ISIS મોડ્યુલ કેસમાં મુખ્ય સૂત્રધાર તરીકે પકડાયેલો આતંકવાદી સાકિબ નાચન (Saquib Nachan) દિલ્હીની એક હૉસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ પામ્યો છે. તેનું મોત બ્રેન હેમરેજના કારણે થયું હોવાનું સામે આવ્યું છે. શનિવારે (28 જૂન) તેણે સારવાર દરમિયાન દમ તોડી દીધો.
પ્રતિબંધિત સંગઠન સ્ટુડન્ટ્સ ઈસ્લામિક મૂવમેન્ટ ઑફ ઇન્ડિયા (SIMI) સાથે કામ કરી ચૂકેલો સાકિબ નાચન ભૂતકાળમાં પણ આતંકવાદી હુમલાના કેસમાં સાજા પામી ચૂક્યો હતો. જેલમાંથી બહાર આવ્યા બાદ 2023માં તે ફરી મહારાષ્ટ્રમાં સક્રિય ISIS મોડ્યુલના કેસમાં પકડાયો હતો. ત્યારથી તિહાડ જેલમાં બંધ હતો.
બ્રેન હેમરેજ બાદ છેલ્લા ચાર દિવસથી તેને દિલ્હીની એક ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સારવાર બાદ તે મૃત્યુ પામ્યો. તેની ઉંમર 57 વર્ષની હતી.
સાકિબને પહેલી વખત 1997માં સુપ્રીમ કોર્ટે એક આતંકી હુમલાના કેસમાં દોષી ઠેરવ્યો હતો. 1990માં ખાલિસ્તાની સંગઠનો સાથે મળીને આતંકવાદી હુમલાનું કાવતરું ઘડવા બદલ તેને દોષી ઠેરવવામાં આવ્યો હતો.
વર્ષ 2002 અને 2003માં મુંબઈ સેન્ટ્રલ, વિલે પાર્લે અને મુલુંડ સ્ટેશન પર થયેલા સીરિયલ બૉમ્બ બ્લાસ્ટ કેસમાં નાચન માસ્ટરમાઇન્ડ હતો. આ કેસમાં તેને 10 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી હતી. આ સજા પૂર્ણ થયા બાદ 2012માં એક VHP કાર્યકર્તાની હત્યાના પ્રયાસમાં નાચનની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ 2014માં જામીન પર છોડી દેવામાં આવ્યો હતો.
2023માં પકડાયું હતું ISIS મોડ્યુલ, નાચન હતો મુખ્ય સૂત્રધાર
2023માં સાકિબ નાચનની ધરપકડ મહારાષ્ટ્રના પુણેમાં ISISની કટ્ટરપંથી વિચારધારાનો ફેલાવો કરીને આતંકવાદી ગતિવિધિઓ માટે ભંડોળ એકઠું કરવા બદલ કરવામાં આવી હતી. તેની સાથે કુલ 15 અન્ય આતંકીઓને પકડવામાં આવ્યા હતા, જેનો લીડર સાકિબ હતો. તેણે અન્ય આતંકવાદીઓને ISISના શપથ પણ લેવડાવ્યા હતા.
એજન્સીની તપાસમાં સામે આવ્યું હતું કે સમગ્ર મોડ્યુલનો મુખ્ય સૂત્રધાર સાકિબ જ હતો. તે મુસ્લિમ યુવાનોની ભરતી કરીને તેમનાં બ્રેનવૉશ કરવાનું કામ કરતો હતો, તેમને ટ્રેનિંગ આપતો અને ફોરેન ઑપરેશન પણ જોતો હતો. વિદેશથી ભંડોળ મેળવવાનું પણ કામ કરતો હતો. જેહાદીઓની ભરતી કરીને ISIS પ્રત્યે વફાદાર રહેવાના શપથ લેવડાવતો હતો અને તેમની પાસે 26/11 જેવા આતંકી હુમલા કરાવવા માટે કામ કરાવતો હતો.
આ ટોળકી કોઈ મોટા કાવતરાને અંજામ આપે તે પહેલાં જ ઇન્ટેલિજન્સ ઇનપુટના આધારે NIAએ મહારાષ્ટ્રના પુણેમાં દરોડા પાડીને 15ની ધરપકડ કરી લીધી હતી, જેમાંથી એક નાચન પણ હતો. ડિસેમ્બર 2023માં તેની ધરપકડ બાદથી તે તિહાડ જેલમાં જ બંધ હતો. આખરે તે મૃત્યુ પામ્યો છે.