Sunday, January 26, 2025
More
    હોમપેજદુનિયા'વિદ્યાર્થી આંદોલન' બાદ સત્તાપલટો, હવે રોજગારી પર પણ તોળાયું સંકટ: અરાજકતાની આડમાં...

    ‘વિદ્યાર્થી આંદોલન’ બાદ સત્તાપલટો, હવે રોજગારી પર પણ તોળાયું સંકટ: અરાજકતાની આડમાં થતી કથિત ક્રાંતિનાં શું દુષ્પરિણામો આવી શકે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે બાંગ્લાદેશ

    વિદ્યાર્થી આંદોલનની આડમાં કટ્ટર મઝહબી માનસિકતા સાથેના આવા રમખાણો દેશને દાયકાઓ પાછળ ધકેલી દે છે. તેનું સ્પષ્ટ અને તાજું ઉદાહરણ બાંગ્લાદેશ છે.

    - Advertisement -

    વિશ્વના ઇતિહાસમાં રશિયાથી લઈને ફ્રાંસ સુધીના દેશોમાં ક્રાંતિ થઈ. આવી ક્રાંતિના પરિણામે જ યુરોપ આજે વિકસિત બની શક્યું. દરેક ચીજનો એક સમય હોય છે. આવી ક્રાંતિઓનો પણ એક સમય હતો. જે-તે સમયે આ કીમિયો કામ કરી ગયો અને અનેક ઠેકાણે સત્તાપલટા થયા અને નવી શરૂઆત થઈ. આજના સમયમાં તમે આવું કરવા જાઓ તો ઉંધેકાંધ પટકાઈ જવાના. કારણ કે હવે આવાં મોટાપાયે થતાં આંદોલનો કદાચ સારા આશયથી પણ શરૂ કરવામાં આવે (આમ તો આશય શુભ હોતા જ નથી) તોપણ તે હાઇજેક થઈ જવાની સો નહીં એકસોને દસ ટકા શક્યતાઓ છે. આનું તાજું ઉદાહરણ પાડોશી દેશ બાંગ્લાદેશ છે.

    બાંગ્લાદેશમાં 2024માં અનામત અને બેરોજગારી જેવા મુદ્દાઓને લઈને તથાકથિત વિદ્યાર્થી આંદોલન થયું અને જેના કારણે આખરે ત્યાં સત્તાપલટો થયો. શેખ હસીનાએ દેશ છોડીને ભાગવું પડ્યું અને તેમની સરકાર પડતાંની સાથે જ દેશમાં અરાજકતા અને અશાંતિનો એક નવો દોર શરૂ થયો, જેમાં વગર વાંકે નિર્દોષ હિંદુઓ દંડાય ગયા. હજારો હિંદુઓ ઘરવિહોણા થયા. આંદોલનકારી કથિત વિદ્યાર્થીઓ એવો ફાંકો લઈને ફરતા રહ્યા કે તેઓ ક્રાંતિ કરી રહ્યા છે અને તેના મોટા પડઘા પડશે પણ બારીકાઈથી જોઈએ તો ખ્યાલ આવે છે કે આ આખું આંદોલન હાઇજેક થઈ ગયું હતું અને આશય કોઈ બીજો જ હતો. જે આખરે પાર પણ પડ્યો.

    બાંગ્લાદેશના યુવાનોએ મુદ્દાની આડમાં કથિત ક્રાંતિ લાવવાનો ફાંકો રાખીને તેમણે શેખ હસીનાની સરકારને ઉખાડી ફેંકી, તે જ મુદ્દો આજે વધીને વિકરાળ બની ગયો છે. બાંગ્લાદેશ બ્યૂરો ઑફ સ્ટેટિસ્ટિક્સે (BBS) પોતાના તાજેતરના રિપોર્ટમાં જણાવ્યું છે કે, ‘ક્રાંતિ’ના છ મહિના બાદ રોજગારીની સ્થિતિમાં કોઈ સુધારો નથી આવ્યો. સુધારો તો દૂર પણ શેખ હસીનાએ જ્યાં દેશને છોડ્યો હતો, ત્યાંથી પણ નીચલા સ્તરે પહોંચી ગયો છે. જે સમસ્યા પાછલી સરકારમાં હતી જ નહીં, તે સમસ્યાને આવી કથિત ક્રાંતિએ જન્મ આપ્યો છે.

    - Advertisement -

    શું કહે છે બાંગ્લાદેશના ‘વિદ્યાર્થી નેતા’ અને બાંગ્લાદેશના આંકડા?

    ઢાકા યુનિવર્સિટીના ‘વિદ્યાર્થી નેતા’ મોહમ્મદ રિઝવાન ચૌધરીએ કહ્યું છે કે, મોહમ્મદ યુનુસની સરકાર દ્વારા હજુ સુધી કોઈ યોગ્ય પગલાં ભરવામાં નથી આવ્યા. અહીં એ પણ નોંધવા જેવું છે કે, આ જ ‘વિદ્યાર્થી નેતા’ કથિત વિદ્યાર્થી આંદોલનમાં હોંશેહોંશે આવ્યા હતા અને આંદોલનનું નેતૃત્વ કરતા રહ્યા હતા. ન્યૂઝ એજન્સી AFP સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે, “મને હમણાં સુધી સરકાર દ્વારા કરવામાં આવેલી એક પણ પહેલ નથી દેખાઈ. ગયા વર્ષના પ્રદર્શનનું મુખ્ય કારણ જ નોકરી હતી. પરંતુ ‘ક્રાંતિ’ બાદ આ સમસ્યા ઓછી થવાને બદલે વધી રહી છે.” સાથે તેમણે એવું પણ કહ્યું છે કે, શેખ હસીનાના જવાની ખુશી હવે ગમ બની ગઈ છે.

    હવે આંકડા વિશે વાત કરીએ તો BBS અનુસાર, સપ્ટેમ્બર 2024ના અંત સુધીમાં 170 મિલિયનની આબાદીવાળા બાંગ્લાદેશમાં નોકરી શોધતા લોકોની સંખ્યા 2.66 મિલિયન થઈ ગઈ છે. જે ગયા વર્ષ એટલે કે, 2023 કરતા 6% વધુ છે. આ ઉપરાંત ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે સપ્ટેમ્બરમાં બાંગ્લાદેશને ચેતવણી આપી હતી કે, “આર્થિક પ્રવૃત્તિ ખૂબ ધીમી પડી રહી છે, જ્યારે ફુગાવો બે ગણો આગળ વધી રહ્યો છે. ખર્ચનું દબાણ પણ વધી રહ્યું છે.”

    BBCના આંકડા અનુસાર, બેરોજગારોમાં 87% શિક્ષિત બાંગ્લાદેશીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મોહમ્મદ યુનુસની સરકારનું કહેવું છે કે, તે શક્ય તમામ પ્રયાસો કરીને પણ બાંગ્લાદેશમાંથી બેરોજગારીને નાબૂદ કરી દેશે. પરંતુ બીજી તરફ બાંગ્લાદેશના યુવાનોને પોતાના પગ પર જ કુહાડી મારી હોવાનો અનુભવ થઈ રહ્યો છે. બાંગ્લાદેશની સેન્ટ્રલ બેન્કે પણ સ્વીકાર્યું છે કે. જુલાઈ અને નવેમ્બર 2024 દરમિયાન વિદેશી રોકાણ 177 મિલિયન ડોલર હતું. જે અગાઉના વર્ષમાં શેખ હસીનાની સરકાર દારમિયાં 614 મિલિયન ડોલરના ત્રીજા ભાગ કરતાં પણ ઓછું હતું.

