Tuesday, October 8, 2024
More
    હોમપેજગુજરાતકોચિંગ સેન્ટરમાં આવતી સગીરાની કરી હતી છેડતી, જાવેદ મલિકને 3 વર્ષની સજા:...

    કોચિંગ સેન્ટરમાં આવતી સગીરાની કરી હતી છેડતી, જાવેદ મલિકને 3 વર્ષની સજા: શિક્ષક દિવસે જ વાપીની કોર્ટનો ચુકાદો

    વાપીના ચલા વિસ્તારમાં રહેતી 15 વર્ષની સગીરા કોમ્પ્યુટર ક્લાસમાં જતી હતી. ઘટનાના દિવસે તેને ક્લાસીસ ચલાવતા શિક્ષક જાવેદ મલિકે 'માર્ક કેમ ઓછા છે' એમ બહાનું બનાવીને તેના કેબિનમાં એકલી બોલાવી હતી. ત્યારબાદ અડપલાં કર્યાં હતાં.

    - Advertisement -

    વલસાડના વાપીની સ્પેશિયલ કોર્ટે શહેરના એક કોમ્પ્યુટર ક્લાસ ચલાવતા શિક્ષકને 3 વર્ષની સજા ફટકારીને સાથે દંડ પણ ફટકાર્યો છે. આ કેસ એક સગીર વયની વિદ્યાર્થિની સાથે છેડતી કરવા મામલેનો છે, જે 11 વર્ષથી કોર્ટમાં ચાલી રહ્યો હતો. આખરે ગુરુવારે (5 સપ્ટેમ્બર) શિક્ષક દિવસે જ કોર્ટે ચુકાદો આપીને આરોપીને દોષી ઠેરવીને સજાનું એલાન કર્યું. ગુનેગારની ઓળખ જાવેદ મલિક તરીકે થઈ છે, જે પોક્સો અને IPC હેઠળ ગુનેગાર ઠેરવાયો છે.

    સમગ્ર ઘટના જૂન, 2013ની છે. વાપીના ચલા વિસ્તારમાં રહેતી 15 વર્ષની સગીરા કોમ્પ્યુટર ક્લાસમાં જતી હતી. ઘટનાના દિવસે તેને ક્લાસીસ ચલાવતા શિક્ષક જાવેદ મલિકે ‘માર્ક કેમ ઓછા છે’ એમ બહાનું બનાવીને તેના કેબિનમાં એકલી બોલાવી હતી. ફરિયાદ અનુસાર, તેણે ત્યારબાદ સગીરાના ગાલે ચુંબન કરી તેની સાથે શારીરિક અડપલાં કરવાનાં શરૂ કરી દીધાં હતાં. આ જ સમયે ત્યાં એક બીજો વિદ્યાર્થી કેબિનમાં આવતાં ગભરાયેલી પીડિતા ત્યાંથી ભાગી ગઈ હતી.

    સગીરાએ તેના ઘરે જઈને પરિવારને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. ત્યારબાદ પરિજનોએ વાપી ટાઉન પોલીસ સ્ટેશન પહોંચીને જાવેદ મલિક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે ગુનો નોંધીને ત્યારે પોલીસે શિક્ષકની ધરપકડ પણ કરી લીધી હતી અને મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. આ કેસમાં પછીથી તપાસને અંતે વાપી પોલીસે આરોપી વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કરી હતી.

    - Advertisement -

    કેસ વાપી કોર્ટમાં ચાલી જતાં ડિસ્ટ્રિક્ટ ગવર્નમેન્ટ પ્લીડર અનિલ ત્રિપાઠીએ પીડિતા સહિતના વ્યક્તિઓની જુબાની અને પુરાવા સાથે દલીલો રજૂ કરીને આરોપી સામે કડક કેસ બનાવ્યો હતો. આટલાં વર્ષોની સુનાવણી દરમિયાન અનેક સાક્ષીઓની ઉલટતપાસ કરવામાં આવી અને કોર્ટના રેકર્ડ પર પુરાવાઓ અને તથ્યો રજૂ કરવામાં આવ્યાં. બંને પક્ષોની દલીલો પૂર્ણ થયા બાદ આખરે ગત ગુરુવારે કોર્ટે જાવેદ મલિકને દોષી ઠેરવીને સજા સંભળાવી હતી.

    કોર્ટે જાવેદ મલિકને ઇન્ડિયન પીનલ કોડ (IPC) અંતર્ગત ત્રણ વર્ષની કેદની સજા અને 1000 દંડ ફટકાર્યો અને જો દંડ ન ભરે તો વધુ 2 માસની સજા કરવાનો હુકમ કરવામાં આવ્યો. આ સિવાય POCSO અંતર્ગત પણ 3 વર્ષની કેદ અને રૂ.21 હજારનો દંડ અને જો દંડ ન ભરે તો વધુ 6 માસની સજા ફટકારવાનો આદેશ આપવામાં આવ્યો. આ બંને સજા સાથે ભોગવવાની રહેશે, આમ ત્રણ વર્ષની સજા થઈ છે.

    TOIના રિપોર્ટ અનુસાર, ગવર્નમેન્ટ પ્લીડર અનિલ ત્રિપાઠીએ કેસને લઈને જણાવ્યું કે, બાળકો જ્યારે ક્લાસમાં જતાં હોય ત્યારે શિક્ષકની ભૂમિકા એક વાલી તરીકેની હોવી જોઈએ. આવા કિસ્સાઓના કારણે માતા-પિતામાં પણ ભયમાં મૂકાય છે અને બાળકોને અભ્યાસ માટે મોકલતાં ડરે છે. તેમણે આગળ કહ્યું કે, સગીર બાળકો સાથે ગુના આચરતા ઈસમો સામે કોઈ નરમાશ દાખવવી ન જોઈએ અને સમાજમાં દાખલો બેસે તેવી સજા કરવામાં આવવી જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે, મલિકે કેસને કારણ વગર લંબાવવા માટે અનેક પ્રયાસો કરી જોયા હતા, પણ આખરે ન્યાય મળ્યો છે. 

    ઉલ્લેખનીય છે કે વર્ષ 2012માં જ કેન્દ્ર સરકાર દ્વારા POCSO (જાતીય ગુનાઓથી બાળકોનું રક્ષણ) કાયદો લાગુ કરવામાં આવ્યો હતો. પરંતુ વાપી પોલીસે 2013માં ગુનો નોંધવામાં આવ્યો હોવા છતાં પોક્સોની કલમો લગાવી ન હતી. જેના કારણે કેસ નીચલી કોર્ટમાં ચાલ્યો હતો. કોર્ટના આદેશ બાદ પછીથી FIRમાં પોક્સો પણ ઉમેરવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં પણ ન્યાયતંત્રનો થોડો સમય ગયો. આખરે કોર્ટે 11 વર્ષ બાદ 5 સપ્ટેમ્બરે આ કેસનો ચુકાદો આપ્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં