Friday, December 27, 2024
More
    હોમપેજદુનિયાપાકિસ્તાનમાં મૃત્યુ પામ્યો આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કી: UNએ 2023માં ઘોષિત કર્યો હતો...

    પાકિસ્તાનમાં મૃત્યુ પામ્યો આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કી: UNએ 2023માં ઘોષિત કર્યો હતો ‘ગ્લોબલ ટેરરિસ્ટ’, 26/11 હુમલામાં હતી ભૂમિકા

    અબ્દુલ રહેમાન મક્કી લશ્કરના ચીફ અને મોસ્ટ વૉન્ટેડ અને કુખ્યાત આતંકવાદી હાફિઝ સઈદનો સગો કાકાનો દીકરો ભાઈ હતો. આ સિવાય તેણે તેના સગા કાકાની દીકરી એટલે કે હાફિઝ સઈદની બહેન સાથે નિકાહ કર્યા હતા, આથી તે તેનો બનેવી પણ થાય.

    - Advertisement -

    પાકિસ્તાનમાં (Pakistan) બેસીને ભારતવિરોધી કારસ્તાનો કરતો આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કી (Abdul Rehman Makki) મૃત્યુ પામ્યો છે. તે 26/11 હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો અને ભારતમાં અન્ય અમુક આતંકવાદી હુમલા કરાવવામાં પણ તેનો હાથ હતો. કુખ્યાત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનો ડેપ્યુટી ચીફ હતો અને સંગઠનના સ્થાપક આતંકી હાફિઝ સઈદનો સંબંધી પણ હતો. લાહોરની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો હતો ત્યારે તેને હાર્ટએટેક આવ્યો.

    તેને ડાયાબિટીસની બીમારી હતી અને ઘણા સમયથી સારવાર પણ લઈ રહ્યો હતો. પછીથી બીજી પણ અમુક બીમારીઓ ઘર કરી ગઈ હતી. શુક્રવારે સવારે હોસ્પિટલમાં જ તેને હાર્ટ અટેક આવ્યો હતો. પાકિસ્તાનના મીડિયાએ પણ આ સમાચારની પુષ્ટિ કરી છે.

    નોંધનીય છે કે હજુ ગયા વર્ષે જ સંયુક્ત રાષ્ટ્રએ મક્કીને અંતરરાષ્ટ્રીય આતંકવાદી ઘોષિત કરવામાં આવ્યો હતો. તેને આતંકવાદી ઘોષિત કર્યા બાદ દર વખતની જેમ પાકિસ્તાને તેને સંઘરી દીધો હતો. કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાનમાં તેનાં ઠેકાણાં વારંવાર બદલવામાં આવતાં હતાં. વચ્ચે અફવા પણ ઉડી હતી કે કેટલાક અજાણ્યા બંદૂકધારીઓ તેને ઉઠાવી ગયા હતા, દરમિયાન તેની હ્રદય રોગના હુમલાથી ઓચિંતુ મોત ચર્ચાનું કારણ બન્યું છે.

    - Advertisement -

    કોણ હતો અબ્દુલ રહેમાન મક્કી?

    અબ્દુલ રહેમાન મક્કી એ લશ્કર-એ-તૈયબાનો નાયબ અમીર હતો. એ અબ્દુલ રહેમાન મક્કી જ હતો જેણે મુંબઈના ભયંકર 26/11 હુમલાની બ્લૂ પ્રિન્ટ તૈયાર કરી હતી. 26/11ના માસ્ટરમાઈન્ડ સિવાય 2000ની સાલમાં થયેલા લાલ કિલ્લા હુમલા, 2008ના રામપુર CRPF કેમ્પ પરનો હુમલો, 2018માં થયેલા કાશ્મીરના CRPF કેમ્પ પરના હુમલામાં પણ તેનો જ હાથ હોવાનું સામે આવ્યું હતું. મક્કીએ આ હુમલાઓમાં કેટલાય નિર્દોષ લોકોના જીવ લીધા હતા. તે લશ્કર-એ તૈયબા અને તેની પોલિટિકલ વિંગ જમાત-ઉદ-દાવાનો ઉપાધ્યક્ષ પણ હતો. પાકિસ્તાનમાં રહીને તે ભારતમાં અને ખાસ કરીને કાશ્મીરમાં આતંકી ગતિવિધિઓને અંજામ આપતો હતો.

    આ સિવાય અબ્દુલ રહેમાન મક્કી લશ્કરના ચીફ અને મોસ્ટ વૉન્ટેડ અને કુખ્યાત આતંકવાદી હાફિઝ સઈદનો સગો કાકાનો દીકરો ભાઈ હતો. આ સિવાય તેણે તેના સગા કાકાની દીકરી એટલે કે હાફિઝ સઈદની બહેન સાથે નિકાહ કર્યા હતા, આથી તે તેનો બનેવી પણ થાય. આ કારણે જ આતંકવાદી સંગઠનમાં તેને મહત્વના પદ પર રાખવામાં આવ્યો હતો. તેને વૈશ્વિક આતંકવાદી ઘોષિત કર્યા બાદ તેના પર અનેક પ્રકારના પ્રતિબંધો લગાવવામાં આવ્યા હતા. તેની અનેક સંપત્તિઓ જપ્ત કરી લેવામાં અવી હતી. ચીને શરૂ-શરૂમાં તેની તરફેણ લેવાનો પ્રયાસ કર્યો હતો, જોકે વૈશ્વિક દબાણ સામે તેની એક ન ચાલી અને અંતે પ્રતિબંધના પ્રસ્તાવ પર લગાવેલી રોક હટાવી લેવી પડી હતી.

    અબ્દુલ રહેમાન મક્કીને મે 2019માં પાકિસ્તાનમાં જ જેલહવાલે કરવામાં આવ્યો હતો. ટેરર ફંડિંગ અને અન્ય અમુક મામલાઓમાં તેને દોષી જાહેર કરવામાં આવ્યો હતો. થોડા સમય જેલમાં રાખ્યા બાદ તેને નજરબંધ કરવામાં આવ્યો હતો. 26/11 હુમલામાં પણ તેનું ફન્ડિંગ હોવાનું સામે આવ્યું હતું. આ હુમલામાં 166 નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં