Friday, September 20, 2024
More
    હોમપેજગુજરાતઉમરગામની હિંદુ બાળકીને ન્યાય અપાવવા માટે યોજી હતી રેલી, પોલીસે ‘સમાજમાં વૈમનસ્ય...

    ઉમરગામની હિંદુ બાળકીને ન્યાય અપાવવા માટે યોજી હતી રેલી, પોલીસે ‘સમાજમાં વૈમનસ્ય ફેલાવવાનું કાવતરું’ ગણાવીને આયોજકો સામે નોંધ્યો ગુનો: રાત્રે પોલીસ મથક બહાર એકઠા થયેલા ટોળા સામે પણ FIR, આરોપીઓમાં મહિલાઓ પણ

    મંગળવારે મામલો સામે આવ્યા બાદ આરોપી સામે કડક કાર્યવાહીની માંગ સાથે આક્રોશિત હિંદુઓએ ઉમરગામ પોલીસ મથકની બહાર પ્રદર્શન કર્યું હતું અને આરોપીને પકડીને ફાંસી આપવાની માંગ કરી હતી. 

    - Advertisement -

    ગત મંગળવારે (27 ઑગસ્ટ) વલસાડના ઉમરગામમાં એક 3 વર્ષીય હિંદુ બાળકી સાથે એક મુસ્લિમ યુવકે દુષ્કર્મ કરવાનો મામલો સામે આવ્યો હતો. કેસમાં આરોપી ટ્રેનમાં મહારાષ્ટ્ર ભાગે તે પહેલાં જ પોલીસ પકડી લાવી હતી, પરંતુ ત્યાં સુધીમાં આક્રોશિત હિંદુઓ પોલીસ મથકે પહોંચી ગયા હતા અને આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી હતી. ત્યારબાદ બીજા દિવસે પણ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ ત્યાં ઘર્ષણ થતાં પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. હવે જાણકારી મળી રહી છે કે ટાઉન પોલીસે હિંદુઓ વિરુદ્ધ જુદી-જુદી FIR નોંધીને ત્રીસેક લોકોની ધરપકડ કરી લીધી છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર, ઉમરગામ પોલીસે અલગ-અલગ FIRમાં અનેક લોકોને આરોપી બનાવ્યા છે અને બાકીના ટોળા સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે. જેમની સામે નામજોગ ફરિયાદ થઈ છે તેમાં મહિલાઓ પણ સામેલ છે. જેમાં ઑપઇન્ડિયા પાસે આ તમામ FIRની નકલ ઉપલબ્ધ છે. 

    મંગળવારે રાત્રે ન્યાયની માંગ સાથે ઉમરગામ પોલીસ મથકની બહાર એકઠા થયા હતા હિંદુઓ 

    પહેલી FIR કુલ 30 વ્યક્તિઓ સામે નોંધવામાં આવી છે, જેમાંથી 18 પુરુષો છે અને 12 મહિલાઓ. તમામ હિંદુ છે. વલસાડ સિટી પોલીસ મથકના એક ASPની ફરિયાદ પર નોંધવામાં આવેલી આ FIRમાં ભારતીય ન્યાય સંહિતાની કલમો 3(5), 189, 189(2), 189(3), 190, 191 (2), 195(1), 221, 121(1), 125(a), 132, 352, 351(3), 324(3 અને 115(2) તેમજ સાર્વજનિક મિલકતોને નુકસાન અટકાવવાના અધિનિયમની કલમ 3 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. 

    - Advertisement -

    FIR વલસાડ સિટી પોલીસ સ્ટેશનના એક આસિસ્ટન્ટ હેડ કૉન્સ્ટેબલની ફરિયાદના આધારે નોંધવામાં આવી છે, જેમાં આરોપ લગાવાયો છે કે ‘આરોપીઓ’ અને અન્ય લોકોના ટોળાએ ‘ગેરકાયદેસર મંડળી’ રચીને પોલીસ મથક પર હુમલો કરીને ફરજમાં અવરોધ પેદા કર્યો હતો. સાથે સરકારી સંપત્તિને આર્થિક નુકસાન પહોંચાડવાનો અને ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર કરવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. 

    નોંધનીય છે કે મંગળવારે મામલો સામે આવ્યા બાદ આરોપી સામે કડક કાર્યવાહીની માંગ સાથે આક્રોશિત હિંદુઓએ ઉમરગામ પોલીસ મથકની બહાર પ્રદર્શન કર્યું હતું અને આરોપીને પકડીને ફાંસી આપવાની માંગ કરી હતી. 

    રેલીના આયોજનને શહેરનો માહોલ બગાડવાનું ‘કાવતરું’ ગણાવાયું 

    બીજી FIR કુલ 13 વ્યક્તિઓ સામે યોજવામાં આવી છે, જેમાંથી 2 પુરુષો અને 11 મહિલાઓ છે. આ FIR પણ ઉમરગામ પોલીસ સ્ટેશનના PI શૈલેષ ચૌધરીની ફરિયાદના આધારે થઈ છે, જેમાં ‘આરોપીઓ’ વિરુદ્ધ BNSની કલમો 3(5), 189(2), 189(10, 189(3), 191(2), 221, 125(a), 132 અને 61 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. 

    અહીં ઉલ્લેખનીય છે કે મંગળવારે ઘટના સામે આવ્યા બાદ બુધવારે આક્રોશિત હિંદુઓએ ઉમરગામમાં એક રેલીનું આયોજન કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ સામેલ થઈ હતી. જેમણે રેલી કાઢીને આરોપીને કડકમાં કડક સજા કરવામાં આવે અને 3 વર્ષની દીકરીને ન્યાય મળે તે માટેની માંગ કરી હતી. પરંતુ પોલીસે આ રેલીને શહેરમાં કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ બગડે તે માટેનું ‘કાવતરું’ ગણાવીને મંજૂરી વગર તેનું આયોજન કરવા બદલ અને સૂત્રોચ્ચાર કરવા બદલ FIR નોંધી દીધી છે. 

    FIRમાં ફરિયાદ કરવામાં આવી છે કે, ‘આરોપીને પકડી પાડવામાં આવ્યો હોવા છતાં સમાજમાં વૈમનસ્ય ફેલાય અને શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બગડે તે મુજબ કાવતરાના ભાગરૂપે કોઇ પણ પ્રકારની જાણ કે મંજૂરી વગર રેલીનું આયોજન કરીને હાજર લોકોએ પોલીસ પર આક્ષેપો કરી ‘આરોપીને અમને સોંપી દો, જાહેરમાં ફાંસી આપો’ તેવા સૂત્રોચ્ચાર કરીને લોકોમાં ઉશ્કેરાટ ફેલાય તેવા પ્રયાસો કર્યા હતા.’ અહીં પણ પોલીસ પર પથ્થરમારો કરવાનો આરોપ લગાવી દેવામાં આવ્યો છે. ઉપરાંત, આરોપીઓએ બનાવને લઈને લોકોમાં ઉશ્કેરાટ ઉભો થાય અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ બગડે તેવા આશયથી ઉમરગામ બંધનું એલાન કર્યું હોવાનું પણ ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું.

    અહીં નોંધવું જોઈએ કે આ જ રેલીમાં પોલીસે લાઠીચાર્જ કર્યો હતો, જેના વિડીયો પણ પછીથી સોશિયલ મીડિયા પર ફરતા થયા હતા. રેલીમાં મહિલાઓ પણ સામેલ હતી અને પોલીસ પર તેમની ઉપર પણ લાઠીચાર્જ કરવાનો આરોપ છે. પોલીસે રેલીનું આયોજન કરનારાઓ પર ભીડને ઉશ્કેરવા અને કાયદો-વ્યવસ્થાનું વાતાવરણ બગાડવા તેમજ સમાજમાં વૈમનસ્ય ફેલાય તેવા પ્રયત્નો કરવાનો આરોપ લગાવ્યો છે. સાથે કહેવામાં આવ્યું હતું કે, પોલીસે કોઇ પણ પ્રકારની મંજૂરી ન હોવાથી તુરંત વિખેરાઈ જવા સૂચના આપી હોવા છતાં રેલીમાં સામેલ લોકોએ પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને છૂટક પથ્થરમારો કર્યો હતો, જેના કારણે પોલીસે બળપ્રયોગ કરવો પડ્યો હતો. પોલીસનો દાવો છે કે લાઠીચાર્જ દરમિયાન કોઇ વ્યક્તિને ગંભીર ઇજા થઈ નથી. 

    ત્રીજી FIR 12 પુરુષો અને બીજા ત્રણસો-ચારસો માણસોના ટોળા સામે નોંધવામાં આવી છે, જેમની ઉપર પણ એકસંપ થઈને ઉશ્કેરાટ કરીને પોલીસ પર પથ્થરમારો કરીને ફરજમાં અવરોધ પેદા કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. 

    પોલીસે શું જણાવ્યું? 

    સમગ્ર મામલે ઑપઇન્ડિયાએ ઉમરગામ પોલીસનો પણ સંપર્ક કર્યો. પોલીસ મથકના PI એસ. ડી ચૌધરીએ વાતચીતમાં જણાવ્યું હતું કે, આ મામલે જુદી-જુદી FIR દાખલ કરીને ટોળાં સામે ગુનો નોંધવામાં આવ્યો છે. તેમણે જાણકારી આપતાં કહ્યું હતું કે, આ કેસોમાં કુલ ત્રીસથી બત્રીસ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે અને હાલ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં