સમાચાર એજન્સી ANIએ યુટ્યુબર મોહક મંગલ વિરુદ્ધ દાખલ કરેલા માનહાનિના કેસમાં ગુરુવારે (29 મે) સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન કોર્ટે યુટ્યુબરને એજન્સી વિશે આપત્તિજનક શબ્દો હટાવવા માટે કહ્યું હતું, ત્યારબાદ તેણે આદેશ માનીને તેમ કરવાની તૈયારી દર્શાવી હતી. બીજી તરફ કેસમાં ઑલ્ટ ન્યૂઝના સહસ્થાપક મોહમ્મદ ઝુબૈર અને કુણાલ કામરાનાં પણ નામ છે. તેમાંથી ઝુબૈરના વકીલે પહેલી જ સુનાવણીમાં ટ્વિટ હટાવી લેવા માટે તૈયારી દર્શાવી દીધી અને ત્યારબાદ ઝુબૈરે ચૂપચાપ પોસ્ટ પણ હટાવી દીધી હતી.
ઉલ્લેખનીય છે કે મોહક મંગલે એક વિડીયો બનાવીને ANI પર આરોપ લગાવ્યો હતો કે એજન્સી કૉપીરાઇટ સ્ટ્રાઈક કરીને પોતાના વિડીયો વાપરવા બદલ ખંડણી માંગી રહી છે. ઝુબૈર અને અન્યોએ પછીથી આ વિડીયોના આધારે ANI પર ટિપ્પણીઓ કરતી પોસ્ટ કરી હતી. એજન્સી પછીથી આ તમામને કોર્ટમાં ખેંચી લઈ ગઈ.
He submits that there have been 6 instances where the YouTubers have used my material. YT has a system of copyright strike. I am entitled to strike. Two were allowed, before third strike they started making noise. They could have rejected my offer
— Bar and Bench (@barandbench) May 29, 2025
સુનાવણી દરમિયાન ANI તરફથી વકીલ અમિત સિબ્બલે દલીલ કરતાં કહ્યું કે, યુટ્યુબરોએ એજન્સીની સામગ્રીનો ઉપયોગ કર્યો હતો. યુટ્યુબમાં કૉપીરાઇટ સ્ટ્રાઈકની વ્યવસ્થા છે. એજન્સીને તેના ઉપયોગનો પૂરેપૂરો અધિકાર છે. બે સ્ટ્રાઈકને યુટ્યુબે પણ મંજૂરી આપી દીધી હતી અને ત્રીજી આવે એ પહેલાં જ ઘોંઘાટ શરૂ કરી દેવામાં આવ્યો. સિબ્બલે આગળ કહ્યું કે, યુટ્યુબરના 42 લાખ સબ્સ્ક્રાઇબર છે અને એજન્સીના કન્ટેન્ટનો ઉપયોગ કરીને પૈસા કમાઈ રહ્યો છે. રજિસ્ટર્ડ ટ્રેડમાર્કનો ઉપયોગ કરી રહ્યો છે અને ઉપરથી ખંડણી અને કિડનેપિંગના આરોપો લગાવે છે. જ્યારે બાકીના બે ઝુબૈર અને કામરાએ એજન્સીને ઠગ અને ગુનાહિત કૃત્યો કરનાર ગણાવી દીધી છે.
ત્યારબાદ યુટ્યુબરના વકીલે પણ કોર્ટમાં દલીલ કરીને બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે કોર્ટે ટિપ્પણીમાં કહ્યું કે, તે વધુ સભ્ય ભાષામાં વિડીયો બનાવી શક્યો હોત. ત્યારબાદ કોર્ટમાં વિડીયો પણ ચલાવવામાં આવ્યો.
યુટ્યુબરના વકીલે કોર્ટને જણાવ્યું કે તે વિડીયો એડિટ કરશે અને આપત્તિજનક ભાગ હટાવીને ફરીથી પ્રકાશિત કરશે. ત્યારબાદ ANIના વકીલે અન્ય પણ અમુક ભાગો પર વાંધો ઉઠાવીને તેને હટાવવા માટે જણાવ્યું હતું. આખરે બંને પક્ષોએ અમુક ભાગ હટાવવા પર સહમતી સાધી. કોર્ટે બીજી તરફ અમુક એક્સ પોસ્ટ પણ હટાવવા માટે આદેશ આપ્યો છે.
The counsel appearing for Zubair appears and submits that he is willing to take down the tweet. The matter about me may be closed.
— Bar and Bench (@barandbench) May 29, 2025
Court – ANI does not press, Zubair deleted from array of parties.
બીજી તરફ, ઝુબૈરના વકીલે કોર્ટને કહ્યું કે, તે ટ્વિટ હટાવવા માટે તૈયાર છે અને તેના વિશેનો મામલો બંધ કરી દેવો જોઈએ. ત્યારબાદ ANIએ પણ કોઈ વાંધો ન લેતાં ઝુબૈરને પક્ષકારોની યાદીમાંથી હટાવી દેવાયો હતો.
કુણાલ કામરાએ અમુક પોસ્ટ હટાવવા માટે આનાકાની કરી અને પોતે ‘જનહિત’માં અમુક ટિપ્પણીઓ કરી હોવાનું જણાવ્યું, પરંતુ કોર્ટે ટિપ્પણીમાં કહ્યું કે અભિવ્યક્તિની સ્વતંત્રતા વગેરે બરાબર છે, પરંતુ આપત્તિજનક શબ્દોનો ઉપયોગ ન કરી શકાય. કોર્ટે મૌખિક ટીપ્પણીમાં કહ્યું, “આ પ્રકારની ભાષા….હું પણ ફ્રી સ્પીચની તરફેણમાં છું, પણ કોઈને ‘ઠગ’ કહેવા એ યોગ્ય નથી. ‘ઘટિયા’ શબ્દ સામે પણ વાંધો ઉઠાવી શકાય પણ ‘ઠગ’ અને ‘માફિયા’ જેવા શબ્દો ગંભીર છે.” ત્યારબાદ કામરાના વકીલે એક પોસ્ટ હટાવવા માટે તૈયારી દર્શાવી હતી.