તાજેતરમાં જ વારાણસીની (Varanasi) ઉદય પ્રતાપ કોલેજમાં (Uday Pratap College) વક્ફે 2018માં કરેલ દાવાનો મામલો સામે આવ્યો હતો. જોકે ઘણા હોબાળા બાદ વક્ફે સ્પષ્ટતા આપી હતી કે આ દાવો 2021માં જ નિરસ્ત થઇ ચુક્યો છે. જોકે વક્ફે જે મસ્જિદને (Mosque) લઈને આ કોલેજ પર દાવો કર્યો હતો તે મસ્જિદ ગેરકાયદે હોવાનું સામે આવ્યું હતું. કોલેજના વિદ્યાર્થીઓએ પરિસરમાં ગેરકાયદે ઉભી કરવામાં આવેલી મસ્જિદ અને મજારને સીઝ (Seize) કરવા માંગ કરી હતી તથા પ્રદર્શન કરી રહ્યા છે.
નોંધનીય છે કે જુમ્માની નમાજના (Jumma Namaz) દિવસે શુક્રવારે નમાજને લઈને વિદ્યાર્થીઓએ વહીવટીતંત્રને ચેતવણી આપી હતી. તથા કહ્યું હતું કે જો મસ્જિદમાં શુક્રવારની નમાજ થશે તો તે ત્યાં અખંડ હનુમાન ચાલીસાનો પાઠ શરૂ કરશે. વિદ્યાર્થીઓનો આરોપ છે કે કોલેજ કેમ્પસમાં આવેલી મસ્જિદ અને મજાર ગેરકાયદેસર છે અને તેને સીઝ કરવામાં આવે. જોકે આ મામલે વહીવટીતંત્રએ ચુસ્ત વ્યવસ્થા લાગુ કરી હતી.
નોંધનીય છે કે શુક્રવારે લગભગ 500ની સંખ્યામાં વિદ્યાર્થીઓ જુમ્માની નમાજનો વિરોધ કરવા કોલેજ ખાતે પહોંચ્યા હતા. આ દરમિયાન વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. પરંતુ વિદ્યાર્થીઓ નારા લગાવતા રહ્યા અને તેમની માંગનું પુનરાવર્તન કરતા રહ્યા કે નમાજની મંજૂરી ન આપવામાં આવે. ત્યારે હવે સમગ્ર કેમ્પસને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે યુપી કોલેજ પ્રશાસને મસ્જિદમાં શુક્રવારની નમાજ માટે મર્યાદિત સંખ્યામાં 50 નામાજીઓને અનુમતિ આપી હતી. જેથી વાતાવરણને બગડતું અટકાવી શકાય. પ્રિન્સિપાલ ડૉ. ધર્મેન્દ્ર સિંઘે વહીવટીતંત્રને કહ્યું છે કે આટલી સંખ્યામાં વધુ લોકો કેમ્પસમાં ન આવે. જોકે, વિદ્યાર્થીઓ નમાજીઓની વધતી સંખ્યાને લઈને ગુસ્સે રહે છે. ઉપરાંત આ સંખ્યા વહીવટીતંત્ર માટે પણ એક પડકાર જ છે.
દરમિયાન, શિવપુર પોલીસ સ્ટેશનમાં પ્રિન્સિપાલની ફરિયાદ પર 3 લોકો વિરુદ્ધ નામજોગ અને અન્ય અજ્ઞાત એમ એક ડઝન લોકો વિરુદ્ધ કોમી સદભાવને ખલેલ પહોંચાડવાના આરોપમાં કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું, પરંતુ વહીવટીતંત્ર પરિસ્થિતિને કાબૂમાં રાખવા માટે ચેકિંગ કરી રહ્યું છે. આ મામલે વધુ ઘર્ષણ ન થાય એ માટે કોલેજ પ્રસાસને તંત્રને એલર્ટ કરી દીધું છે.
વક્ફના દાવાને લઈને શરૂ થયો હતો વિવાદ
નોંધનીય છે કે પાછલાં કેટલાક દિવસો પહેલાં આ મામલો સામે આવ્યો હતો જે અનુસાર વક્ફે કોલેજની 500 એકરની સંપત્તિ પર દાવો કર્યો હતો. ત્યારપછી વિવાદ વધી જતાં સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડે સ્પષ્ટતા આપી હતી કે આ દાવો વર્ષ 2021માં નિરસ્ત કરવામાં આવ્યો છે. જોકે વિદ્યાર્થીઓએ કોલેજ પરિસરમાં ગેરકાયદે ઉભી કરાયેલી મસ્જિદનો વિરોધ કર્યો હતો. આ જ મસ્જિદ અને મજારને હટાવવાની માંગ કરી રહ્યા છે.