આતંકવાદી ગતિવિધિઓને ડામવા માટે કામ કરતી એજન્સી NIAએ ગુરુવારે (12 ડિસેમ્બર) દેશમાં અનેક રાજ્યોમાં અનેક ઠેકાણે દરોડા પાડ્યા હતા અને અનેક સંદિગ્ધોની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી હતી. આ જ ક્રમમાં ઉત્તર પ્રદેશના ઝાંસીમાં (Jhansi) પણ NIA અને યુપી એટીએસની ટીમો એક મૌલવીને શોધતી તેના ઘર સુધી પહોંચી હતી. પરંતુ ગણતરીની મિનિટોમાં જ ત્યાં સ્થાનિક મુસ્લિમોનું ટોળું એકઠું થઈ ગયું, જેમાં મહિલાઓ પણ સામેલ હતી અને એજન્સી અને પોલીસનો વિરોધ કરવા માંડ્યું. તેમણે હોબાળો મચાવીને એજન્સી પર દબાણ લાવવાના પ્રયાસ કર્યા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર, NIAની ટીમે UP એટીએસ સાથે મળીને બુધવારે રાત્રે લગભગ 2:30 વાગ્યે ઝાંસીના એક વિસ્તારમાં મદરેસા ચલાવતા મુફ્તી ખાલિદના ઘરે દરોડો પાડ્યો હતો. તેના ઘરમાં સર્ચ ઑપરેશન અને આઠેક કલાકની પૂછપરછ બાદ જ્યારે એજન્સીની ટીમ મૌલવીને લઈને જઈ રહી હતી ત્યારે ત્યાં સેંકડો મુસ્લિમોનું ટોળું એકઠું થઈ ગયું અને હોબાળો મચાવી દીધો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર, એજન્સી મૌલવીને લઈને જઈ રહી હતી ત્યારે મસ્જિદોમાંથી એલાન કરવામાં આવ્યું અને ટોળું એકઠું કરવામાં આવ્યું હતું.
#WATCH | Jhansi, Uttar Pradesh: Locals protest against National Investigation Agency (NIA) officials as they conduct searches at the residence of Mufti Khalid in Jhansi in a case linked to radicalization of individuals associated with Jaish-e-Mohammed, and the dissemination of… https://t.co/HisVFU7yw1 pic.twitter.com/xT28E5cwKM
— ANI (@ANI) December 12, 2024
ગુરુવાર, 12 ડિસેમ્બરે સવારે જ્યારે મુફ્તીને કસ્ટડીમાં લીધા બાદ NIAની ટીમ ઘરની બહાર નીકળી તો મૌલવીના સમર્થકોએ વિરોધ કરીને હોબાળો મચાવવાનું શરૂ કરી દીધું હતું. જોકે NIAની ટીમે આ ટોળાને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ ન માન્યા. થોડી જ વારમાં ત્યાં 200થી વધુ લોકોની ભીડ એકઠી થઈ ગઈ, જેમાં મહિલાઓ પણ મોટી સંખ્યામાં સામેલ હતી. ભીડે એજન્સી પર દબાણ કર્યું કે મૌલવીની જે કાંઈ પૂછપરછ કરવાની હોય તે સ્થળ પર જ કરે. જ્યારે પોલીસ ત્યાં પહોંચી, તો તેમનો પણ વિરોધ કરવામાં આવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
જે વિગતો સામે આવી છે તે અનુસાર, મુફ્તી ખાલિદ નદવી અલીગોલ વિસ્તારની સુપર કોલોનીમાં ઓનલાઈન મઝહબી શિક્ષણ આપે છે. તેનો કાકો શહેરનો કાઝી છે અને જ્યાં રહે છે ત્યાં પણ મુસ્લિમોની જ બહુમતી છે. તેનો પરિવાર સમુદાય પર સારી એવી પકડ ધરાવતો હોવાનું જાણવા મળ્યું છે. કાર્યવાહીને લઈને તેણે કહ્યું કે, “રાત્રે લગભગ 2-3 વાગ્યે NIAના લોકો મારા ઘરે આવ્યા. હું ઘરે એકલો હતો એટલે મેં મારા કાકાને ફોન કર્યો. ટીમે આખા ઘરની ઝીણવટભરી તપાસ કરી હતી અને કંઈ મળ્યું ન હતું. તેમને જે પણ પુસ્તકો શંકાસ્પદ જણાયાં, તે લઈ લીધાં. આ સાથે તેઓ અમારી પાસેથી પુસ્તકો વિશે માહિતી લેવા લાગ્યા.”
પોલીસે કાબૂ મેળવ્યો, સ્થળ પર શાંતિ
અમુક મીડિયા અહેવાલોમાં જણાવવામાં આવી રહ્યું હતું કે, ટોળું મૌલવીને છોડાવીને લઈ ગયું હતું, પરંતુ પોલીસે નિવેદનમાં સ્પષ્ટ કર્યું છે કે તેમણે સ્થિતિ પર નિયંત્રણ મેળવી લીધી હતી.
थाना कोतवाली क्षेत्रान्तर्गत एन.आई.ए. व ए.टी.एस. की संयुक्त टीम द्वारा संदिग्ध व्यक्ति को हिरासत में लेकर की जा रही पूछताछ आदि के सम्बन्ध में- pic.twitter.com/BhqcYMy9hP
— Jhansi Police (@jhansipolice) December 12, 2024
ઝાંસી પોલીસે જણાવ્યું કે, NIA અને ATSની સંયુક્ત ટીમ દ્વારા ઝાંસી પોલીસ મથક અંતર્ગત એક સંદિગ્ધ વ્યક્તિને પૂછપરછ માટે હિરાસતમાં લેવામાં આવ્યો. કાર્યવાહી દરમિયાન અમુક લોકો એકત્રિત થઈને વિરોધ કરવા માંડ્યા હતા. દરમ્યાન, સ્થળ પર પોલીસબળ બોલાવીને વિરોધ કરતા લોકોને સમજાવીને શાંત કરવમાં આવ્યા. હાલ ટીમની કાર્યવાહી ચાલી રહી છે અને સ્થળ પર શાંતિ છે.
એજન્સીએ દેશમાં અનેક ઠેકાણે પાડ્યા દરોડા
NIAએ માત્ર ઝાંસીમાં જ નહીં પરંતુ જમ્મુ-કાશ્મીર, મહારાષ્ટ્ર, ગુજરાત સહિતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં દરોડા પાડ્યા હતા. એજન્સી આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા મોડ્યુલની તપાસ કરી રહી છે.
ઇનપુટ્સ અનુસાર, આતંકી સંગઠન મુસ્લિમ યુવાનોને કટ્ટરપંથી બનાવવા અને દેશમાં આતંકવાદી પ્રોપગેન્ડા ફેલાવવા માટે ષડ્યંત્ર રચી રહ્યું છે. આ મામલે સંગઠનના સંપર્કમાં રહેવાની આશંકા હોય તેવા ઈસમોને શોધી-શોધીને પૂછપરછ અને તપાસ કરવામાં આવી રહી છે. ગુજરાતના સાણંદમાંથી પણ એક મદરેસા સંચાલકની અટકાયત કરવામાં આવી હતી.