છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં ટ્રેનને પાટા પરથી ઉથલાવી (Train Derailed) દેવા પાટા પર વિવિધ વસ્તુઓ મુકવાની ઘટનાઓ સામે આવી હતી. કાવતરા રચીને ટ્રેન ઉથલાવીને તેને દુર્ઘટનામાં ખપાવવાના પ્રયાસો વચ્ચે એક મોટો ઘસ્ફોટ થયો હતો. આ મામલે NIA અને ઉત્તર પ્રદેશની (Uttar Pradesh) ATSની સંયુક્ત ટીમ તપાસ કરી રહી હતી. આ દરમિયાન સામે આવ્યું હતું કે, ઝાંસી (Jhansi) અને કાનપુરના (Kanpur) મદરેસામાં (Madrasa) ટ્રેનને પાટા પરથી કેવી રીતે ઉથલાવી દેવાની તે અંગે ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.
તપાસમાં સામે આવ્યું હતું કે, મદરેસાના વિદ્યાર્થીઓને કટ્ટરપંથી બનાવવામાં આવી રહ્યા છે તથા તેમને ટ્રેનોને પાટા પરથી ઉથલાવી દેવા માટે ઉશ્કેરવામાં આવી રહ્યા છે. આ સિવાય તેમને ટ્રેનોને ઉથલાવી દેવાની ટ્રેનિંગ પણ આપવામાં આવી રહી છે. તપાસના ભાગરૂપે, એજન્સીઓ પ્રદેશના વિવિધ મદરસાઓ પર દરોડા પાડી રહી છે.
એવું પણ સામે આવ્યું હતું કે ટ્રેનોને ઉથલાવી દેવાની આ ટ્રેનિંગ ઓનલાઈન માધ્યમથી આપવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે તપાસ ટીમોએ આવા વિડીયો પણ રીકવર કર્યા હતા જેમાં કટ્ટરપંથી ઇસ્લામવાદીઓ યુવાનોને ટ્રેન પાટા પરથી ઉતારવા માટે ઉશ્કેરતા જોવા મળી રહ્યા છે. તેઓ આ માટે કેવી રીતે કામ કરવું તે અંગે પણ સૂચના આપતા જોવા મળે છે.
થઈ ચૂકી છે મૌલાનાની ધરપકડ
નોંધનીય છે કે 11 ડિસેમ્બર ગુરુવારે જ ઝાંસીમાંથી મૌલાના અને ઓનલાઈન શિક્ષક મુફ્તી ખાલિદ નદવીની અટકાયત કરવામાં આવી હતી તેની આ સબંધમાં જ પૂછપરછ કરવામાં આવી હતી. ANI અને ATSની ટીમોએ નદવીના ઘરે દરોડા પાડ્યા હતા અને લગભગ 10 કલાક સુધી તેની પૂછપરછ કરી હતી. તેના પર આતંકવાદી ગતિવિધિઓમાં સંડોવણી અને વિદેશી ફંડિંગનો આરોપ છે.
જ્યારે ATS અને NIAની ટીમોએ નદવીના ઘરે દરોડા પાડ્યા ત્યારે સ્થાનિક મસ્જિદમાંથી એલાન કરીને ટોળું ભેગું કરવામાં આવ્યું હતું. આ ટોળામાં મહિલાઓ પણ સામેલ હતી, જ્યારે પોલીસ નદવીને પૂછપરછ માટે લઇ જઈ રહી હતી ત્યારે ટોળાએ કાફલા પર હુમલો કરીને નદવીને છોડાવી દીધો હતો. જોકે પોલીસે ફરીથી નદવીને પકડી તેની અટકાયત કરી હતી.
પોલીસે તેની પાસેથી લેપટોપ, મોબાઈલ ફોન અને અન્ય વસ્તુઓ જપ્ત કરી હતી. પૂછપરછ બાદ પોલીસે મુફ્તી ખાલિદ નદવીને છોડી મૂક્યો હતો. પોલીસે NIA-ATS ટીમ પર હુમલો કરવા અને અટકાયત કરાયેલ વ્યક્તિને છોડાવવા માટે લગભગ 100 લોકો વિરુદ્ધ કેસ પણ નોંધ્યો હતો. જેમાં સંડોવાયેલ આરોપીઓને પકડવા માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા 3 મહિનામાં ઝાંસી અને કાનપુરની આસપાસ સાબરમતી એક્સપ્રેસ અને કાલિંદી એક્સપ્રેસ સહિતની ટ્રેનોને પાટા પરથી ઉથલાવી દેવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ વિસ્તારમાં ‘વંદે ભારત’ ટ્રેન પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. સિલિન્ડર, લાકડાના પાટા વગેરે જેવી ઘણી વસ્તુઓ પાટા પરથી મળી આવી હતી. જોકે, સાવચેત રેલ્વે કર્મચારીઓ તથા સ્થાનિક લોકોની સાવચેતીના પગલે કોઈ દુર્ઘટના સર્જાઈ નહોતી.