ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું રાજીનામું રાષ્ટ્રપતિએ સ્વીકાર્યું, આગળની કાર્યવાહી માટે ગૃહ મંત્રાલયને મોકલાયું: પીએમ મોદીએ પણ આપી પ્રતિક્રિયા

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે (Vice President Jagdeep Dhankhar) રાજીનામું (Resignation) આપ્યા બાદ હવે તેનો સ્વીકાર પણ થઈ ચૂક્યો હોવાનું સામે આવી રહ્યું છે. જાણવા મળી રહ્યું છે કે, રાષ્ટ્રપતિએ જગદીપ ધનખડનું રાજીનામું સ્વીકારી લીધું છે. આ સાથે જ ગૃહ મંત્રાલયે પણ તાત્કાલિક અસરથી ધનખડનું રાજીનામું સ્વીકારીને તેમને પદ પરથી મુક્ત કરી દીધા છે. 

ગૃહ મંત્રાલયે બંધારણની કલમ 67(a) હેઠળ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને પદ પરથી મુક્ત કર્યાં છે. નોંધનીય છે કે, સોમવારે (21 જુલાઈ) સાંજે જગદીપ ધનખડે રાજીનામું આપી દીધું હતું અને આરોગ્યના અમુક કારણોના લીધે આવું કર્યું હોવાનું જણાવ્યું હતું. જ્યારે હવે આધિકારિક રીતે તેઓ પદ પરથી મુક્ત થઈ ચૂક્યા છે. 

પીએમ મોદીએ આપી પ્રતિક્રિયા

આ સમગ્ર ઘટનાને લઈને પીએમ મોદીએ પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને કહ્યું છે કે, જગદીપ ધનખડને ભારતના ઉપરાષ્ટ્રપતિ સહિતની અનેક ભૂમિકાઓમાં દેશની સેવા કરવાની તક મળી છે. વધુમાં તેમણે એવું પણ કહ્યું છે કે, “હું તેમના ઉત્તમ સ્વાસ્થ્ય માટેની કામના કરું છું.” આ સિવાય અન્ય નેતાઓએ પણ પ્રતિક્રિયાઓ આપી છે.