ગત 22 જાન્યુઆરીના રોજ ઉત્તર પ્રદેશના આંબેડકરનગર જિલ્લાની સ્પેશિયલ કોર્ટે એક ખ્રિસ્તી દંપતીને ધર્માંતરણવિરોધી કાયદા હેઠળ દોષી ઠેરવ્યું. UPમાં વર્ષ 2021માં આ કાયદો લાગુ થયા બાદ કોઈને સજા ફટકારવામાં આવી હોય તેવો આ પ્રથમ કિસ્સો છે. પાસ્ટર જૉસ પાપાચન અને તેની પત્ની શીજા પાપાચનને કોર્ટે બળજબરીથી ધર્માંતરણ કરાવવા બદલ દોષી ઠેરવ્યાં છે અને પાંચ વર્ષની સજા ફટકારી છે. ઉપરાંત કોર્ટે ₹25,000નો દંડ પણ ફટકાર્યો. કેસ ભારતીય જનતા પાર્ટીના નેતા અને દલિત એક્ટિવિસ્ટ ડૉ. ચંદ્રિકા પ્રસાદની ફરિયાદના આધારે 18 જાન્યુઆરી, 2023ના રોજ દાખલ કરવામાં આવ્યો હતો.
જૉસને એ જ દિવસે જેલભેગો કરવામાં આવ્યો, જ્યારે પત્નીની 22 જાન્યુઆરીના રોજ ધરપકડ કરવામાં આવી હતી. ભાજપ નેતાએ આરોપ લગાવ્યો હતો કે, દંપતી દલિત સમુદાયમાં ઘણુંખરું સક્રિય હતું અને ઘણા મહિનાઓથી ગરીબ પરિવારોને લોભ-લાલચો આપીને ખ્રિસ્તી પંથ અપનાવવા માટે દબાણ કરવાના પ્રયાસ કરી રહ્યા હતા. ઉપરાંત, ડિસેમ્બર 2022માં તેમને મોટી સંખ્યામાં દલિત સમુદાયના લોકોને એકઠા કરીને સામૂહિક ધર્માંતરણ કરાવવાનો પણ પ્રયાસ કર્યો હતો.
આ કેસમાં જલાલપુર પોલીસ મથકે દાખલ કરવામાં આવેલી ફરિયાદના આધારે FIR નોંધવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે તપાસ કરી, પુરાવાઓ એકઠા કર્યા, સાક્ષીઓની પૂછપરછ કરી અને કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.
ચાર્જશીટ બાદ બંને વિરુદ્ધ ઉત્તર પ્રદેશ ધર્માંતરણવિરોધી કાયદાની કલમ 3 અને 5 હેઠળ આરોપો ઘડવામાં આવ્યા. ઉપરાંત ST/SC એક્ટની કલમ 3(1) પણ લગાડવામાં આવી હતી, પરંતુ કોર્ટે પછીથી રદ કરી દીધી હતી. ટ્રાયલને અંતે જજ રામવિલાસ સિંઘે ચુકાદો પસાર કર્યો.
ચુકાદામાં શું કહેવામાં આવ્યું છે?
31 માર્ચ, 2023ના રોજ જૉસ પાપાચન અને તેની પત્ની શીજા સામે UP પ્રિવેન્શન ઑફ અનલૉફૂલ કન્વર્ઝન ઑફ રિલિજિયન એક્ટ, 2021ની કલમ 3(1) અને SC/ST એક્ટ હેઠળ આરોપો ઘડવામાં આવ્યા હતા. પરંતુ આરોપીઓએ આ આરોપો નકારીને ટ્રાયલની માંગણી કરી. ત્યારબાદ ટ્રાયલ શરૂ થઈ.
પ્રોસિક્યુશન વિટનેસિસ (PW) તરીકે ચંદ્રિકાપ્રસાદનું પણ નામ હતું. કેસ દરમિયાન CO (સર્કલ ઑફિસર) દેવેન્દ્ર કુમારની પણ ઉલટતપાસ કરવામાં આવી. આ સિવાય અન્ય સાક્ષીઓની જુબાની લેવામાં આવી અને પુરાવા તરીકે એક પુસ્તક, ચાર ડેરી, બે નાની ડાયરી અને જીસસ પર ચાર કેલેન્ડર રજૂ કરવામાં આવ્યાં.
કેસ દરમિયાન CrPCની કલમ 313 હેઠળ આરોપીઓનાં નિવેદનો નોંધવામાં આવ્યાં, જેમણે ફરી એક વખત આરોપો નકારી દીધા અને દાવો કર્યો કે સામેના પક્ષ દ્વારા કેસ બનાવી કાઢવામાં આવ્યો છે અને રાજકીય કારણોસર તેમને ફસાવવામાં આવી રહ્યા છે અને તેમની સામે કોઈ પુરાવા મળી આવ્યા નથી.
બંને પક્ષોની દલીલો સાંભળીને કોર્ટે ચુકાદામાં નોંધ્યું કે, “મેં આ કેસમાં રાજ્ય તરફથી પબ્લિક પ્રોસિક્યુટર અને આરોપીઓના વકીલના તર્કોને વિસ્તારપૂર્વક સાંભળ્યા છે તેમજ રેકર્ડ ઉપર ઉપલબ્ધ સાક્ષ્યોનું વિસ્તારપૂર્વક અવલોકન કર્યું છે. પ્રોસિક્યુશન દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આરોપીઓ અનુસૂચિત જાતિના લોકોને પ્રલોભનો આપીને કાયદા વિરુદ્ધ ધર્મપરિવર્તન કરાવી રહ્યા હતા. પ્રોસિક્યુશન દ્વારા જે સાક્ષીઓ રજૂ કરવામાં આવ્યા છે અને રેકર્ડ ઉપર જે તથ્યો ઉપલબ્ધ છે, તેનાથી ઘટનાની પુષ્ટિ થઈ છે અને આ અપરાધ અત્યંત ગંભીર છે, જેથી તેમને દોષી ઠેરવવામાં આવે.”
કોર્ટે નોંધ્યું કે, સાક્ષી ચંદ્રિકાપ્રસાદે જુબાનીમાં જણાવ્યું છે કે, ઘટનાની તારીખે (30 જાન્યુઆરી) તેમને શાહપુર ફિરોઝપુર દલિત વસ્તીમાંથી લવકુશ અને અન્ય એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, તેમના ગામમાં દલિત વિસ્તારમાં બે વ્યક્તિઓ, જૉસ અને શીજા, દલિત સમાજના લોકોને પ્રલોભનો આપીને ધર્મપરિવર્તન કરાવી રહ્યા છે અને તેનાથી ગામના લોકોમાં ખૂબ આક્રોશ છે. જેની જાણકારી પર મેં પોલીસને જાણ કરી. તેઓ સ્થળ પર પહોંચ્યા અને ધર્મપરિવર્તન કરાવતા જૉસ અને શીજાની સ્થળ પરથી જ ધરપકડ કરી લેવામાં આવી. તેમની પાસેથી ધર્માંતરણ માટેનાં પુસ્તકો પણ મળી આવ્યાં હતાં.
કઈ રીતે કરવામાં આવી રહ્યું હતું દલિતોનું ધર્માંતરણ
કેસની સુનાવણી દરમિયાન બીજા એક સાક્ષી લવકુશે પોતાની જુબાનીમાં જણાવ્યું કે, “આરોપીઓ તેના પાડોશી વિફલાના ઘરે અઠવાડિયામાં એક-બે વખત આવન-જાવન કરતા રહેતા હતા. ત્યાં ગામના લોકોને બેસાડીને બાઇબલના પાઠ ભણાવતા હતા. તેમણે વિફલા દેવીને મળી સામે બાઇબલ આપ્યું હતું અને મને પણ ચર્ચ બોલાવીને પુસ્તકો આપ્યાં હતાં. આરોપીઓના કહેવા પર મારા ગામના લોકો એકઠા થઈ જતા હતા અને બાઇબલ વાંચતા હતા. 25 ડિસેમ્બરના રોજ તેઓ ગામના લોકો સાથે મળીને મીઠાઈ ખાતા અને કેક પણ કાપતા.”
વિફલાએ પોતાની જુબાનીમાં સ્વીકાર્યું હતું કે આરોપીઓ તેના ઘરે આવતા અને તેને અને ગામલોકોને સારી-સારી વાતો કહીને બાઇબલ આપતા હતા. ઘટનાના થોડા દિવસ પહેલાં જ 25 ડિસેમ્બરે ઈસુ ખ્રિસ્તનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હોવાની પણ તેણે પુષ્ટિ કરી.
અન્ય એક સાક્ષી મંજૂએ પણ જુબાનીમાં આ જ વિગતોનું પુનરાવર્તન કર્યું અને જણાવ્યું કે જૉસ અને તેની પત્નીએ તેની સામે વિફલાને ઘણાં પુસ્તકો આપ્યાં હતાં અને તેના ઘરે જ બાઇબલના પાઠ થતા હતા. તેમણે ગામના ઘણા લોકોને ખ્રિસ્તી બનવા માટે કહ્યું હતું.
ધર્માંતરણ કરવા માટે પૈસાની લાલચ આપી
વધુ સાક્ષી સુરામણિએ જુબાનીમાં કહ્યું કે, તે નિરક્ષર છે અને ગામના પણ ઘણાખરા લોકો નિરક્ષર છે. લગભગ એક વર્ષથી આરોપીઓ તેના ગામમાં આવતા હતા અને બાળકોને ભણાવતા હતા. અન્ય લોકોને સારી-સારી જ્ઞાનની વાતો કહેતા હતા. વિફલાના ઘરે તેઓ કાયમ જતા રહેતા હતા અને ત્યાં ગામના લોકોને એકઠા કરતા હતા અને ઈસુ ખ્રિસ્ત વિશે વાતો કરતા હતા અને પુસ્તકો આપતા હતા.
CO દેવેન્દ્ર કુમારની જુબાનીમાં જણાવવામાં આવ્યું છે કે, તપાસ દરમિયાન તેમણે સાક્ષીઓનાં નીડાનો નોંધ્યાં હતાં. ઉપરાંત, તેમને એક મોટી ડાયરી, બે પુસ્તક, નાની ડાયરી અને ચાર કેલેન્ડર માળી આવ્યાં હતાં. પુસ્તકમાંથી એક પર ‘બાલ સુલભ સચિત્ર બાઇબલ’ લખવામાં આવ્યું હતું. એક પર ‘પવિત્ર બાઇબલ’ લખવામાં આવ્યું હતું અને બે પુસ્તકો પર BSI છાપવામાં આવ્યું હતું. એક ‘પ્યાર કા ઉપહાર’ નામનું પુસ્તક હતું. વિફલાના ઘરેથી કેલેન્ડર મળી આવ્યાં, જેમાં બે પર ઈસુ મસીહના ફોટો અને બે પર તેમની સાથે સંબંધિત અન્ય લોકોના ફોટો હતા.
અંજની નામની એક મહિલાએ કોર્ટ સમક્ષ નોંધાવેલા નિવેદનમાં અગાઉના તમામ સાક્ષીઓની વાતોનું પુનરાવર્તન કરીને જણાવ્યું હતું કે, આરોપીઓ તેના ગામમાં આવતા હતા અને પૈસાની લાલચ આપીને ખ્રિસ્તી ધર્મ અપનાવવા માટે કહેતા હતા. ગામના લોકોને અને તેને પ્રલોભનો આપીને બાઇબલના પાઠ ભણાવતા હતા. તેણે સ્પષ્ટ કહ્યું છે કે ગામના લોકો ભણેલા નથી જેથી તેમને ફોસલાવીને ધર્મપરિવર્તન કરાવવા માટેના આરોપીઓના પ્રયાસ હતા.
આ સિવાય પણ ઘણા ગામલોકોની જુબાની નોંધવામાં આવી છે, જેમણે તમામે એ વાતની પુષ્ટિ કરી કે દંપતી તેમના ગામમાં જતું હતું. બાળકોને ભણાવતું હતું. ગામલોકોને એકઠા કરીને બાઈબલના પાઠ ભણાવતું હતું અને તેમને ધર્મ પરિવર્તન કરવા માટે લોભ-લાલચ આપવામાં આવતાં હતાં.
કોર્ટનો ચુકાદો
તમામ સાક્ષીઓની જુબાની અને રેકર્ડ પર આધારિત તથ્યોને ધ્યાનમાં લઈને કોર્ટે ચુકાદામાં નોંધ્યું કે, “પ્રોસિક્યુશન દ્વારા જેટલાં તથ્યો સામે મૂકવામાં આવ્યાં છે અને જેટલા સાક્ષીઓની ઉલટતપાસ કરવામાં આવી છે, તેનાથી સ્પષ્ટ છે કે આરોપીઓ, જેઓ મધ્યપ્રદેશ અને કેરળના રહેવાસીઓ છે, ત્યાંથી શાહપુર, જલાલપુરમાં આવીને દલિત સમાજના લોકોને બાઈબલના પાઠ ભણાવતા હતા, ઈસુ વિશે જણાવતા હતા અને પૈસાની લાલચ આપીને ખ્રિસ્તી ધર્મમાં સામેલ થવા માટે કહેતા હતા. તેમને પ્રલોભનો આપતા હતા. પુસ્તકો આપતા હતા અને ભંડારા પણ કરતા હતા.”
કોર્ટ કહે છે કે, આરોપીઓ એ સ્પષ્ટ કરી શક્યા નથી કે તેઓ આટલા દૂરથી બીજા કયા આશયથી આ ગામમાં આવ્યા હતા, જ્યારે તેઓ અહીંના નિવાસી જ નથી. આ પ્રકારે સાક્ષીઓની જુબાની અને તથ્યો પરથી સાબિત થાય છે કે દલિત સમાજના વ્યક્તિઓને પ્રલોભન આપીને કાયદા વિરુદ્ધ ધર્મપરિવર્તન કરાવવા માટે ઉત્પ્રેરિત કરવામાં આવ્યા હતા અને જેથી ગુનો સાબિત થાય છે.
જોકે, કોર્ટે SC/ST એક્ટની કલમ હટાવી દીધી અને કારણ આપ્યું કે સાક્ષીઓની જુબાનીનો અભ્યાસ કરતાં જણવા મળે છે કે આરોપીઓએ કોઈ અનુસૂચિત જાતિ/જનજાતિના વ્યક્તિને સાર્વજનિક સ્થળ પર ગાળાગાળી કરવાનું સામે આવ્યું નથી. આ સંજોગોમાં તેમની વિરુદ્ધ ST/SC એક્ટ હેઠળ ગુનો સાબિત થતો નથી અને તેમાંથી તેમને દોષમુક્ત કરવામાં આવે છે.
અંતે કોર્ટે ખ્રિસ્તી દંપતીને ઉત્તર પ્રદેશ વિધિ વિરુદ્ધ ધર્મ સંપરિવર્તન પ્રતિષેધ અધિનિયમ- 2021ની કલમ 5(1) હેઠળ દોષી ઠેરવ્યું. ત્યારબાદ કોર્ટે આ એક્ટ હેઠળ બંનેને પાંચ-પાંચ વર્ષની જેલની સજા અને ₹25,000 દંડ ફટકાર્યો હતો. દંડ ન આપવાની સ્થિતિમાં બંનેને 2-2 માસની વધુ સજા કરવામાં આવશે.