જર્મનીની કન્ઝર્વેટીવ પાર્ટી CDUના નેતા ફ્રેડરિક મર્ઝ (Fredrich Merz) હવે દેશના આગામી ચાન્સેલર (Germany’s Chancellor) બનવા તરફ આગળ વધી રહ્યા છે. રવિવારના (23 ફેબ્રુઆરી 2025) રોજ યોજાયેલી ચૂંટણીમાં તેમના પક્ષે સૌથી વધુ બેઠકો જીતી હતી. જેના પગલે વર્તમાન ચાન્સેલર ઓલાફ શોલ્ઝને હારનો સામનો કરવો પડ્યો હતો. મર્ઝ ખાસ કરીને શરણાર્થીઓ અને સ્થળાંતર પરના તેમના કડક વલણને કારણે ચર્ચામાં રહ્યા છે.
#FriedrichMerz, the man tasked with leading #Germany's next administration, was somewhat sidelined during Angela Merkel’s 16 years at the helm of the #CDU, and has floated in and out of politics throughout his career.
— FRANCE 24 English (@France24_en) February 23, 2025
FRANCE 24’s @yinka_oyetade tells us more about him ⤵️ pic.twitter.com/0JjGsn0cXC
ફ્રેડરિક મર્ઝ શરણાર્થીઓ અને સ્થળાંતરના મુદ્દા પર તેમના કડક વલણ માટે જાણીતા છે. તેમનું માનવું છે કે જર્મનીમાં ગેરકાયદેસર સ્થળાંતરને સંપૂર્ણપણે રોકવું જરૂરી છે. તેઓ કાયમી બોર્ડર કંટ્રોલની હાકલ કરે છે અને કહે છે કે જે લોકો ગેરકાયદેસર રીતે દેશમાં પ્રવેશવાનો પ્રયાસ કરે છે તેમનો તાત્કાલિક દેશનિકાલ કરવો જોઈએ. CDU નેતા બન્યા પછી તેમણે પાર્ટીને દક્ષિણપંથ તરફ લઇ જવાનો પ્રયાસ કર્યો, જેથી કટ્ટર જમણેરી પક્ષ AFDના પ્રભાવને રોકી શકાય. તેમનું કહેવું છે કે જર્મની તેની ક્ષમતા કરતાં વધુ બોજ સહન કરી શકશે નહીં.
‘શરણાર્થીઓના દાંત બનાવવા માટે ખર્ચાયા ટેક્સપેયર્સના પૈસા’
સપ્ટેમ્બર 2023માં ફ્રેડરિક મર્ઝનું એક નિવેદન ઘણી ચર્ચામાં આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, “શરણાર્થીઓ ટેક્સપેયર્સના પૈસાથી તેમના દાંત બનાવડાવી રહ્યા છે, જ્યારે સામાન્ય જર્મન દર્દીઓને ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ પણ મળી શકતી નથી.” આ નિવેદનથી હોબાળો મચી ગયો હતો. જર્મન ડેન્ટલ એસોસિએશને આ દાવાને ફગાવી દીધો અને કહ્યું કે આના કોઈ પુરાવા નથી. ઘણા લોકોએ આ નિવેદનને શરણાર્થીઓ સામે નફરત ભડકાવવા તરીકે વર્ણવ્યું. જોકે, મર્ઝે પોતાનો પક્ષ જાળવી રાખ્યો અને કહ્યું કે તેઓ ફક્ત દેશનું સત્ય બહાર લાવવા માંગે છે. તેમણે હંમેશા કાયદેસર અને ગેરકાયદેસર શરણાર્થીઓ સામે કડક વલણ અપનાવ્યું છે. તેમની જીતથી ઇમિગ્રન્ટ્સમાં મૂંઝવણ ઊભી થઈ છે.
રાજનીતિમાંથી સંન્યાસ લીધા બાદ ફર્યા પરત
69 વર્ષીય ફ્રેડરિક મેર્ઝની રાજકીય કારકિર્દી ઉતાર-ચઢાવથી ભરેલી રહી છે. તેઓ 1989માં યુરોપિયન સંસદમાં અને 1994માં જર્મન સંસદમાં ચૂંટાયા હતા. 2000માં તેઓ CDU/CSU સંસદીય જૂથના અધ્યક્ષ બન્યા, પરંતુ તે સમયના ઉભરતા નેતા એન્જેલા મર્કેલ સામે સત્તા માટેની લડાઈ હારી ગયા. તેમણે 2004માં રાજકારણ છોડી દીધું અને વકીલ અને લોબિસ્ટ બનીને ઘણા પૈસા કમાયા. તેઓ 2018માં, મર્કેલની નિવૃત્તિ સમયે પાછા ફર્યા. બે વાર હાર્યા બાદ, તેઓ 2022માં CDUના નેતા બન્યા અને પાર્ટીને ફરીથી મજબૂત બનાવી. હવે 2025ની ચૂંટણીમાં વિજય મેળવ્યા બાદ, તેઓ ચાન્સેલર બનવા જઈ રહ્યા છે.
ફ્રેડરિક મર્ઝના ચાન્સેલર બનવાથી જર્મની અને યુરોપમાં ઘણા ફેરફારો જોવા મળી શકે છે. તેઓ અર્થતંત્રને મજબૂત બનાવવા માટે બિઝનેસ-ફ્રેન્ડલી નીતિઓ લાવવા માંગે છે, જે જર્મનીના સ્થિર અર્થતંત્ર માટે સારો સંકેત હોઈ શકે છે. વિદેશ નીતિમાં, તેઓ અમેરિકા સાથે મજબૂત સંબંધો અને યુક્રેનને વધુ સમર્થન આપવાની વાત કરે છે. તેઓ યુરોપિયન યુનિયન અને નાટોમાં જર્મનીને મહત્વપૂર્ણ ભૂમિકા આપવાના પક્ષમાં છે. જોકે, શરણાર્થીઓ અંગેની તેમની કડક નીતિ યુરોપમાં વિવાદ ઉભા કરી શકે છે. ઘણા દેશો પહેલાથી જ શરણાર્થીઓ પ્રત્યે કડક વલણ અપનાવી રહ્યા છે, અને મર્ઝનું વલણ આ પ્રક્રિયાને વધુ તીવ્ર બનાવી શકે છે.
નાટો-યુરોપિયન યુનિયનમાં વધારશે જર્મનીની ભાગીદારી
ફ્રેડરિક મર્ઝ તેમના રાષ્ટ્રવાદી વિચારો માટે જાણીતા હોવા છતાં, તેઓ યુરોપિયન યુનિયનમાં (EU) પણ જર્મનીનું વર્ચસ્વ વધારવા માંગે છે. તે યુરોપિયન સેના રાખવાના પક્ષમાં છે, જેથી યુક્રેન જેવી પરિસ્થિતિ યુરોપમાં ન ઊભી થાય. એટલું જ નહીં, જર્મનીની સુરક્ષા તેમની પ્રાથમિકતા છે. તેમણે નાટોમાં સહયોગ વધારવાની પણ જાહેરાત કરી છે. તેમણે યુક્રેનને ટેકો આપવાની જાહેરાત પણ કરી અને કહ્યું કે જો તેઓ ચાન્સેલર બનીને સત્તામાં આવશે તો તેઓ યુક્રેનને લાંબા અંતરની મિસાઇલો પણ સપ્લાય કરશે.
ફ્રેડરિક મર્ઝ જર્મનીને એક નવા માર્ગ પર લઈ જઈ શકે છે. તેમની વ્યવસાયિક પૃષ્ઠભૂમિ અને કડક વલણ દેશને આર્થિક અને સુરક્ષા મોરચે મજબૂત બનાવી શકે છે, પરંતુ શરણાર્થી નીતિ પરનો વિવાદ તેમના માટે પડકાર ઉભો કરશે. યુરોપમાં જર્મનીની નવી ભૂમિકા અને વિશ્વ સાથેના તેના સંબંધો હવે મર્ઝના હાથમાં છે. ત્યારે આ તકનો તેઓ કેવી રીતે લાભ ઉઠાવે છે તે જોવું રહ્યું.