    કથિત ક્રાંતિ દેશભરમાં ફેલાવી શકે છે અરાજકતા અને બેરોજગારી

    બાંગ્લાદેશમાં કથિત ક્રાંતિ લાવવા માટે જન્મેલા ‘વિદ્યાર્થીઓના આંદોલન’ના કારણે આજે બાંગ્લાદેશની સ્થિતિ પાકિસ્તાન જેવી થવા જઈ રહી છે. વિદ્યાર્થી આંદોલનની આડમાં કટ્ટર મઝહબી માનસિકતા સાથેના આવા રમખાણો દેશને દાયકાઓ પાછળ ધકેલી દે છે. તેનું સ્પષ્ટ અને તાજું ઉદાહરણ બાંગ્લાદેશ છે. આ ‘આંદોલન’ના કારણે જ હજારો નિર્દોષ હિંદુઓના જીવ ગયા છે. આવી જ સ્થિતિ ઈરાનમાં પણ જોવા મળી હતી. મઝહબી ક્રાંતિ અને ઇસ્લામી દેશ બનાવવા માટેના ‘આંદોલન’ના કારણે આજ સુધી ઈરાન ક્યારેય ઊભું નથી શક્યું. એક સમયે પર્શિયન દેશમાં પ્રવાસીઓની હોડ જામતી હતી અને આજે ઈરાન દુનિયાના ભયાનક દેશોની હરોળમાં સામેલ થઈ ગયો છે.

    બાંગ્લાદેશમાં પણ વિદ્યાર્થી આંદોલનની આડમાં ‘સેકલયુર ગણાતા’ શેખ હસીનાને હટાવીને મઝહબી કટ્ટરતા ફેલાવવાના પ્રયાસો થયા છે. હવે તો બાંગ્લાદેશને ઇસ્લામી રાષ્ટ્ર ઘોષિત કરવાની માંગણીઓ પણ થવા લાગી છે. આ આંદોલનના કારણે સેંકડો હિંદુ મંદિરો તોડી પડાયા, હિંદુઓના ઘરો પણ પર પણ હુમલા કરવામાં આવ્યા અને આજ સુધી બાંગ્લાદેશી હિંદુઓની હત્યાના સમાચારો સામે આવતા રહ્યા. શેખ હસીનાને હટાવવા માટે શરૂ થયેલું આ આંદોલન ‘મઝહબી કટ્ટરતા’માં પરિવર્તિત થયું અને હિંદુવિરોધી હિંસાનું કારણભૂત બન્યું.

    માત્ર હિંદુઓ જ નહીં, પરંતુ ખ્રિસ્તી અને અન્ય લઘુમતી સમુદાયો પણ તેનો ભોગ બન્યા હતા. જોકે, સૌથી વધુ ભોગ બનનારા હિંદુઓ જ હતા. આવા આંદોલનો અવળા પડવાનું એક સ્પષ્ટ કારણ મઝહબી કટ્ટરતા છે. હિંસાના કારણે આજે આખા બાંગ્લાદેશમાં અરાજકતાનો માહોલ બની ગયો છે. જ્યાં શેખ હસીનાના શાસનમાં વિદેશી પ્રવાસીઓ આરામથી દેશનો પ્રવાસ કરી શકતા હતા, ત્યાં આજે પોતાના દેશના હિંદુઓ પણ સુરક્ષિત નથી. આવા આંદોલનો દેશમાં અરાજકતા તો સર્જે જ પણ સાથે એવી સમસ્યાઓ પણ લઈને આવે, જે પહેલાં ક્યારેય જોવા પણ નહોતી મળતી.

    તેનું જ સ્પષ્ટ ઉદાહરણ છે કે, આજે બાંગ્લાદેશમાં બેરોજગારી વધી છે. હવે બેરોજગારી વધવાની સીધી અસર ગરીબી પર પડશે અને ગરીબીની અસર અર્થતંત્ર પર પણ પડશે. લોકોના જીવનધોરણ પહેલાં કરતાં પણ નીચલી કક્ષાએ પહોંચી જશે. જેના કારણે દેશમાં મજબૂત માળખાગત સુવિધાઓનો અભાવ થશે અને વિદેશી રોકાણકારો પણ ભાગતા થશે. માત્ર ‘મઝહબી માનસિકતા’ માટે શરૂ થયેલા આવા કથિત આંદોલનો આખરે તો દેશને દાયકાઓ પાછળ જ ધકેલી દે છે. ‘વિદ્યાર્થી આંદોલન’નું મૂળભૂત કારણ તત્કાલીન સરકારને પાડીને ‘ક્રાંતિ’ લાવવાનું હતું, પરંતુ આજે તે ‘ક્રાંતિ’ના 6 મહિના બાદ સ્થિતિ પહેલાં કરતાં પણ વધુ ખરાબ બની ગઈ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં