એક દાયકા સુધી ગૃહયુદ્ધની સ્થિતિ રહ્યા બાદ આખરે સીરિયામાં (Syria) રાષ્ટ્રપતિ બશર-અલ-અસદના શાસનનો અંત આવ્યો છે. વિદ્રોહી જેહાદી જૂથો એક પછી એક શહેરો કબજે કરતાં પાટનગર દમાસ્કસ સુધી પહોંચી ગયાં હતાં અને સીરિયાને બશરના શાસનથી મુક્ત ઘોષિત કરી દીધું હતું. બીજી તરફ, રાષ્ટ્રપતિ પરિવાર સાથે દેશ છોડી ચૂક્યા છે. તેઓ રશિયા ચાલ્યા ગયા હોવાનું અમુક અહેવાલોમાં જણાવવામાં આવી રહ્યું છે, પરંતુ સત્તાવાર પુષ્ટિ થઈ શકી નથી.
હાલ સીરિયામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. મહત્વનાં અને મોટાં શહેરો પર જેહાદી જૂથો કબ્જા કરી રહ્યાં છે. તેવામાં રાષ્ટ્રપતિ અસદના ભાગવાની ખબરોથી માહોલ વધુ ભેંકાર થયો છે. દમાસ્કસ એરપોર્ટ પર પણ અરાજકતાનો માહોલ છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે રાષ્ટ્રપતિ પોતાના પરિવાર અને અન્ય કેટલાક લોકો સાથે દેશ છોડી ચૂક્યા છે.
🔴BREAKING | सीरियाई राष्ट्रपति दमिश्क से भागे : रिपोर्ट
— NDTV India (@ndtvindia) December 8, 2024
सीरिया में हालाात विस्फोटक हो चले है. इस बीच विद्रोहियों के दमिश्क में घुसने का दावा किया जा रहा है. साथ ही रिपोर्ट में दावा किया जा रहा है सीरियाई राष्ट्रपति दमिश्क छोड़ कर भाग निकले है.#Syria pic.twitter.com/afwuVbkb5g
મહત્વનાં શહેરો પર જેહાદીઓનો કબજો, હોમ્સ પણ હાથમાંથી ગયું
વર્તમાન સ્થિતિ અનુસાર જેહાદી જૂથોએ અત્યાર સુધીમાં હમા, અલેપ્પો, દરા અને હોમ્સ પર કબજો કરી લીધો છે. હોમ્સ ચોથું સહુથી મહત્વનું શહેર છે અને હવે તે પણ વિદ્રોહી જૂથોના તાબામાં આવી ગયું છે. અહેવાલોમાં જણાવ્યા અનુસાર વિદ્રોહીઓ અને સરકારી સુરક્ષાદળો વચ્ચે ઘર્ષણ ચાલુ છે. શહેરોના રસ્તાઓ પર જેહાદીઓ અંધાધૂંધ ગોળીબાર કરી રહ્યા છે. હોમ્સ પર કબજો તે રાષ્ટ્રપતિ અસદ માટે સૌથી મોટો ઝટકો છે.
હોમ્સ રાજધાની દમાસ્કસ અને અન્ય તટીય પ્રાંત લટાકિયા અને ટાર્ટસ વચ્ચેનું મહત્વપૂર્ણ જંકશન છે અને આ બંને સરકાર માટે સમર્થનનો મોટો આધાર છે. અહીં રશિયન સેનાનો એક કેમ્પ પણ છે. તેવામાં હોમ્સનું હાથમાંથી જવું અસદ માટે સહુથી મોટું નુકસાન સાબિત થશે. હોમ્સના રસ્તાઓ પર જેહાદીઓ અસદ વિરુદ્ધ સુત્રોચ્ચાર કરી રહ્યા છે અને તેના પોસ્ટર ફાડી રહ્યા છે. હવામાં ગોળીબાર કરીને કબ્જાનો જશ્ન મનાવવામાં આવી રહ્યો છે.
ભારતની ઘટનાક્રમ પર બાજ નજર
બીજી તરફ આ આખા ઘટનાક્રમ પર ભારત બહુ ઝીણવટભરી નજર રાખી રહ્યું છે. તખ્તાપલટની તૈયારી અને હિંસા વચ્ચે ભારતે ભારતીય નાગરિકોને અહીં યાત્રા ન કરવા સૂચન કર્યું છે. સાથે જ જે ભારતીયો હાલ સીરિયામાં હોય તેમને અત્યંત સાવધાન રહેવાના નિર્દેશ આપ્યા છે. જોકે, હાલ સીરિયામાં હોય એવા ભારતીયોની સંખ્યા 100થી પણ ઓછી છે. નોંધવું જોઈએ કે સીરિયાના તખ્તાપલટની અસર વૈશ્વિક રાજકારણ પર પડશે તે સ્પષ્ટ છે.