વડાંપ્રધાન શેખ હસીનાની સરકાર ઉથલાવી દીધા પછી, બાંગ્લાદેશની મોહમ્મદ યુનુસની (Muhammad Yunus Bangladesh) વચગાળાની સરકારે ત્યાંના પાઠ્યપુસ્તકો તથા અભ્યાસક્રમમાં ફેરફાર કરવાનું પણ શરૂ કરી દીધું છે. યુનુસ સરકારના નિર્દેશો પર, બાંગ્લાદેશના રાષ્ટ્રીય અભ્યાસક્રમ અને પાઠ્યપુસ્તક બોર્ડએ (NCBT) શૈક્ષણિક વર્ષ 2025માં શાળાના અભ્યાસક્રમમાંથી શેખ મુજીબુર રહેમાન સંબંધિત લખાણો ઘટાડી દીધા છે. મુજીબુરહમાન PM હસીનાના પિતા હતા.
મુજીબુરહમાન બાંગ્લાદેશના સ્થાપક અને પ્રથમ રાષ્ટ્રપતિ હતા. પાઠ્યપુસ્તકોમાં તેમને લગતી સામગ્રી ઘટાડી દેવામાં આવી છે. જે સામગ્રી રાખવામાં આવી છે તેને પણ ફરીથી લખવામાં આવી છે. પાકિસ્તાન સામેના મુક્તિ સંગ્રામમાં તેમના નેતૃત્વને પ્રકાશિત કરતા પ્રકરણો કાં તો દૂર કરવામાં આવ્યા છે અથવા સ્વતંત્રતા ચળવળ સાથે સંકળાયેલા અન્ય રાજકીય વ્યક્તિઓને સમાવવા માટે ફરીથી લખવામાં આવ્યા છે.
હિંદુ વિરોધી અને મુસ્લિમ લીગ નેતાઓ ઉમેરાયા
પુસ્તકમાં દર્શાવવામાં આવેલા અન્ય રાજકીય વ્યક્તિઓમાં ભૂતપૂર્વ મુસ્લિમ લીગ નેતા મૌલાના અબ્દુલ હમીદ ખાન ભશાની, અવિભાજિત બંગાળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન હિંદુ વિરોધી હુસૈન સુહરાવર્દી, મુસ્લિમ લીગ નેતા અને પૂર્વ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન અબુલ કાસિમ ફઝલુલ હક અને હસીનાની હરીફ ખાલિદા ઝિયા અને તેમના શોહર અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ઝિયાઉર રહેમાનનો સમાવેશ થાય છે.
બાંગ્લાદેશની સ્વતંત્રતામાં મુજીબુરહમાનના યોગદાનને પણ ઓછું આંકવામાં આવ્યું છે. ચોથા ધોરણના બંગાળી પુસ્તકોમાંથી ‘મુજીબ માને મુક્તિ (મુજીબ એટલે સ્વતંત્રતા)’ શબ્દ દૂર કરવામાં આવ્યો છે. તે જ સમયે, બાંગ્લાદેશની સ્વતંત્રતાની માંગ ઝિયાઉર રહેમાને કરી હતી એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નવા પુસ્તકોમાં ઉલ્લેખ છે કે તત્કાલીન આર્મી ચીફે 26 માર્ચ, 1971ના રોજ ચિત્તાગોંગથી સ્વતંત્રતાની પહેલી ઘોષણા કરી હતી.
તેમાં જણાવાયું છે કે 27 માર્ચ 1971ના રોજ, ઝિયાઉર રહેમાનની વ્યક્તિગત ઘોષણાના એક દિવસ પછી, મુજીબે પણ સ્વતંત્રતાની ઘોષણા કરી. અગાઉના પુસ્તકોમાં મુજીબને 26 માર્ચ 1971ના રોજ સ્વતંત્રતાની પહેલી ઘોષણા કરવાનો શ્રેય આપવામાં આવ્યો હતો. આ રીતે, મુજીબુરહમાન, જેમને બંગબંધુ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમનું યોગદાન ઓછું કરીને બીજા કોઈના નામે કરવામાં આવી રહ્યું છે.
ભારતીય યોગદાનમાં પણ ઘટાડો
ઇન્ડિયન એક્સપ્રેસ અનુસાર, બાંગ્લાદેશની આઝાદીમાં ભારતનું યોગદાન પાઠ્યપુસ્તકોમાં રાખવામાં આવ્યું છે, પરંતુ તત્કાલીન PM ઈન્દિરા ગાંધી સાથે મુજીબુરહમાનના ઐતિહાસિક ફોટા દૂર કરવામાં આવ્યા છે. આ 2 ફોટોગ્રાફ્સમાં 6 ફેબ્રુઆરી 1972ના રોજ કોલકાતામાં એક રેલીમાં તેમના સંયુક્ત સંબોધનનો ફોટો અને 17 માર્ચ 1972ના રોજ ઢાકામાં ઇન્દિરા ગાંધીના સ્વાગતનો ફોટો સામેલ છે.
જોકે, 1971ના યુદ્ધમાં ભારતીય સેના અને મુક્તિ વાહિનીની ભૂમિકા યથાવત રાખવામાં આવી છે. આમાં 16 ડિસેમ્બર 1971ના રોજ ભારતીય સેના સમક્ષ પાકિસ્તાનની શરણાગતિનો ઐતિહાસિક ફોટોગ્રાફ પણ સામેલ છે. વધુમાં, પુસ્તકોની નવી આવૃત્તિઓમાંથી બાંગ્લાદેશની સ્વતંત્રતાને માન્યતા આપનાર પ્રથમ દેશ તરીકે ભારતનું નામ દૂર કરવામાં આવ્યું છે. ભારત નામ બદલીને ભૂટાનનું નામ લખવામાં આવ્યું છે.
બાંગ્લાદેશના પાઠ્યપુસ્તકોના સુધારેલા સંસ્કરણમાં જણાવાયું છે કે 3 ડિસેમ્બર 1971ના રોજ બાંગ્લાદેશની સ્વતંત્રતાને માન્યતા આપનાર ભૂટાન પહેલો દેશ હતો. સાથે જ, મોહમ્મદ યુનુસની સરકારે શેખ હસીનાને તમામ પાઠ્યપુસ્તકોમાંથી સંપૂર્ણપણે દૂર કરી દીધા છે. પહેલાંના પુસ્તકોના પાછળના કવર પેજ પર શેખ હસીનાનો વિદ્યાર્થીઓને આપેલો પરંપરાગત સંદેશ છાપવામાં આવતો હતો.
તે પેજ પર હવે જુલાઈ 2024માં હસીના વિરુદ્ધ શરૂ કરાયેલા ‘વિદ્યાર્થી આંદોલન’ના ચિત્રો છાપવામાં આવ્યા છે. આ સુધારાઓ બાંગ્લાદેશ શિક્ષણ મંત્રાલએ નિયુક્ત કરેલ 57 નિષ્ણાતોની ટીમ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના વિદ્યાર્થીઓ માટે 441 પાઠ્યપુસ્તકોમાં આ સુધારા કરવામાં આવ્યા છે. ચાલુ શૈક્ષણિક વર્ષમાં 40 કરોડથી વધુ નવા પુસ્તકો છાપવામાં આવ્યા છે.
આ પુસ્તકોમાં શેખ હસીના વહીવટીતંત્ર પર સત્તા જાળવી રાખવા માટે ન્યાયતંત્ર અને સિવિલ સર્વિસનો ઉપયોગ કરીને અન્યાયી ચૂંટણીઓ યોજવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. દરમિયાન, ભૂતપૂર્વ વડાપ્રધાન અને બાંગ્લાદેશ નેશનલ પાર્ટીના (BNP) નેતા ખાલિદા ઝિયાએ લોકોને બગડતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે એક થવા વિનંતી કરી છે.