ફૂટ ઊંચું છે, જે બૃહદેશ્વર મંદિરના વિમાન કરતાં નાનું છે, પરંતુ તેની શિલ્પકલા અત્યંત નાજુક અને કલાત્મક છે. પ્રવેશદ્વારનું ગોપુરમ શિલ્પોથી શણગારેલું છે, જેમાં શિવ, પાર્વતી, ગણેશ, અને પૌરાણિક દૃશ્યો દર્શાવવામાં આવ્યા છે.
શિલ્પકલા
મંદિરની દિવાલો અને સ્તંભો પર ઝીણવટભરી શિલ્પકલા જોવા મળે છે, જેમાં નટરાજ, ગંગા અવતરણ અને ભરતનાટ્યમની ભંગિમાઓ દર્શાવવામાં આવી છે. ખાસ કરીને, મંદિરના મંડપમાં રથ આકારની કોતરણી છે, જે ઐરાવત હાથીનું પ્રતીક માનવામાં આવે છે. આ રથના પૈડાં અને ઘોડાઓની શિલ્પકલા ચોલ શિલ્પીઓની કુશળતા દર્શાવે છે. મંદિરનું આખું પરિસર પ્રાચીન ભારતીય પુરાણોની વાર્તાઓ કહેતી કોતરણી અને શિલાલેખોથી સમૃદ્ધ છે.

સંગીતની સીડીઓ અને સ્તંભો
મંદિરની એક અનોખી વિશેષતા એટલે તેની ‘સંગીત સીડીઓ’ (singing steps). નંદી મંડપમની પાછળ ઐરાવતેશ્વર મંદિરની યજ્ઞવેદી જેવી એક નાની રચના છે. સીડીઓ ધરાવતી આ રચનાને બાલિપીઠમ કહેવામાં આવે છે. બાલિપીઠમ તરફ જતી સાત સુશોભિત કોતરણીવાળી સીડીઓને ઐરાવતેશ્વર મંદિરની ‘ગાયન સીડી’ અથવા ‘સંગીત સીડી’ કહેવામાં આવે છે.

આ સીડીના સાત પગથિયાં, જેને સપ્ત સ્વર પદગલ તરીકે ઓળખવામાં આવે છે, તે કર્ણાટક સંગીતના સાત સંગીત સૂરોનું પ્રતિનિધિત્વ કરે છે. ‘સંગીત સીડીઓ’નું મુખ્ય મહત્વ એ છે કે જ્યારે આને ટેપ કરવામાં આવે છે, ત્યારે તે સાતેય મધુર ‘સ્વર'(સા, રે, ગ, મ, પ, ધ, ની, સાં) એવા સૂર ઉત્પન્ન કરે છે. દરેક પગથિયું સંગીતના સ્કેલનો એક અલગ સ્વર ઉત્સર્જિત કરે છે. આ પગથિયાં ગ્રેનાઈટથી બનેલા છે. આ ઉપરાંત, મંદિરના કેટલાક સ્તંભો પણ ‘સંગીત સ્તંભો’ (musical pillars) તરીકે ઓળખાય છે, જે વિવિધ ધ્વનિઓ ઉત્પન્ન કરે છે.
આ સીડીઓ ચોલકાળની નોંધપાત્ર કારીગરી અને તે સમયના ભારતીયોના સંગીત જ્ઞાનનું પ્રતિનિધિત્વ કરે છે, જેમણે આ સંગીતમય સીડીઓ બનાવી હતી. આ સ્વર પથ્થરની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, ઘનતા, હવાના સ્તંભો વગેરેની પ્રકૃતિ અનુસાર ઉત્સર્જિત થાય છે. આ સ્થાપત્યમાં ખડક-ગલન તકનીક અને વિજ્ઞાનના ઉચ્ચતમ સ્વરૂપોમાંનું એક છે.
નૃત્ય અને સંગીતનું ચિત્રણ
મંદિરના શિલ્પોમાં ભરતનાટ્યમની ભંગિમાઓ અને સંગીતના વાદ્યોનું ચિત્રણ ખૂબ જ પ્રમુખ છે. આ શિલ્પો ચોલકાળની નૃત્ય અને સંગીતની સમૃદ્ધ પરંપરાને દર્શાવે છે. મંદિરના શિલ્પોમાં ભરતનાટ્યમની 108 કરણ (ભંગિમાઓ) દર્શાવવામાં આવી છે, જે ચોલકાળની નૃત્ય પરંપરાને ઉજાગર કરે છે.

યમતીર્થમ
બીજી એક દંતકથા અનુસાર, મૃત્યુના દેવતા યમને એક ઋષિએ શ્રાપ આપ્યો હતો, જેના કારણે તેમના આખા શરીરમાં સતત બળતરા થતી હતી. એવું માનવામાં આવે છે કે ઐરાવતેશ્વર મંદિર એ સ્થાન છે જ્યાં યમે ભગવાન શિવને પ્રાર્થના કરી હતી અને પવિત્ર મંદિરના કુંડમાં ડૂબકી લગાવીને પોતાને શ્રાપથી મુક્ત કર્યા હતા. આ પવિત્ર કુંડ હવે ‘યમતીર્થમ’ તરીકે ઓળખાય છે.
મંદિરની વિવિધ મૂર્તિઓ
આ મંદિરના ઘણા શિલ્પો, જેમ કે વિવિધ અભિવ્યક્તિઓમાં ઋષિ-પત્નીઓ સાથેની ભીક્ષાટનની સંપૂર્ણ રચના, હવે તંજાવુર આર્ટ ગેલેરીમાં સચવાયેલી છે. આ ચોલ કલાની શ્રેષ્ઠ કૃતિઓ છે. નાગરાજ, અગસ્ત્ય, નૃત્ય કરતા માર્તંડ ભૈરવ, શરભમૂર્તિ, ગણેશ વગેરે જેવી બાકીના શિલ્પો પણ એટલા જ સુંદર છે અને તે ચોલ વંશની અદ્યતન શિલ્પકળાની સાક્ષી પૂરે છે.

પેરિયા નાયકી મંદિર
મુખ્ય મંદિરની નજીક દેવી પાર્વતીને (પેરિયા નાયકી) સમર્પિત એક અલગ મંદિર છે, જે ચોલ વંશમાં દેવી-ઉપાસનાનું મહત્વ દર્શાવે છે.
શૈવ ધર્મનું કેન્દ્ર
ઐરાવતેશ્વર મંદિર શૈવ ધર્મનું મહત્વનું કેન્દ્ર છે, જ્યાં શિવલિંગની પૂજા કરવામાં આવે છે. ચોલ શાસન દરમિયાન આ મંદિર ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર હતું. મંદિરમાં મહાશિવરાત્રી, નવરાત્રિ અને અન્ય શૈવ તહેવારો ધામધૂમથી ઉજવવામાં આવે છે.
ઐરાવતેશ્વર મંદિર ચોલ સામ્રાજ્યની કલાત્મક અને ધાર્મિક વિરાસતનું એક અદ્ભુત ઉદાહરણ છે. તેની ઝીણવટભરી શિલ્પકલા, રથ આકારનું સ્થાપત્ય અને સંગીત સીડીઓ તેના આકર્ષણમાં વધારો કરે છે. આ મંદિરનો અભ્યાસ કરતા સમજાય છે કે ભારતીય સંસ્કૃતિ અને કળાઓ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ભરપૂર છે. આજે પણ આ મંદિરની સીડીઓ ચોલ શિલ્પીઓની ધ્વનિ-વિજ્ઞાનની નિપુણતાની સાક્ષી પૂરે છે. આ મંદિરની સ્થાપત્ય કળા આધુનિક એન્જિનિયરો અને આર્કીટેક્ચરોને આશ્ચર્યચકિત કરી દેય એવી છે. આ મંદિર માત્ર ધાર્મિક સ્થળ જ નહીં, પરંતુ ભારતીય સ્થાપત્ય અને સંસ્કૃતિનો એક અમૂલ્ય ખજાનો છે.


