બુધવારે (19 ફેબ્રુઆરી) ભારતીય જનતા પાર્ટીએ દિલ્હીના મુખ્યમંત્રીના નામની ઘોષણા કરી અને તેની સાથે પાર્ટીની આદત અનુસાર ફરી એક વખત સૌને ચોંકાવ્યા. જે દિગ્ગજ નેતાઓ જેમનાં નામ સીએમ પદની રેસમાં ચાલી રહ્યાં હતાં, તેઓ નહીં અને શાલીમાર બાગ બેઠક પરથી પ્રથમ વખત ચૂંટાઈને આવેલાં મહિલા ધારાસભ્ય રેખા ગુપ્તાના નામની ઘોષણા કરવામાં આવી. ધારાસભ્યોની બેઠકમાં પ્રવેશ વર્મા અને વિજેન્દર ગુપ્તાએ તેમના નામનો પ્રસ્તાવ મૂક્યો અને તેને સ્વીકારવામાં આવ્યો, ત્યારબાદ નેતા વિધાયક તરીકે રેખા ગુપ્તાને ચૂંટી કાઢવામાં આવ્યાં. પછીથી ઉપરાજ્યપાલ સમક્ષ સરકાર બનાવવાનો દાવો પણ રજૂ કરી દીધો. હવે 20 ફેબ્રુઆરીએ તેઓ રામલીલા મેદાનમાં પદ અને ગોપનીયતાના શપથ ગ્રહણ કરશે.
ભાજપનાં સુષમા સ્વરાજ, કોંગ્રેસનાં શીલા દીક્ષિત અને આમ આદમી પાર્ટીનાં આતિશી માર્લેના બાદ રેખા ગુપ્તા દિલ્હીનાં ચોથા મહિલા મુખ્યમંત્રી હશે. વર્તમાનમાં તેઓ દેશનાં બીજાં મહિલા સીએમ હશે. બંગાળમાં મમતા બેનર્જી મુખ્યમંત્રી તરીકે હાલ કાર્યરત છે.
રેખા ગુપ્તાના જીવન પર નજર કરીએ તો તેઓ મૂળ હરિયાણાના જિંદ જિલ્લાના નંદગઢનાં વતની છે. તેઓ 2 વર્ષનાં હતાં ત્યારે પરિવાર દિલ્હી આવી ગયો હતો. તેમના પિતા સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયામાં કામ કરતા હતા. તેઓ કોમર્સમાં ડિગ્રી ધરાવે છે તેમજ યુનિવર્સિટી ઑફ દિલ્હીમાંથી મેનેજમેન્ટ એન્ડ આર્ટ્સમાં માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી છે. તેમણે લૉનો પણ અભ્યાસ કર્યો છે.
DUSUનાં અધ્યક્ષ રહ્યાં, ભાજપ યુવા મોરચામાં પણ નિભાવી જવાબદારી
યુવાવયથી જ રેખા ગુપ્તા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંકળાયેલાં રહ્યાં છે. સંઘની યુવા પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના પણ તેઓ સક્રિય સભ્ય હતાં. 1995-96 દરમિયાન તેઓ દિલ્હી યુનિવર્સિટી સ્ટુડન્ટ યુનિયનનાં મહાસચિવ રહ્યાં અને 1996-97 દરમિયાન અધ્યક્ષ તરીકે પણ સેવા આપી.
વર્ષ 2002માં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયાં અને આગળ જતાં દિલ્હી ભારતીય જનતા યુવા મોરચાનાં મહાસચિવ બન્યાં. ત્યારબાદ તેઓ કેન્દ્રીય સંગઠનમાં આવ્યાં અને યુવા મોરચાનાં રાષ્ટ્રીય સચિવ બન્યાં, જે પદ પર 2005 સુધી રહ્યાં. તેઓ દિલ્હી ભાજપ મહિલા મોરચાનાં પણ મહાસચિવ રહી ચૂક્યાં છે. ઉપરાંત યુપી મહિલા મોરચામાં પણ જવાબદારી નિભાવી છે અને ભાજપની કાર્યકારિણીનાં પણ સભ્ય રહ્યાં છે.
2007માં ચૂંટણીલક્ષી રાજકારણમાં પ્રવેશ
વર્ષ 2007માં રેખા ગુપ્તાએ ચૂંટણીલક્ષી રાજકારણમાં પ્રવેશ કર્યો અને સૌથી પહેલાં દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી લડ્યાં. નોર્થ પિતમપુરા વૉર્ડ પરથી તેમની જીત થઈ. આ જ ટર્મમાં તેઓ મહિલાકલ્યાણ અને બાળવિકાસ સમિતિનાં અધ્યક્ષ ચૂંટાયાં. પાંચ વર્ષ પછી ચૂંટણી થઈ તો ફરી આ જ ટર્મમાંથી ચૂંટાયાં અને સ્ટેન્ડિંગ કમિટીનાં ઉપાધ્યક્ષ રહ્યાં. 2012-13 દરમિયાન તેઓ નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ એજ્યુકેશન સેક્રેટરી ચેરપર્સન પણ રહ્યાં.
વર્ષ 2015માં તેઓ વિધાનસભા ચૂંટણી લડ્યાં પણ આમ આદમી પાર્ટીનાં વંદના કુમારી સામે 10 હજાર મતથી પરાજય થયો. 2020માં પણ તેઓ શાલીમાર બાગ બેઠક પરથી AAPનાં એ જ ઉમેદવાર સામે લડ્યાં હતાં, પણ ફરીથી હાર મળી. જોકે આ વખતે માર્જિન ઘટીને 3 હજાર પર આવી ગયું હતું.
બીજી તરફ, 2022માં તેઓ ફરીથી MCD ચૂંટણી લડ્યાં અને શાલીમાર બાગ વૉર્ડ પરથી વિજય મેળવ્યો. તેમને ભાજપે AAPનાં શૈલી ઓબેરોય સામે મેયર ચૂંટણી લડવા માટે ઉમેદવાર બનાવ્યાં હતાં, પણ સંખ્યાબળના કારણે AAP ઉમેદવારની જીત થઈ હતી.
2025ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે તેમને ફરી એ જ બેઠક પરથી, એ જ AAP ઉમેદવાર સામે ટિકિટ આપી અને આ વખતે તેઓ 30 હજાર વૉટથી વિજયી બન્યાં. હવે તેઓ દિલ્હીનાં મુખ્યમંત્રી હશે.
રેખા ગુપ્તાની વરણી પાછળ કયાં કારણો?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટી કાયમ જે વર્ગોના વિકાસ પર ભાર મૂકવાની વાત કરે છે તેમાં નારીશક્તિ પણ છે. આ જ સરકારે નવા સંસદ ભવનમાં નારીશક્તિ વંદન અધિનિયમ પસાર કરીને એક સંદેશ આપ્યો હતો. પીએમ મોદી પોતે પણ કાયમ નારીશક્તિની વાતો કરતા રહે છે. પરંતુ એક પ્રશ્ન પાર્ટી પર કાયમ ઉઠતો રહ્યો હતો એ એ હતો કે દેશમાં ક્યાંય ભાજપનાં મુખ્યમંત્રી મહિલા નથી. અગાઉ આનંદીબેન દોઢેક વર્ષ માટે ગુજરાતનાં સીએમ રહ્યાં હતાં. રાજસ્થાનમાં વસુંધરા રાજે રહ્યાં, પણ વર્તમાનમાં કોઈ મહિલા નેતા નથી. ભાજપે આ ફરિયાદ દૂર કરી દીધી.
દિલ્હીમાં મહિલા મતદારોનું પ્રમાણ વધુ છે. મતદાનની ટકાવારી જોશો તોય મહિલાઓએ પુરુષો કરતાં વધુ મતદાન કર્યું છે. આમ આદમી પાર્ટીએ મહિલા મતદારો પર ઘણોખરો આધાર રાખ્યો હતો, પણ નારીશક્તિએ ભાજપ પર વિશ્વાસ મૂક્યો. હવે મહિલાને જ સત્તા સોંપીને ભાજપે એક સંદેશ આપ્યો છે.
બીજું, આ ચૂંટણીમાં તમામ પાર્ટીઓએ મહિલા કલ્યાણની યોજનાઓ પર ભાર મૂક્યો હતો. AAPએ 2100 રૂપિયાની ઘોષણા કરી હતી તો ભાજપે પણ 2500 આપવાનો વાયદો કર્યો હતો. વડાપ્રધાન મોદી સ્વયં ઘણી વખત સ્ટેજ પરથી કહેતા રહ્યા કે 8 માર્ચના રોજ મહિલા દિવસે તમામ મહિલાઓના ખાતામાં આ રકમ પહોંચશે. આ સિવાય પણ અન્ય ઘણી યોજનાઓ, જાહેરાતો મહિલાઓને અનુલક્ષીને કરવામાં આવી છે. જેથી મુખ્યમંત્રી મહિલા હોય તો આ યોજનાઓ પર પણ પૂરતો ભાર આપવામાં આવે.
રેખા ગુપ્તા નિર્વિવાદ પણ રહ્યાં છે. કામ કરીને અહીં સુધી પહોંચ્યાં છે. કાયમ લો પ્રોફાઇલ રહ્યાં. જેનાથી ભાજપે ભૂતકાળની જેમ ફરી એક વખત સંદેશ એ આપ્યો કે પ્રથમ વખતના ધારાસભ્યો કે જમીન સાથે જોડાયેલા નેતાઓ-કાર્યકર્તાઓને પણ જવાબદારીઓ મળે છે. જેની સાથે પાર્ટી ભવિષ્ય માટે પણ નેતૃત્વનું નિર્માણ કરતી રહી છે.
બીજાં અમુક રાજકીય કારણો જોઈએ તો દિલ્હીમાં હવે ઘણા સમય સુધી કોઈ પાવર સેન્ટર ન બની શકે અને નેતૃત્વ કાયમ મોવડીમંડળ પાસે રહેશે. રાજધાનીનું નેતૃત્વ મોવડીમંડળ પાસે રહે એ જરૂરી છે. વાત જ્યાં સુધી કેજરીવાલની છે તો તેમણે પણ હવે સાવચેત રહીને રાજકારણ કરવું પડશે અને છાશવારે પ્રેસ કૉન્ફરસ કરીને ગમે-તે આરોપો લગાવી દેતા હતા એવું ન થઈ શકે.