પાકિસ્તાને યુદ્ધવિરામનું ઘોર ઉલ્લંઘન કર્યું, સશસ્ત્રબળોને પૂરેપૂરી તાકાતથી જવાબ આપવા નિર્દેશ: સરકાર

પાકિસ્તાને સરહદી શહેરો પર ડ્રોન હુમલાનો પ્રયાસ કરીને યુદ્ધવિરામનો ઉલ્લંઘન કર્યા બાદ ભારત સરકાર તરફથી પ્રથમ પ્રતિક્રિયા આવી છે. 

વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું કે, “ભારત અને પાકિસ્તાનના DGMO વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી ચાલતી સૈન્ય કાર્યવાહી રોકવાની સમજૂતી થઈ હતી, તેનું પાકિસ્તાન તરફથી ઘોર ઉલ્લંઘન થઈ રહ્યું છે. ભારતીય સેના જવાબી કાર્યવાહી કરી રહી છે અને સીમા અતિક્રમણ સામે લડી રહી છે. આ અતિક્રમણ અત્યંત નિંદનીય છે અને પાકિસ્તાન તેના માટે જવાબદાર છે.”

તેમણે ઉમેર્યું, “અમારું માનવું છે કે પાકિસ્તાન સ્થિતિ સમજે અને આ અતિક્રમણ રોકવા માટે તુરંત કાર્યવાહી કરે.”

વિદેશ સચિવે જણાવ્યું કે, “પરિસ્થિતિ પર સશસ્ત્રબળો સતત નજર રાખી રહ્યાં છે અને તેમને આંતરરાષ્ટ્રીય સરહદ અને નિયંત્રણ રેખા (LoC) પર થતી કોઈ પણ ગતિવિધિનો પૂરેપૂરી તાકાતથી જવાબ આપવા માટે સૂચના આપવામાં આવી છે.”