સિરીયામાં (Syria) ત્રણ મહિના પહેલાં એટલે કે ડિસેમ્બર, 2024માં ગૃહયુદ્ધ ચરમ પર પહોંચી ગયું હતું અને તેનું પરિણામ એ આવ્યું હતું કે, સિરીયાના લઘુમતી અલાવી મુસ્લિમોના નેતા અને તત્કાલીન રાષ્ટ્રપતિ બશર અલ-અસદે દેશ છોડીને ભાગવું પડ્યું હતું. સુન્ની ઈસ્લામિક સંગઠનો સિરીયા પર દિનપ્રતિદિન હાવી થઈ રહ્યાં હતાં. આખરે બશર-અલ-અસદના સત્તાપલટા બાદ વિદ્રોહી આતંકી જૂથોના હાથમાં સિરીયાની સત્તા આવી હતી. ત્યારથી લઈને આજ સુધી વારંવાર સિરીયામાં અલાવી સમુદાયને (Alawite Community) ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે.
તાજેતરમાં સિરીયાના પૂર્વ રાષ્ટ્રપતિ બશર-અલ-અસદના સમર્થકો અને સીરિયન સુરક્ષાદળો વચ્ચે ભીષણ હિંસા જોવા મળી છે. છેલ્લા બે દિવસની હિંસામાં લગભગ 1000થી વધુ લોકોના જીવ ગયા છે, જેમાં મોટાભાગના અસદના સમર્થકો અને અલાવી સમુદાયના લોકો હતા. યુદ્ધનું નિરીક્ષણ કરતી બ્રિટિશ સંસ્થા સીરિયન ઓબ્ઝર્વેટરી ફૉર હ્યુમન રાઇટ્સના એક રિપોર્ટમાં હજારથી વધુ લોકોની હત્યા થઈ હોવાનું કહેવાય રહ્યું છે. સંસ્થાનું માનવું છે કે, 14 વર્ષ પહેલાં સિરીયામાં શરૂ થયેલા ગૃહયુદ્ધ બાદની આ સૌથી મોટી ઘાતક ઘટના છે.
રિપોર્ટમાં કહેવાયું છે કે, 745 સીરિયન નાગરિકોનાં મોત થયાં છે, જેમાંથી મોટાભાગનાને નજીકથી ગોળીઓ મારવામાં આવી હતી. તે સિવાય 125 સરકારી સુરક્ષાકર્મીઓનાં મોત થયાં છે અને 148 સશસ્ત્ર વિદ્રોહીઓ માર્યા ગયા. બીજી તરફ સિરીયાની નવી સરકારે કહ્યું છે કે તેઓ અસદની સેનાના વધેલા લોકોને ટાર્ગેટ કરી રહ્યા છે. જોકે, સ્થાનિક પીડિત સમુદાયના લોકો આ ઘટનાને ‘બદલો લેવા માટે થતી હત્યા’ ગણાવી રહ્યા છે.
શા માટે અલાવી સમુદાયને કરવામાં આવી રહ્યો છે ટાર્ગેટ?
અહીં સમજવા જેવી વાત એ છે કે, 1000 લોકોનાં મોતમાં 700થી વધુ અલાવી મુસ્લિમ સમુદાયના લોકો છે. આ તે જ સમુદાય છે, જે બશર-અલ-અસદનું સૌથી મોટું સમર્થક જૂથ માનવામાં આવે છે. શિયા મુસ્લિમો અને અલાવી મુસ્લિમો હંમેશાથી અસદના સમર્થકો રહ્યા છે. બીજી તરફ સુન્ની ઇસ્લામી આતંકવાદી સંગઠનો એક દાયકાથી વધુના સમય પહેલાં જ અસદ સરકારને ઉખાડી ફેંકવા માટે કમર ક્સી રહ્યા હતા. ડિસેમ્બર 2024માં પરિસ્થિતિનો લાભ લઈને આ આતંકી જૂથોએ દમાસ્કસ પર કબજો કરી લીધો હતો. જેના કારણે રાષ્ટ્રપતિ અસદને દેશ છોડીને ભાગવા પર મજબૂર થવું પડ્યું હતું.
સિરીયામાં સત્તાપલટા બાદ સુન્ની જૂથો સત્તા પર આવ્યાં હતાં અને અહીંથી શરૂ થયો હતો શિયા અને અલાવી સમુદાય વિરુદ્ધ જેહાદી બળવો. સત્તાપલટો થયા બાદથી જ આ સમુદાયો ટાર્ગેટ પર હતા. પરંતુ તાજેતરમાં ગુરુવારે (6 માર્ચ) શરૂ થયેલી હિંસામાં રીતસર લાશોના ઢગલા કરી દેવામાં આવ્યા હતા. શુક્રવારે નવી સરકાર પ્રત્યે વફાદાર સુન્ની મુસ્લિમ બંદૂકધારીઓએ અસદના લઘુમતી અલાવી સમુદાયના લોકો વિરુદ્ધ વ્યાપક અભિયાન શરૂ કર્યું હતું.
આ અભિયાનમાં મોટાપાયે અલાવી અને શિયા સમુદાયની હત્યાઓ થઈ હતી. આ ઘટનાએ હયાત-તહરીર અલ-શામ (HTS) જેવા સુન્ની સંગઠનો પર પણ પ્રશ્નો ઊભા કર્યા છે. આ તે જ સંગઠન છે, જેણે બશર-અલ-અસદની સરકારને ઉખાડી ફેંકવામાં મુખ્ય ભાગ ભજવ્યો હતો. હાલમાં ચાલી રહેલો સંઘર્ષ પણ ઇસ્લામની બે અલગ-અલગ માન્યતાઓના આધાર પર શરૂ થયો છે. એક તરફ સુન્ની કટ્ટરપંથીઓ છે અને બીજી તરફ શિયા અને અલાવી સમુદાય છે. આ ઘટનામાં શિયા અને અલાવી સમુદાય પીડિત ગણવાઈ રહ્યા છે.
આ બંને સમુદાયોની ભૂલ માત્ર એટલી હતી કે, તેમણે અસદ સરકારનુ સમર્થન કર્યું હતું અને તે દરમિયાન સિરીયા પર તેમનું વર્ચસ્વ રહ્યું હતું. મીડિયા અહેવાલ અનુસાર, બે દિવસની હિંસા દરમિયાન સુન્ની કટ્ટરપંથી અને સુરક્ષાદળોએ ઓળખ પૂછી-પૂછીને હત્યા કરી હતી. જેથી કરીને શિયા અને અલાવી સમુદાયના લોકોને સરળતાથી શોધીને મારી શકાય.
રસ્તાઓ પર દેખાયા લાશોના ઢગલા, અલાવી વિસ્તારને કરાયા ટાર્ગેટ
અલાવી ગામડાઓ અને કસ્બાના લોકોએ મીડિયા હાઉસ AP ન્યૂઝને હત્યાઓ વિશે વિગતે વાત કરી હતી. નામ ન છાપવાની શરતે એક વ્યક્તિએ મીડિયાને કહ્યું હતું કે, બંદૂકધારીઓઓ અલાવી લોકોને ટાર્ગેટ કરીને તેમની હત્યા કરી રહ્યા છે. હત્યામાં માર્યા ગયેલા લોકોમાં મોટાભાગના પુરુષો છે. તેમને જાહેર રસ્તા કે તેમના ઘરના દરવાજા પર જ ગોળીઓ ધરબી દેવામાં આવી હતી. વધુમાં એક વ્યક્તિએ એવું પણ કહ્યું છે કે, હુમલાખોરોએ અલાવી સમુદાયના લોકોની હત્યા કર્યા બાદ તેમના ઘરમાં લૂંટફાટ પણ ચલાવી હતી અને આગ પણ લગાવી દીધી હતી. કેટલાક રિપોર્ટ્સમાં તો અલાવી સમુદાયના લોકોને ફાંસીએ લટકાવી દેવામાં આવ્યા હોવાની વાત પણ કરવામાં આવી છે.
હિંસાથી સૌથી વધુ પ્રભાવિત બનિયાસના સ્થાનિક લોકો અનુસાર, રસ્તાઓ પર લાશોના ઢગલા કરી દેવામાં આવ્યા હતા. ઘરો અને ઇમારતોની છતો પર પણ દફનાવ્યા વગરના રઝળતા મૃતદેહો જોવા મળી રહ્યા હતા. કોઈપણ વ્યક્તિ પોતાના સંબંધી કે પરિજનની લાશને ઉઠાવી શકવા પણ સક્ષમ નહોતી. ઘણા લોકોની હત્યા દુકાનો કે ઘરમાં ઘૂસીને પણ કરવામાં આવી હતી. આ તમામ પીડિત લોકો અલાવી સમુદાયના હતા.
બનિયાસના 57 વર્ષીય અલી શેહાએ મીડિયાને જણાવ્યું હતું કે, આ હુમલાઓ અસદ સરકાર દ્વારા કરવામાં આવેલા કથિત ગુનાઓનો બદલા તરીકે કરવામાં આવી રહ્યા છે. તેને ‘બદલો લેનારી હત્યા’ ગણાવવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, બંદૂકધારીઓમાં વિદેશી તત્વો અને પાડોશી ગામ અને કસ્બાના આતંકીઓ પણ સામેલ છે. તે સિવાય સીરિયન સુરક્ષાદળ પણ તેમાં સામેલ છે. શેહાએ વધુમાં આરોપ લગાવ્યો છે કે, કટ્ટરપંથીઓ હત્યા કર્યા પહેલાં પીડિતના મઝહબ અને ફિરકા વિશેની તપાસ કરે છે અને ઓળખ થયા બાદ અલાવી લોકોને મારી નાખે છે. વધુમાં માર્યા ગયેલા લોકોમાં બાળકો અને સ્ત્રીઓ પણ સામેલ છે.
અસદ શાસનમાં અલાવી સમુદાયનું હતું વર્ચસ્વ
અહીં એ પણ નોંધવા જેવું છે કે, બશર-અલ-અસદના શાસનમાં સિરીયામાં અલાવી સમુદાય અને શિયા સમુદાયનું ખૂબ વર્ચસ્વ હતું. આ કારણે જ ઈરાન જેવા શિયા મુસ્લિમ દેશ પણ અસદ સરકારનું સમર્થન કરતા હતા. સેના અને સુરક્ષા એજન્સીઓના શીર્ષ પદો પર અલાવી સમુદાયના લોકો જ રહેતા હતા. જોકે, સત્તાપલટો થયા બાદ હવે સિરીયામાં અલાવી અને શિયા મુસ્લિમો પર જોખમભરી તલવાર તોળાઈ રહી છે. જે રીતે બાંગ્લાદેશમાં શેખ હસીનાના રાજીનામાં બાદ તેમની પાર્ટી આવામી લીગના સમર્થકોને અને હિંદુઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા હતા. તે જ રીતે સિરીયામાં શિયા અને અલાવી સમુદાયને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે.
સિરીયાની ઘટનાને લઈને વિશ્વના અનેક દેશોએ તીખી પ્રતિક્રિયા આપી છે. ઓબ્ઝર્વેટરીના અધ્યક્ષ રામી અબ્દુલ રહેમાને આ સંઘર્ષને મોટો નરસંહાર ગણાવ્યો છે. તે સિવાય લેબનોનના અલાવી સમુદાયના નેતાઓએ પણ આ ઘટનાનો વિરોધ નોંધાવ્યો છે. ફ્રાન્સે પણ આ ઘટનાને લઈને નવી સરકાર પર તીખા પ્રહારો કર્યા છે અને ઘટનાને લઈને નિષ્પક્ષ કાર્યવાહી કરવા માટેનું કહ્યું છે.


