કેન્દ્ર સરકારે (Central Govt) સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) વક્ફ કાયદા (Waqf Act) વિરુદ્ધ દાખલ થયેલી અરજીઓનો જવાબ આપ્યો છે. બુધવારે (21 મે) કેન્દ્ર સરકારે જવાબ આપતા કહ્યું છે કે, વક્ફ બીજું કશું નહીં, પરંતુ એક દાનની પ્રક્રિયા છે. તે ઇસ્લામનો અનિવાર્ય ભાગ નથી. સોલિસિટર જનરલ તુષાર મહેમતાએ તે વાત પર ભાર આપતા કહ્યું છે કે, વક્ફ બોર્ડ માત્ર ‘ધર્મનિરપેક્ષ’ કાર્ય કરે છે, તેમાં બિન-મુસ્લિમ સભ્યોને સામેલ કરવાની મંજૂરી મળવી જોઈએ.
વધુમાં કેન્દ્ર સરકાર વતી મહેતાએ કહ્યું હતું કે, વક્ફ માત્ર ઇસ્લામની એક સંકલ્પના છે. પરંતુ તે ઇસ્લામનો અનિવાર્ય ભાગ નથી. દાન તો દરેક ધર્મનો ભાગ છે. ખ્રિસ્તીઓમાં પણ દાન થઈ શકે છે. હિંદુઓમાં પણ દાનની વ્યવસ્થા છે અને શીખોમાં પણ દાનની વાત આવે છે. મહેતાએ ઉમેર્યું કે, વક્ફ બોર્ડ માત્ર જાળવણી અને ઓડિટ કરવા જેવા ધર્મનિરપેક્ષ કામ જ કરી રહ્યું છે. તેથી તેમાં બિન-મુસ્લિમ સભ્યો પણ રાખી શકાય છે. વધુમાં વધુ બે બિન-મુસ્લિમ સભ્યોથી વક્ફ બોર્ડનું ચરિત્ર નહીં બદલાય.
તેમણે એવું પણ કહ્યું છે કે, વક્ફ બોર્ડ કોઈપણ પ્રકારની મજહબી ગતિવિધિને સ્પર્શતું નથી. આ કેસની સુનાવણી જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ ઑગસ્ટીન જ્યોર્જ મસીહની બે સભ્યોની બેન્ચ કરી રહી છે. જવાબ રજૂ કરતા સરકારે સ્પષ્ટ કર્યું છે કે, “કોઈપણને સરકારી જમીન પર અધિકાર સ્થાપિત કરવાની સત્તા નથી. સુપ્રીમ કોર્ટે પોતાના એક નિર્ણયમાં કહ્યું છે કે, જો સંપત્તિ સરકારની છે અને તેને વક્ફ જાહેર કરી દેવાઈ છે તો સરકાર તેને પરત ખેંચી શકે છે.”
‘વક્ફ બાય યુઝર’ મૌલિક અધિકાર નથી- સરકાર
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ એ પણ કહ્યું છે કે, ‘વક્ફ બાય યુઝર’ કોઈ મૌલિક અધિકાર નથી. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને એવું પણ કહ્યું છે કે, નવા વક્ફ કાયદાએ તે સમસ્યાઓનું પણ સમાધાન કર્યું છે, જેને બ્રિટિશર અને ત્યારબાદની સરકારો ઉકેલી શકી નહોતી. સરકારે કહ્યું કે, “અમે 1923થી ચાલતા આવતા જોખમને ખતમ કર્યું છે. દરેકની વાત સાંભળવામાં આવી છે. કેટલાક અરજદારો આખા મુસ્લિમ સમુદાયનું પ્રતિનિધિત્વ કરતા હોવાનો દાવો કરી શકે નહીં.”
નોંધનીય છે કે, મંગળવારે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, સંસદ દ્વારા પાસ થયેલા કાયદામાં ‘બંધારણીય ધારણા’ હોય છે અને જ્યાં સુધી કોઈ સ્પષ્ટ મામલો સામે ન આવે ત્યાં સુધી કોર્ટ તેમાં હસ્તક્ષેપ કરી શકે નહીં. આ સાથે જ અરજદારોના વકીલ કપિલ સિબ્બલને પણ કોર્ટે સ્પષ્ટ કહી દીધું હતું કે, તેમણે આ મામલે વધુ સ્પષ્ટ અને મજબૂત પુરાવા રજૂ કરવા પડશે.