Friday, September 20, 2024
More
    હોમપેજદેશસાબરમતી એક્સપ્રેસ અકસ્માત કેસમાં આતંકી ષડયંત્રની આશંકા, તપાસ માટે પહોંચી ATS: રેલવે...

    સાબરમતી એક્સપ્રેસ અકસ્માત કેસમાં આતંકી ષડયંત્રની આશંકા, તપાસ માટે પહોંચી ATS: રેલવે ટ્રેક પર મૂકવામાં આવ્યા હતા પાટાના ટુકડા, તપાસ ચાલુ

    સ્થળ પરથી પાટાના 2-3 ટુકડાઓ પણ મળી આવ્યા હતા. આ જ પાટાના ટુકડાઓ રેલવે ટ્રેક પર પણ મૂકવામાં આવ્યા હતા. આ લોખંડના ટુકડાઓને સ્ક્રૂ અને ગર્ડર વડે યોજનાબદ્ધ રીતે ગોઠવામાં આવ્યા હતા, જેથી તે ટ્રેનના આંચકાને કારણે બહાર ન નીકળી શકે અને ટ્રેન તેની ઉપરથી ઝડપથી પસાર થઈને પાટા પરથી ઉતરી જાય અને મોટાપાયે જાનહાનિ સર્જાય.

    - Advertisement -

    કાનપુરમાં સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના 22 ડબ્બા ટ્રેક પરથી ઉતરી જવાના મામલે હવે આતંકી ષડયંત્રની આશંકા સેવાઈ રહી છે. જે રીતે ટ્રેક સાથે છેડછાડ કરવામાં આવી હતી, તેના પરથી શંકા ઊભી થઈ રહી છે કે, મોટા પાયે જાનહાનિ થાય તે રીતે આખું કાવતરું રચવામાં આવ્યું હતું. જોકે, ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી, પરંતુ કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નહોતી. આ કેસની ગંભીરતાને ધ્યાને રાખીને IB બાદ હવે ATS પણ તપાસમાં જોતરાઈ છે. હાલ આ મામલે તપાસ ચાલી રહી હોવાનું સામે આવ્યું છે.

    ઇન્ટેલિજન્સ બ્યૂરો (IB) બાદ હવે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)ની ટીમ પણ તપાસ માટે કાનપુર પહોંચી છે. આ મામલે જૂહીના સિનિયર સેક્શન એન્જિનિયર મહેન્દ્ર પ્રતાપ સિંઘ સિસોદિયાએ પનકી પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી છે. FIRમાં કહેવામાં આવ્યું છે કે, પાટાનો ટુકડો ટ્રેક પર રાખવામાં આવ્યો હતો. તેની સાથે ટક્કર બાદ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ આ જ વાત કહી હતી.

    દુર્ઘટના બાદ વૈષ્ણવે કહ્યું હતું કે, ટ્રેનનું એન્જિન ટ્રેક પર રાખેલી કોઈ ભારે વસ્તુ સાથે અથડાયું હતું. એન્જિન પર કોઈ વસ્તુ અથડાઈ હોવાના નિશાન પણ છે અને IB આ અંગેની તપાસ પણ કરી રહી છે. બીજી તરફ રેલવે અધિકારીઓનું કહેવું છે કે, ષડયંત્રની આશંકા એટલા માટે પણ છે, કારણ કે પટના એક્સપ્રેસ સાબરમતી એક્સપ્રેસના 1 કલાક 20 મિનિટ પહેલાં આ ટ્રેક પરથી પસાર થઈ હતી. તે સમયે લાઈન ક્લિયર હતી અને કોઈપણ દુર્ઘટના થઈ શકી નહોતી. પરંતુ તે બાદ અચાનક રેલવે ટ્રેક પર ભારેભરખમ વસ્તુ આવી જવી શંકા ઊભી કરે છે.

    - Advertisement -

    FIRમાં કહેવામાં આવ્યું છે કે, સાબરમતી એક્સપ્રેસ વારાણસીથી અમદાવાદ જઈ રહી હતી. તેને લોકો પાયલોટ એપી બુંદેલા ચલાવી રહ્યા હતા. 17 ઑગસ્ટની રાત્રે ટ્રેન 2.27 વાગ્યે ગોવિંદપુરી-ભીમસેન સ્ટેશન પર પહોંચી હતી. 1338/21-19 KM પોઇન્ટ પર મધ્ય અપ લાઇનમાં ભારે પદાર્થ જોવા મળ્યો હતો. આ જોઈને, લોકો પાયલોટ/કો-લોકો પાયલોટે ઈમરજન્સી બ્રેક લગાવી હતી, પરંતુ ભારે પદાર્થ એન્જિનના કેટલ ગાર્ડ સાથે અથવાયો હતો. અથડાવાની સાથે જ ટ્રેનના 22 ડબ્બા ટ્રેક પરથી ઉતરી ગયા હતા, પરતું જાનહાનિ થઈ નહોતી.

    અથડામણને કારણે કેટલ ગાર્ડ વળી ગયું હતું. આ સિવાય આગળના પૈડા અને 22 ડબ્બા પણ પાટા પરથી ઉતરી ગયા હતા. લોકો પાયલોટે બપોરે 2.30 વાગ્યે ઝાંસીના કંટ્રોલ રૂમને આ વિશેની જાણ કરી હતી. ત્યાંથી જૂની રેલનો ટુકડો મળી આવ્યો હતો જેમાં ફ્રેશ હીટિંગના નિશાન જોવા મળ્યા હતા. આ જોતાં એવી શંકા ઊભી થાય છે કે, ટ્રેનને પાટા પરથી ઉતારવા માટે લોખંડનો ટુકડો ટ્રેક પર મૂકવામાં આવ્યો હતો. એવી આશંકા છે કે રેલનો ટુકડો કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા ટ્રેક પર મૂકવામાં આવ્યો હતો.

    સ્થળ પરથી પાટાના 2-3 ટુકડાઓ પણ મળી આવ્યા હતા. આ જ પાટાના ટુકડાઓ રેલવે ટ્રેક પર પણ મૂકવામાં આવ્યા હતા. આ લોખંડના ટુકડાઓને સ્ક્રૂ અને ગર્ડર વડે યોજનાબદ્ધ રીતે ગોઠવામાં આવ્યા હતા, જેથી તે ટ્રેનના આંચકાને કારણે બહાર ન નીકળી શકે અને ટ્રેન તેની ઉપરથી ઝડપથી પસાર થઈને પાટા પરથી ઉતરી જાય અને મોટાપાયે જાનહાનિ સર્જાય. જોકે, ટ્રેનની સ્પીડ 80-90 કિલોમીટર પ્રતિ કલાક હતી અને શંકાસ્પદ વસ્તુ જોઈને લોકો પાયલોટે તાત્કાલિક ઈમરજન્સી બ્રેક પણ લગાવી દીધી હતી.

    ATSના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે, જ્યારે પણ કોઈ ટ્રેન પાટા પરથી ઉતરે છે, ત્યારે ATS સ્થળ પર પહોંચી જાય છે અને તેના સ્તરે તપાસ શરૂ કરે છે. ATSને સાબરમતી એક્સપ્રેસ અકસ્માતનો રિપોર્ટ લખનૌ હેડક્વાર્ટરમાં વહેલી તકે રજૂ કરવા માટે કહેવામાં આવ્યું છે. હાલમાં લોખંડના પાટા રાખનારા લોકોની ઓળખ માટે પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. હાલ આ મામલે ATS, IB અને સ્થાનિક પોલીસની ટીમો પણ તપાસ કરી રહી છે. સમગ્ર ઘટનાક્રમ અને FIRની માહિતી જોતાં આતંકી ષડયંત્રને નકારી શકાય નહીં.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં