Friday, January 31, 2025
More
    હોમપેજદુનિયાસીરિયામાં હાલ જે બન્યું, તેનો પાયો નખાઈ ગયો હતો એક દાયકા પહેલાં:...

    સીરિયામાં હાલ જે બન્યું, તેનો પાયો નખાઈ ગયો હતો એક દાયકા પહેલાં: વાંચો લોહિયાળ ગૃહયુદ્ધ પાછળનો ઇતિહાસ, કઈ રીતે વિશ્વની મોટી શક્તિઓનું રણમેદાન બની ગયો દેશ

    બધું શરૂ થયું હતું વર્ષ 2011થી, 2015 આવતાં-આવતાં તો બશર અલ-અસદનું શાસન પડી ભાંગવાની કગાર પર આવીને ઉભું રહી ગયું હતું. દમાસ્કસ અને સરકારના પ્રભુત્વવાળાં શહેરોને છોડીને લગભગ ક્ષેત્ર પર ઉગ્રવાદીઓએ ભરડો લઈ જ લીધો હતો.

    - Advertisement -

    વધુ એક ઇસ્લામી દેશમાં સત્તાપરિવર્તન થવાનાં એંધાણ વર્તાઈ રહ્યાં છે. છેલ્લા એક દશકથી ગૃહયુદ્ધનો સામનો કરતા સીરિયામાં (Syria) હવે વાત તખ્તાપલટ સુધી પહોંચી ગઈ છે. એક પછી એક શહેરો કબજે કરીને આગળ વધતા જેહાદી વિદ્રોહીઓ આખરે પાટનગર દમાસ્કસ સુધી પહોંચી ગયા હતા અને પરિણામસ્વરૂપ રાષ્ટ્રપતિ બશર અલ-અસદે દેશ છોડીને ભાગવું પડ્યું. તેઓ પરિવાર સાથે સીરિયા છોડી ચૂક્યા છે અને તેની સાથે જ દાયકાઓના તેમના શાસનનો અંત આવ્યો. હવે સીરિયાની કમાન અન્ય હાથોમાં જશે.

    આમ તો સીરિયામાં અરાજકતા અને ગૃહયુદ્ધની શરૂઆત વર્ષ 2011માં થઈ હતી, જેને એક દાયકા કરતાં વધુ સમય થઈ ગયો. એટલે હાલ જે થઈ રહ્યું છે તે સમજવા માટે એક દાયકો કે તેનાથી પણ પાછળ જવું પડે. એટલે થોડું વિગતે જોઈએ.

    આ બધું શરૂ થયું હતું વર્ષ 2011થી. 2015 આવતાં-આવતાં બશર અલ-અસદનું શાસન પડી ભાંગવાની કગાર પર આવીને ઉભું રહી ગયું હતું. દમાસ્કસ અને સીરિયન સરકારનાં પ્રભુત્વવાળાં શહેરોને છોડીને લગભગ તમામ ક્ષેત્ર પર ઉગ્રવાદીઓએ ભરડો લઈ જ લીધો હતો. ઇસ્લામિક આતંકવાદી સંગઠન અલ-કાયદાની જ એક પાંખ ઝબાત અલ-નુસર, ફ્રી સીરિયન આર્મી અને કુખ્યાત આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (IS) સહિતનાં જેહાદી સંગઠનોએ અડધા ઉપરના દેશને બાનમાં લઈ લીધો હતો. પરંતુ આ સમયે રશિયા બશરની વહારે આવ્યું હતું અને સૈન્ય મદદ કરતાં સરકાર ગમે તેમ કરીને ટકી રહી હતી. પણ જે થવાનું હતું એ થોડાં વરસ પછી થયું અને આખરે સત્તા પડી ભાંગી.

    - Advertisement -

    શું છે જેહાદીઓનો ‘મકસદ’?

    આ જેહાદી/વિદ્રોહી સંગઠનો કોણ છે તે જાણતાં પહેલાં તેમનો મુખ્ય હેતુ શું છે તેના પર એક નજર મારી લઈએ. આમ તો આ ગૃહયુદ્ધમાં અનેક નાનાં-મોટાં કટ્ટર ઇસ્લામી સંગઠનો સામેલ છે, પરંતુ સૌથી વધુ વર્ચસ્વ આતંકવાદી સંગઠન અલ-કાયદાનો હિસ્સો રહી ચૂકેલું અને તેની સાથે ગાઢ સંબંધ ધરાવતું ‘હયાત અલ-શામ’ છે. તેનાં જ પદચિહ્ન પર અન્ય સંગઠનો ચાલી રહ્યાં છે. સંગઠનનો મુખ્ય હેતુ બશર સરકારને ઉખાડી ફેંકવાનો છે. આ માટે તે સીરિયામાં લોકતંત્ર સ્થાપવા, નાગરિકોને સમાન અધિકાર અપાવવા અને ઈસ્લામ મુજબ શાસન ચલાવવા માટે લડી રહ્યું હોવાનો દાવો કરી રહ્યું છે. હાલ HTSનું નેતૃત્વ એક સમયનો અલ-કાયદાનો જ કુખ્યાત આતંકવાદી અબુ મોહમ્મદ અલ-ગોલાની કરી રહ્યો છે.

    ગોલાની પોતે પણ સ્વીકારી ચૂક્યો છે કે તેનો મુખ્ય હેતુ સીરિયામાં ઇસ્લામી સરકાર સ્થાપવાનો છે. અલ-કાયદા સાથે તાર જોડાયેલા હોવાના કારણે વૈશ્વિક રાજકારણમાં સ્થાન મળવું અઘરું લાગતાં તેણે 2016માં HTSનું રીતસરનું રિબ્રાન્ડિંગ કર્યું. ત્યારબાદ અન્ય નાનાં-મોટાં કટ્ટરપંથી સંગઠનોને સાથે રાખીને સરકારને ઉખાડી ફેંકવા કવાયદ શરૂ કરી દીધી. તેમનો ધ્યેય માત્ર ને માત્ર સીરિયામાં ઇસ્લામ આધારિત સત્તા સ્થાપવાનો છે. વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લઈએ તો હાલ તેઓ સફળ થતા નજરે પડી રહ્યા છે. HTS અન્ય સંગઠનો સાથે મળીને થોડાક જ કલાકોમાં સત્તા પોતાના હાથમાં લઇ લે તેવી શક્યતાઓ જણાઈ રહી છે. દેશમાં અફરાતફરીનો માહોલ છે.

    શું છે HTS? ક્યારે આવ્યું અસ્તિત્વમાં? તેને કોનું-કોનું સમર્થન?

    સીરિયામાં ગૃહ યુદ્ધ સ્થિતિ માટે જવાબદાર જેહાદી સશસ્ત્ર આતંકવાદી સંગઠન હયાત તહરીર અલ-શામ એટલે કે HTS છે. વર્તમાનમાં HTSની કમાન 42 વર્ષના કટ્ટર ઇસ્લામિક આતંકવાદી અબુ મોહમ્મદ અલ-ગોલાનીના હાથમાં છે. તેણે 20 વર્ષની ઉમરમાં જ કટ્ટરપંથનો રસ્તો અપનાવીને જેહાદ કરવા હાથમાં હથિયાર ઉઠાવી લીધાં હતાં. તે 2003માં અમેરિકન સેના સામે લડવા ઈરાક ચાલ્યો ગયો હતો. ત્યારબાદ તે સીધો આતંકવાદી સંગઠન અલ-કાયદામાં જોડાઈ ગયો.

    ઈરાકમાં જ્યારે ISISના પૂર્વ ચીફ બગદાદીનો ડંકો વાગતો હતો, તે સમયે જ ગોલાની તેનો નજીકનો માણસ બની ગયો. નાની ઉમરમાં જ તેને મહત્વનાં પદભાર આપવામાં આવ્યાં. બગદાદીએ ગૃહયુદ્ધ શરૂ કરવા જ્યારે પહેલી જેહાદી આતંકવાદીઓની ટુકડી મોકલી, ત્યારે તેનું નેતૃત્વ તેણે અબુ મોહમ્મદ અલ-ગોલાનીને જ સોંપ્યું હતું. ત્યારબાદ તેણે જબાત અલ-નુસરા નામના વધુ એક કટ્ટરપંથી સંગઠનની સ્થાપના કરી. જોકે આ અલ-નુસરાને ISમાં સામેલ કરવાની વાત આવી ત્યારે બગદાદી અને ગોલાનીના સંબંધોમાં ખટાશ આવી ગઈ.

    અબુ મોહમ્મદ અલ-ગોલાની સીરિયામાં અલ-કાયદાનો ચીફ બનવા માંગતો હતો

    અબુ મોહમ્મદ અલ-ગોલાની ઈચ્છતો હતો કે તે સીરિયામાં જ અલ-કાયદાની સ્વતંત્ર શાખા બનાવે અને તે પોતે બગદાદીની જેમ તેનો કમાન્ડર બને. જોકે ત્યાં સુધીમાં અલ-કાયદા કુખ્યાત અને IS વધુ મજબુતીથી ઉભું થયું અને આખા વિશ્વમાં તેનો આતંક ફેલાયો. આખા વિશ્વની નજર IS પર હતી, તે સમય દરમિયાન અબુ મોહમ્મદ અલ-ગોલાનીએ પોતાની બધી જ તાકાત લગાવીને ઈદલિબમાં એક નવું સામ્રાજ્ય ઉભું કર્યું. જોકે બગદાદીના અંત અને ઇસ્લામિક સ્ટેટની હાર થઈ અને આતંકનું એક ચેપ્ટર પૂર્ણ થયું. પણ બીજી તરફ અબુ ગોલાની આતંકનો નવો ચહેરો બની ચૂક્યો હતો.

    પોતાનું વજૂદ બની ચૂક્યું છે તેમ પામી ચૂકેલો અબુ મોહમ્મદ અલ-ગોલાની હવે પોતાના પર લાગેલા અલ-કાયદાના સિક્કાને ભૂંસવા માંગતો હતો. આ માટે તેણે સૌથી પહેલું કામ તેના સંગઠનનું રિબ્રાન્ડિંગ કરવાનું કર્યું. તેણે તેના સંગઠનનું નામ બદલીને હયાત તહરીર અલ-શામ (HTS) કરી દીધું. આ સાથે જ તેણે જાહેર કરાવી દીધું કે તેમને અલ-કાયદા સાથે કોઈ જ લેવાદેવા નથી અને તેઓ એક સ્વતંત્ર સંગઠન છે. જોકે નવા સંગઠનના મૂળમાં પણ કટ્ટર ઇસ્લામવાદી વિચારધારા જ હતી અને છે. ગોલાની અમેરિકાના ચોપડે કુખ્યાત કટ્ટરપંથી ઇસ્લામી આતંકવાદી તરીકે ચડેલો છે. તેણે ધીમે-ધીમે પોતાના પગ મજબૂત તો કર્યા, પણ બાકીનાં નાનાં-મોટાં સંગઠનોનો સાથ મેળવીને મજબૂતી વધારી.

    નાનાં-મોટાં કટ્ટરવાદી સંગઠનોનો લીધો સહયોગ

    HTSએ ધીમે-ધીમે અન્ય સંગઠનોનું સમર્થન પણ મેળવ્યું. તેમાં મુખ્યત્વે ‘સીરિયન નેશનલ આર્મી’, જેને તૂર્કીનું પૂરે પૂરું સમર્થન છે અને સીરિયન વિપક્ષ જેની સાથે મજબુતીથી ઉભું છે, અહ્રાર અલ-શામ નામનું કટ્ટર ઇસ્લામી સંગઠન અને અલ-નુસ્રા ફ્રન્ટનું સમર્થન મેળવ્યું. આ તમામ માત્ર અને માત્ર સીરિયામાં ઇસ્લામી સરકાર સ્થપાય તે હેતુથી જ એક જ છત નીચે કામ કરી રહ્યાં છે. સીરિયામાં શરિયા લાગુ કરવા IS પણ એટલું જ સક્રિય છે. જોકે હાલ સીધી કટ્ટરપંથી સરકાર ઉભી કરવાની જગ્યાએ આ સંગઠનો વૈશ્વિક સમર્થન મેળવવા સમાન અધિકાર અને લોકતંત્રની વાતો કરી રહ્યા છે.

    ગૃહયુદ્ધની શરૂઆત

    સીરિયામાં ગૃહ યુદ્ધ વર્ષ 2011માં શરૂ થયું અને છેલ્લાં 13 વર્ષથી અહીં સશસ્ત્ર ગૃહ યુદ્ધ ચાલી રહ્યું છે. ઉપર જે HTS અને તેના સહયોગી સંગઠનોની વાત કરી, તે તમામ સંગઠનોએ ગ્રાઉન્ડ ઝીરો પર જઈને તથાકથિત લોકતંત્રની માંગ સાથે રાષ્ટ્રપતિ બશર અલ-અસદ વિરુદ્ધ બળવો પોકાર્યો. સ્વભાવિકપણે આ પગલા પાછળ પણ વિદેશી શક્તિઓ કામ કરી રહી હતી. જોકે સરકારના પેટનું પાણી ન હલ્યું તો વિદ્રોહ લોહિયાળ બનતો ગયો. આ બધા વચ્ચે રશિયા અને ઈરાન રાષ્ટ્રપતિ બશર અલ-અસદની વ્હારે આવ્યા અને જેહાદીઓ વિરુદ્ધ સેનાઓ ખડકી દેવામાં આવી.

    ‘લોકતંત્ર’ના નામે શરૂ કરવામાં આવેલો સંઘર્ષ અંતે ગૃહયુદ્ધમાં પરિણમ્યો. રાષ્ટ્રપતિ અસદે પોતાનું નિયંત્રણ બનાવી નાખવા માટે સેનાઓને રણમેદાનમાં ઉતારી દીધી. સામે પક્ષે જેહાદી અને કટ્ટરવાદી સમૂહોને વિપક્ષ અને ઈરાક સહિતના કેટલાક કટ્ટર ઇસ્લામી દેશોનો સહયોગ મળ્યો. સંઘર્ષ વધુ ઘેરો બન્યો અને ધીમે-ધીમે HTSના નેતૃત્વમાં ગૃહયુદ્ધે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું. રાષ્ટ્રપતિ બશર અલ-અસદની સરકારને ધ્વસ્ત કરવા એક સાથે અનેક શક્તિઓ લાગી પડી. ધીમેધીમે વૈશ્વિક રાજકારણે પણ પોતપોતાના સ્વાર્થને જોઈને આ લોહિયાળ જંગમાં ભાગ ભજવવાનું શરૂ કર્યું.

    વિશ્વની શક્તિઓએ ભજવ્યો ભાગ, ને લોહિયાળ જંગ વિકરાળ બની

    સમયાંતરે રશિયા અને ઈરાન જેવા દેશોની મદદથી જ્યારે અસદ સરકાર હાવી થવા માંડી તો અમેરકા અને અમુક યુરોપિયન દેશોએ પણ ઝંપલાવ્યું. તેઓ પણ આ ગૃહયુદ્ધમાં ભાગ ભજવવા ઉતરી પડ્યા અને HTS સહિત વિપક્ષને સમર્થન આપ્યું. બીજી તરફ IS જેવાં કટ્ટર ઇસ્લામી આતંકવાદી સંગઠને એક મોટા ભૂભાગ પર પોતાનો કબજો સાબિત કરીને ખિલાફત (ઇસ્લામમાં એક પ્રકારે શાસન) ઘોષિત કરી દીધી. આ ઘટનાએ સંઘર્ષમાં ઘાંસલેટ છાંટવાનું કામ કર્યું અને પરિસ્થિતિઓ વધુ વિકરાળ બની ગઈ.

    એક સમય એવો આવ્યો કે સીરિયામાં છેડાયેલા ગૃહયુદ્ધના ઓથા હેઠળ વિશ્વની મોટી-મોટી તાકાતો આડકતરી રીતે યુદ્ધ લડવા લાગી. અમેરિકા, ઈરાન, ઈરાક, રશિયા સહિતના દેશોએ પોતપોતાના સ્વાર્થ માટે સીરિયાની ધરતીને રણમેદાન બનાવી દીધું અને જેહાદી સમૂહો વિરુદ્ધ રાષ્ટ્રપતિ બશર અલ-અસદના યુદ્ધના નામે શક્તિશાળી દેશો છદ્મ યુદ્ધ લડવા લાગ્યા. જેનાથી ભયંકર પરિણામો આખા વિશ્વએ જોયાં. આ યુદ્ધના કારણે લાખો લોકોનાં મોત થયાં (દાવા છે કે 5 લાખથી પણ વધુ લોકો મોતને ભેટ્યા છે) તો લાખો લોકોએ પોતાનું સર્વસ્વ છોડીને ભાગવું પડ્યું.

    આટલાં વર્ષે કેમ એકદમ ઊભરો આવ્યો? કેમ થઈ જેહાદીઓની જીત?

    હવે એતો સ્પષ્ટ હતું કે અસદ શાસનને ધૂળમાં મેળવવા માટે એક સાથે અનેક તાકાતો કામ કરી રહી હતી. પરંતુ 13 વર્ષ બાદ તેમાં એકદમ ઊભરો શા માટે આવ્યો? તો આ સવાલનો જવાબ જાણવા માટે એક નજર વૈશ્વિક રાજકારણ અને દુનિયામાં ચાલી રહેલાં અન્ય યુદ્ધો પર પણ કરવી પડશે. શરૂઆતમાં સીરિયાની અસદ સરકાર ઈદબિલ પર કબજો કરીને સરકાર વિરુદ્ધ વિદ્રોહ કરી રહેલા જૂથોનો ખાત્મો કરવા માંગતી હતી. જોકે તૂર્કી તેના વિરુદ્ધમાં હતું. તૂર્કીએ તે સમયે તેમ કહ્યું હતું કે જો ઈદબિલ પર હુમલો થશે તો તૂર્કીમાં શરણાર્થીઓનું ઘોડાપૂર આવશે. આમ ન થવા દેવા પાછળ રશિયાએ પણ મહદઅંશે ભાગ ભજવ્યો.

    વર્ષ 2022 આવતાં-આવતાં વૈશ્વિક રાજકારણમાં ભયંકર પરિવર્તન આવ્યું. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું. પરિણામે રશિયાએ સીરિયામાં બશર અલ-અસદના સહયોગ માટે મોકલેલી સેના પાછી બોલાવી લેવી પડી. તે પહેલાં સીરિયાના કેટલાક ટોપના સુરક્ષા અધિકારીઓની તથાકથિત હત્યા થઈ, જેમાં યુએસનો હાથ હોવાનું કહેવાય છે. આમ થવાથી બશર અલ-અસદ સરકારની કમર ભાંગી પડી. રહી જતું હતું તો છેલ્લા એક વર્ષથી ઇઝરાયેલ પણ હમાસ અને હિઝબુલ્લાહના આતંકવાદ વિરુદ્ધ યુદ્ધ ચડ્યું. અઢળક એરસ્ટ્રાઈકો થઈ અને સીરિયાને ક્યારેય કળ ન વળે તેટલું નુકસાન થયું.

    અંતે પરિણામ આજે વિશ્વની સામે છે

    બીજી તરફ ઇઝરાયેલ સામે સીધી લડાઈ લડી રહેલું હિઝબુલ્લાહ બેકફૂટ પર ગયું, ઇઝરાયેલના અઢળક હુમલાઓ અને ઈરાની તથા અન્ય મદદના અભાવના કારણે જેહાદીઓને સીરિયા પર હુમલો કરવાનો મોકો મળી ગયો. આવેલી તક ઝડપી લઈને તેમણે સીધું યુદ્ધ છેડી દીધું. સીરિયા ઈરાન, હિઝબુલ્લાહ અને રશિયાના સમર્થન વગર આ યુદ્ધમાં ટકી શકે તેમ હતું જ નહીં. બશર અલ-અસદની સરકારમાં સેના એટલી પાંગળી થઈ ગઈ કે અંતે પરિસ્થિતિઓ વિકરાળ બનતી ગઈ. કહેવામાં આવે છે કે આ દરમિયાન તૂર્કીનાં આતંકવાદી સંગઠનોએ પણ સીરિયા સરકારની કમજોરીનો ફાયદો ઉઠાવીને જેહાદીઓનું સમર્થન કર્યું.

    હવે સ્થિતિ એવી છે કે રાષ્ટ્રપતિ બશર-અલ-અસદના શાસનનો અંત આવ્યો છે. વિદ્રોહી જેહાદી જૂથો એક પછી એક શહેરો કબજે કરતાં પાટનગર દમાસ્કસ સુધી પહોંચી ગયાં છે. જેહાદીઓએ સીરિયાને બશરના શાસનથી મુક્ત ઘોષિત કરી દીધું છે. રાષ્ટ્રપતિ પરિવાર સાથે દેશ છોડી ચૂક્યા છે. તેઓ રશિયા ચાલ્યા ગયા હોવાનાં દાવા કરવામાં આવી રહ્યા છે. વર્તમાન સ્થિતિ અનુસાર જેહાદી જૂથોએ અત્યાર સુધીમાં હમા, અલેપ્પો, દરા અને હોમ્સ પર કબજો કરી લીધો છે. હોમ્સ ચોથું સહુથી મહત્વનું શહેર છે અને હવે તે પણ વિદ્રોહી જૂથોના તાબામાં આવી ગયું છે. શહેરોના રસ્તાઓ પર જેહાદીઓ અંધાધૂંધ ગોળીબાર કરી રહ્યા છે. એક વાત નક્કી છે, સીરિયામાં ગૃહ યુદ્ધ અને તેનાં પરિણામોની વિશ્વ પર સીધી અસર પડશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં