Tuesday, February 11, 2025
More
    હોમપેજદેશપોતાને જ માર્યા કોરડા, સરકાર ન બદલાય ત્યાં સુધી પગરખાં ન પહેરવાનું...

    પોતાને જ માર્યા કોરડા, સરકાર ન બદલાય ત્યાં સુધી પગરખાં ન પહેરવાનું એલાન: શું છે અન્ના યુનિવર્સિટીનો યૌન ઉત્પીડનનો કેસ, જેમાં DMK સરકારનો વિરોધ કરી રહ્યા છે અન્નામલાઈ

    અન્ના યુનિવર્સિટીની વિદ્યાર્થિની સાથે બની હતી ઘટના, પોલીસ અને સરકારના વલણ વિરુદ્ધ આક્રોશિત છે ભાજપ અને અન્નામલાઈ.

    - Advertisement -

    તમિલનાડુ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને યુવા નેતા કે. અન્નામલાઈ (K Annamalai) હાલ ચર્ચામાં છે. શુક્રવારે (27 ડિસેમ્બર) તેમણે નિવાસસ્થાનની બહાર પોતાની જાતને જ કોરડા વીંઝ્યા હતા. કારણ એ છે કે તેઓ તાજેતરમાં જ ચેન્નાઈમાં સામે આવેલા એક યૌન ઉત્પીડનના કેસમાં DMK સરકારનો વિરોધ કરી રહ્યા છે અને ન્યાયની માંગ કરી રહ્યા છે. ગુરુવારે તેમણે એક પ્રેસ કૉન્ફરન્સમાં પોતાને કોરડા વીંઝવાનું, 48 કલાક ઉપવાસ કરવાનું અને જ્યાં સુધી પોતે DMK સરકારને ઉખાડી ન ફેંકે ત્યાં સુધી જૂતાં-ચપ્પલ ન પહેરવાનું એલાન કર્યું હતું.

    વિડીયોની વાત કરીએ તો તેમાં અન્નામલાઈ લીલા કલરના એકવસ્ત્રમાં જોવા મળી રહ્યા છે. તેમની પાછળ ભાજપના અન્ય નેતાઓ અને કાર્યકર્તાઓ ઉભા છે. અન્નામલાઈના હાથમાં કોરડો દેખાઈ રહ્યો છે અને તેઓ એક પછી એક ઘા પોતાના ઉઘાડા શરીર પર મારી રહ્યા છે. આ દરમિયાન નેતાઓ હાથમાં પ્લે-કાર્ડ રાખી સૂત્રોચ્ચાર કરીને DMK સરકારનો વિરોધ કરતા જોવા મળે છે. કોરડાના મારનો સંકલ્પ પૂર્ણ થતાંની સાથે જ એક નેતા આવીને અન્નામલાઈના હાથમાંથી કોરડો લઈને અટકાવી દે છે.

    કોરડા વીંઝવાનું અને પગરખાં ન પહેરવાનું અન્નામલાઈનું એલાન

    એક પૂર્વ બાહોશ પોલીસ અધિકારી અને વર્તમાન ભાજપના યુવા નેતાને આખરે આટલો ક્રોધ શા માટે આવ્યો? તેમને આમ કરવાની જરૂર શું પડી તે સવાલ ચોક્કસ થાય. તો તાજેતરમાં જ તમિલનાડુમાં ઘટેલી ઘટના તેની પાછળનું મુખ્ય કારણ છે. ચેન્નઈ સ્થિત અન્ના કોલેજની વિદ્યાર્થિની સાથે તાજેતરમાં જ આચરવામાં આવેલી બર્બરતાના વિરોધમાં કે અન્નામલાઈ રાજ્ય સરકારનો વિરોધ કરી રહ્યા છે. તેમણે ગુરુવારે (26 ડિસેમ્બર 2024) પત્રકાર પરિષદ યોજીને ઘોષણા કરી હતી કે જે DMK સરકારમાં આ પ્રકારની ગુનાખોરી વધી રહી છે, તેને ઉખાડી નહીં ફેંકે ત્યાં સુધી પગમાં પગરખાં નહીં પહેરે. આ દરમિયાન તેમણે પોતાની જાતને 6 કોરડા મારવાની પણ ઘોષણા કરી હતી.

    - Advertisement -

    તેમણે કહ્યું હતું કે, “હું સવારે 10 વાગ્યે મારા ઘરની સામે મારી જાતને 6 વાર કોરડા ફટકારીશ. જ્યાં સુધી DMK સરકારને સત્તા પરથી બહાર ન કરી દઉં ત્યાં સુધી હું પગરખાં પણ નહીં પહેરું. હું ફેબ્રુઆરી મહિનાના દ્વિતીય સપ્તાહમાં 6 અરુપદાઈ વીડૂ (ભગવાન મુરુગનના 6 મુખ્ય સ્થળ) જઈશ અને તમિલનાડુની વર્તમાન પરિસ્થિતિ વિશે તેમને ફરિયાદ કરીશ.” નોંધવું જોઈએ કે વિદ્યાર્થિની સાથે યૌન ઉત્પીડન મામલે તમિલનાડુ સરકારની કાર્યવાહી પર સવાલ ઉઠાવતાં તેમણે આ ઘોષણા કરી હતી.

    આરોપીનો DMK નેતાઓ સાથે ફોટો, ભાજપના આરોપ

    આ આખા ઘટનાક્રમમાં ભાજપનો તેવો પણ આરોપ છે કે 19 વર્ષીય વિદ્યાર્થિનીનું યૌન ઉત્પીડન કરનાર આરોપી DMKનો પદાધિકારી છે. આટલું જ નહીં, ભાજપે આરોપીના તમિલનાડુના ઉપમુખ્યમંત્રી ઉદયનિધિ સ્ટાલિન સાથેના ફોટા પણ જાહેર કર્યા હતા. ભાજપનો આરોપ છે કે કોલેજની બહાર જ બિરિયાનીનો ધંધો કરતો આરોપી ગુનાહિત માનસિકતા ધરાવે છે અને તે DMK પાર્ટીમાં પદ ધરાવે છે. આ મામલે કે અન્નામલાઈએ એક X પોસ્ટમાં વિસ્તૃત માહિતી આપી હતી.

    તેમણે આરોપીના DMK સાથેના સંબંધ હોવાનું કહીને શેર કરેલા ફોટા સાથે લખ્યું હતું કે, “જાણવા મળ્યું છે કે અન્ના યુનિવર્સિટીમાં વિદ્યાર્થિની સાથે યૌન ઉત્પીડન કરનાર આરોપી અનેક વાર ગુના આચરી ચૂક્યો છે અને તે DMKનો કાર્યકર્તા છે. પાછલાં કેટલાંક વર્ષોમાં સામે આવેલી ઘટનાઓમાં આ પ્રકારની પેટર્ન જોવા મળી રહી છે. 1- આરોપી સ્થાનિક DMK નેતાઓ સાથે ઓળખનો કેળવીને પાર્ટીનો સભ્ય બની જાય. 2- તેની વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા તમામ કેસો દબાવી દેવામાં આવે છે અને તેને હિસ્ટ્રીશીટરની શ્રેણીમાં પણ રાખવામાં આવતો નથી. 3 સ્થાનિક DMK નેતાઓ અને મંત્રીઓના દબાણના કારણે પોલીસ આવી ઘટનાઓમાં તપાસ જ નથી કરતી, જેથી તેમની હિંમત વધી જાય છે અને ગુનાખોરી વધતી જ જાય છે. તમિલનાડુના લોકોએ ક્યાં સુધી આ સહન કરવું પડશે? શું મુખ્યમંત્રી એમ.કે સ્ટાલિન ક્યારેય તેની જવાબદારી લેશે ખરા?”

    અન્નામલાઈનો પોલીસ પર પીડિતાની ઓળખ જાહેર કરવાનો આરોપ

    માત્ર DMK સરકાર જ નહીં, તમિલનાડુ પોલીસ વિરુદ્ધ પણ કે અન્નામલાઈ આકરા પાણીએ જોવા મળ્યા હતા. તેમણે પોલીસે દાખવેલી બેજવાબદારીભર્યા વર્તન પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે પોલીસની કામગીરી પર પણ ગંભીર આરોપો લગાવ્યા હતા. વાસ્તવમાં આ આખા કેસની FIR લીક કરી દેવામાં આવી હતી. આમ થવાથી પીડિત વિદ્યાર્થિનીની અસલ ઓળખ ઉજાગર થઈ ગઈ. લોકોને તેનું નામ, સરનામું, ફોન નંબર સહિતની બાબતોની ખબર પડી ગઈ. આરોપ છે કે FIR પણ એ રીતે લખવામાં આવી છે કે જેનાથી પીડિતાનું અપમાન થાય. તમિલનાડુ ભાજપના અધ્યક્ષ અને યુવા નેતા એવા કે અન્નામલાઈએ આરોપ લગાવ્યા છે કે, રાજ્ય ગુનેગારો માટે સ્વર્ગ સમાન બની ગયું છે. આ દરમિયાન તેમણે એમ પણ કહ્યું હતું કે, રાજ્યમાં પોલીસનો ઉપયોગ કાયદો-વ્યવસ્થા જાળવવા માટે નહીં, પરંતુ વિપક્ષને ચૂપ કરાવવા માટે થાય છે.

    અહીં નોંધવું જોઈએ કે FIR એ સાર્વજનિક દસ્તાવેજ ગણવામાં આવે છે, અને પોલીસે તે ઉપલબ્ધ કરાવવાની પણ રહે છે. પરંતુ રેપ જેવા સંવેદનશીલ વિષયમાં પીડિતાની ઓળખ ઉજાગર ન થાય તે હેતુથી કોઈ પણ રાજ્યની કોઈ પણ પોલીસ આ પ્રકારની ઓળખ જાહેર ન થાય તે માટે FIRની નકલ સાર્વજનિક કરતી નથી. પરંતુ તાજા કેસમાં FIR નકલ ફરતી કરી દેવામાં આવી હોવાનો ભાજપનો આરોપ છે.

    આ મામલે કે અન્નામલાઈએ મહિલા આયોગને એક પત્ર પણ લખ્યો છે. તેમણે લખ્યું, “અન્ના યુનિવર્સિટીની વિદ્યાર્થિની સાથે થયેલી બર્બરતા મામલે અકળાવી નાખે તેવી બાબત તે છે કે પોલીસે FIR લીક કરીને તેની ઓળખ સહિત નામ-સરનામું જાહેર કરી દીધું. તમિલનાડુ પોલીસનું આ જઘન્ય અને અવિવેકપૂર્ણ કૃત્ય પીડિતાના અધિકારોનું ઘોર ઉલ્લંઘન છે. આ કૃત્ય પોલીસ અને તમિલનાડુ સરકાર દ્વારા પીડિતાના ચરિત્ર પર લાંછન લગાવવાનો પ્રયાસ લાગી રહ્યું છે. આ માત્ર વ્યક્તિગત અધિકારોની વાત નથી, પરંતુ એક તદ્દન આપરાધિક અને ગેરકાયદેસર કામ છે. મુખ્યમંત્રી એમકે સ્ટાલિન સંપૂર્ણપણે જવાબદાર છે.”

    પોલીસે હાથ અધ્ધર કરી કહ્યું- FIR બહારથી લીક થઈ

    બીજી તરફ ભાજપ નેતાના સવાલો બાદ પોલીસે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા FIR જાહેર નથી કરવામાં આવી. બીજી તરફ FIR જાહેર થવાના મામલે અન્ય એક FIR પણ નોંધવામાં આવી છે. આ મામલે સ્થાનિક અધિકારીએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે FIRની માહિતી ક્રાઈમ એન્ડ ક્રિમીનલ ટ્રેકિંગ નેટવર્ક સિસ્ટમ દ્વારા લોક કરીને રાખવામાં આવે છે. તેમણે મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું કે, “આશંકા છે કે કોઈએ ઓનલાઈન પોર્ટલના માધ્યમથી FIR દાખલ કરી હશે કે પછી ફરિયાદી તરફેથી મેળવી હશે.” પોલીસે પોતાનો બચાવ કરતા કહ્યું કે આ FIR પોલીસ દ્વારા લીક નથી કરવામાં આવી, પરંતુ બહારથી મેળવીને તેને સોશિયલ મીડિયામાં મૂકવામાં આવી છે.

    મદ્રાસ હાઇકોર્ટ દ્વારા સ્વતઃ સંજ્ઞાન

    બીજી તરફ આ સમગ્ર મામલે મદ્રાસ હાઇકોર્ટ દ્વારા સ્વતઃ સંજ્ઞાન લેવામાં આવ્યું છે. આ આખા વિવાદ વચ્ચે સુઓમોટો લઈને રાજ્ય સરકારને આખા કેસ મામલે સ્પષ્ટીકરણ માંગ્યું છે. જોકે કોર્ટે રાજ્ય સરકાર અને પોલીસને સાંભળ્યા વગર કોઈ પણ કાર્યવાહી કરવાનો ઇનકાર કર્યો છે. આ મામલે જસ્ટિસ એસએમ સુબ્રમણ્યમ અને જસ્ટિસ લક્ષ્મીનારાયણની બેન્ચે વકીલ વરલક્ષ્મી દ્વારા લખવામાં આવેલા પત્ર પર સુઓમોટો લીધું છે. આ પત્રમાં લખવામાં આવ્યું હતું કે, “જણાવવામાં આવી રહ્યુ છે કે આરોપી એક હિસ્ટ્રીશીટર છે અને તેના વિરુદ્ધ 15થી વધુ ફરિયાદો દાખલ થઈ ચૂકી છે. આ બાબત યુનિવર્સિટી પરિસર અને વિદ્યાર્થીઓની સુરક્ષા પર સવાલો ઉભા કરી રહી છે.”

    આ પત્રમાં પોલીસ દ્વારા લીક કરવામાં આવેલી FIR અને પીડિતની ઓળખ જાહેર થવાની બાબત પર પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આ મામલે કોર્ટે રાજ્ય સરકારને સ્પષ્ટીકરણ આપવા નિર્દેશ આપ્યા છે.

    પીડિતા સાથે વાસ્તવમાં થયું શું હતું?

    આ આખી ઘટના તમિલનાડુની અન્ના યુનિવર્સિટીની છે. ગત 23 ડિસેમ્બર, 2024ના રોજ યુનિવર્સિટીમાં જ ભણતી એક 19 વર્ષીય વિદ્યાર્થિનીનું કેમ્પસ પાસે જ બિરિયાની વેચતા એક ઇસમે યૌન ઉત્પીડન કર્યું હતું. આરોપ છે કે પીડિતા તેના મિત્રને મળવા માટે ગઈ હતી અને તે સમયે આરોપીએ તેના મિત્ર સાથે મારપીટ કરીને તેની સાથે આ ગુનો આચર્યો. આરોપીએ ઘટનાનો વિડીયો બનાવ્યો હોવાના આરોપો પણ લગાવવામાં આવ્યા છે. આરોપીએ વિદ્યાર્થિની સાથે બર્બરતા આચરીને તેને ધમકીભર્યા સ્વરમાં કહ્યું હતું કે તે તેને જ્યારે પણ ફોન કરે ત્યારે તેને તેની પાસે આવવું પડશે.

    ઘટનાથી ડઘાયેલી પીડિતાએ આ મામલે ફરિયાદ નોંધાવતાં પોલીસે 37 વર્ષીય આરોપી જ્ઞાનશેખરની ધરપકડ કરી હતી. પોલીસનું કહેવું છે કે આરોપીએ એકલાએ જ ઘટનાને અંજામ આપ્યો હતો અને તેની સાથે બીજું કોઈ સંડોવાયેલું નથી. આરોપી DMK સાથે ઘણા લાંબા સમયથી સંકળાયેલો છે અને તેના મોટા કદના નેતાઓ સાથેના અનેક ફોટા પણ સામે આવ્યા છે. જોકે પાર્ટીએ તેની સાથે કોઈ જ સંબંધ ન હોવાનું કહીને હાથ ઊંચા કરી લીધા છે.

    આ સમગ્ર ઘટનાને લઈને અન્ના યુનિવર્સિટીમાં અલગ-અલગ વિદ્યાર્થી સંગઠનોએ વિરોધ પ્રદર્શન કર્યાં હતાં. જે રીતે વરિષ્ઠ વકીલે કોર્ટને લખેલા પત્રમાં સુરક્ષાને લઈને ચિંતા જાહેર કરી છે, તેવી રીતે વિદ્યાર્થીઓએ પણ યુનિવર્સિટીમાં પૂરતી સુરક્ષા વ્યવસ્થા ન હોવાના આરોપો લગાવ્યા છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે યુનિવર્સિટીમાં લાગેલા કેટલાક કેમેરા માત્ર શોભાના છે અને તે CCTV કેમેરા બંધ અવસ્થામાં છે, બાકી જે ચાલુ છે તેનું મોનિટરિંગ કરવા માટે કોઈ જ વ્યક્તિ હાજર નથી હોતું. વિદ્યાર્થીઓએ તેવો પણ આરોપ લગાવ્યો છે કે યુનીવર્સીટી કેમ્પસમાં સુરક્ષા વ્યવસ્થા પણ નથી અને કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે અંદર આવી-જઈ શકે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં