Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘પીએમ મોદી વ્લાદિમીર પુતિનને મનાવી શકે’: અમેરિકાએ કહ્યું- પુતિન પાસે સમય, હજુ...

    ‘પીએમ મોદી વ્લાદિમીર પુતિનને મનાવી શકે’: અમેરિકાએ કહ્યું- પુતિન પાસે સમય, હજુ પણ યુદ્ધ અટકી શકે તેમ છે

    વ્હાઇટ હાઉસના પ્રવક્તા જ્હોન કિર્બીને એક પત્રકાર પરિષદ દરમિયાન રશિયા-યુક્રેન યુદ્ધ રોકવામાં ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભૂમિકાને લઈને પ્રશ્ન કરવામાં આવ્યો હતો.

    - Advertisement -

    રશિયાએ યુક્રેનમાં ‘સ્પેશિયલ મિલિટરી ઓપરેશન’ શરૂ કર્યાને હવે એક વર્ષ જેટલો સમય થવા આવ્યો છે. આ રશિયા-યુક્રેન યુદ્ધના કારણે વૈશ્વિક અર્થતંત્રને અસર પહોંચી છે અને અનેક દેશો વધતા-ઓછા પ્રમાણમાં અસરગ્રસ્ત થયા છે. ત્યારે હવે અમેરિકા તરફથી આ યુદ્ધને લઈને કહેવામાં આવ્યું છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેને રોકવામાં અગત્યની ભૂમિકા ભજવી શકે તેમ છે. 

    અમેરિકાના રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાન અને કાર્યાલય વ્હાઇટ હાઉસના પ્રવક્તાએ અધિકારીક રીતે કહ્યું કે, આ યુદ્ધ સમાપ્ત કરવા માટે હજુ પણ સમય છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વ્લાદિમીર પુતિનને સમજાવી શકે તેમ છે. 

    વ્હાઇટ હાઉસના પ્રવક્તા જ્હોન કિર્બીને એક પત્રકાર પરિષદ દરમિયાન રશિયા-યુક્રેન યુદ્ધ રોકવામાં ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભૂમિકાને લઈને પ્રશ્ન કરવામાં આવ્યો હતો. જેના જવાબમાં તેમણે કહ્યું કે, યુક્રેનમાં ચાલતા આ યુદ્ધને રોકવા માટે જે કોઈ પણ પ્રયાસ કરવામાં આવે તેનું યુનાઇટેડ સ્ટેટ્સ સ્વાગત કરશે. 

    - Advertisement -

    તેમણે ઉમેર્યું કે, “મને લાગે છે કે યુદ્ધ સમાપ્ત કરવા માટે હજુ પણ પુતિન પાસે સમય છે. પીએમ મોદી તેમને સમજાવી શકે છે. પીએમ મોદી જે કંઈ પણ પ્રયાસ કરવા ઈચ્છે તેમાં અમેરિકાનો સહકાર રહેશે. યુક્રેનમાં યુદ્ધ સમાપ્ત થાય તે માટેના કોઈ પણ પ્રયાસનું અમેરિકા સ્વાગત કરશે.”

    અમેરિકાએ યુદ્ધ માટે ફરી એક વખત રશિયન રાષ્ટ્રપતિ પુતિન પર આરોપ લગાવ્યા હતા. વ્હાઇટ હાઉસના પ્રવક્તાએ કહ્યું, “હાલ યુક્રેનના લોકો જે કંઈ પણ ભોગવી રહ્યા છે તે માટે એકમાત્ર વ્યક્તિ જવાબદાર છે- વ્લાદિમીર પુતિન અને તેઓ હજુ પણ યુદ્ધ અટકાવી શકે તેમ છે. પરંતુ તેની જગ્યાએ તેઓ ક્રૂઝ મિસાઈલ મોકલી રહ્યા છે, જેથી યુક્રેનના લોકોને વધુ હાલાકી ભોગવવી પડે.”

    તેમણે એ પણ ઉમેર્યું કે જો યુદ્ધ સમાપ્ત થાય તો તે યુક્રેનની શરતો પ્રમાણે થવું જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે જ્યાં સુધી રશિયા યુદ્ધ સમાપ્ત ન કરે ત્યાં સુધી અમેરિકા યુક્રેનને યુદ્ધના મેદાને મદદ કરતું રહેશે. 

    CIA ડાયરેક્ટર પણ કરી ચૂક્યા છે પીએમ મોદીનાં વખાણ

    ઉલ્લેખનીય છે કે આ પહેલાં અમેરિકાની ગુપ્તચર એજન્સી સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સીના (CIA) ડાયરેક્ટર બિલ બર્ન્સ પણ રશિયા-યુક્રેન યુદ્ધને લઈને તેમના પ્રયાસો બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી ચૂક્યા છે. બર્ન્સે રશિયા અને યુક્રેનના યુદ્ધને લઈને કહ્યું કે, તેમાં પરમાણુ હથિયારોના ઉપયોગને રોકવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમના વિચારોનો રશિયા પર પણ પ્રભાવ પડ્યો અને જેણે એક વૈશ્વિક આપદા અટકાવવાનું કામ કર્યું.

    અહીં નોંધનીય છે કે ગત વર્ષે ફેબ્રુઆરીમાં રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયું તે પછી નરેન્દ્ર મોદી બંને દેશોના વડા સાથે અનેક વખત વાતચીત કરતા રહ્યા હતા. ઉપરાંત, ઉઝબેકિસ્તાનના સમરકંદમાં શંઘાઇ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનના શિખર સંમેલનમાં પણ પીએમ મોદીએ વ્લાદિમીર પુતિનને આગ્રહ કર્યો હતો અને કહ્યું હતું કે, આજનો યુગ યુદ્ધનો યુગ નથી અને તેઓ શાંતિ સ્થાપિત કરવા માટે પ્રયાસ કરે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં