નવરાત્રિ પર્વનો શુભારંભ થયો છે તેની સાથે ગુજરાતભરમાં હિંદુ સંગઠનો પણ સક્રિયતા દાખવી રહ્યાં છે. ઠેરઠેર ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યાં છે, જેથી હિંદુ પર્વમાં કોઈ ખલેલ ન પહોંચે. આ જ ક્રમમાં સુરતમાં ચેકિંગ વખતે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ કાર્યકર્તાઓને જાણવા મળ્યું હતું કે ‘સુવર્ણ નવરાત્રિ’ નામના આયોજનમાં ઓર્કેસ્ટ્રામાં અમુક મુસ્લિમ વ્યક્તિઓને સામેલ કરવામાં આવ્યા છે. બાબતની જાણ થતાં જ હિંદુ કાર્યકર્તાઓની ટીમ સ્થળ પર પહોંચી હતી અને આયોજકોને સમજાવ્યા હતા. આયોજકોએ પછીથી માફી માંગીને સંગઠનની માંગણી સ્વીકારી લીધી હતી.
ઑપઇન્ડિયાને પ્રાપ્ત જાણકારી અનુસાર, સુરતના ‘સુવર્ણ નવરાત્રિ’ નામના આયોજનમાં ઓર્કેસ્ટ્રામાં ઢોલક વગાડનારા કર્મચારીઓ મુસ્લિમ હોવાનું વિશ્વ હિંદુ પરિષદને જાણવા મળ્યું હતું. ત્યારબાદ VHP અને બજરંગ દળના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ‘સુવર્ણ નવરાત્રિ’ પંડાલમાં પહોંચ્યા હતા.
બજરંગ દળના કાર્યકર્તાઓએ દલીલ કરી હતી કે નવરાત્રિએ માતાજીના અનુષ્ઠાનનું પર્વ છે. આ પર્વમાં બિનહિંદુઓની કોઈ આવશ્યકતા નથી. તેમણે સ્પષ્ટ કર્યું કે તહેવાર માત્ર મોજશોખનો ઉત્સવ નથી પરંતુ તેનું ધાર્મિક મહત્ત્વ પણ છે અને આવા ધાર્મિક મહત્ત્વ ધરાવતા હિંદુ તહેવારમાં હિંદુઓને જ પ્રવેશ હોવો જોઈએ, બિનહિંદુઓને પ્રવેશ નિષેધ હોવો જોઈએ. કારણ કે આ ધાર્મિક પર્વ છે અને તેમાં માત્ર હિંદુઓ જ હોવા જોઈએ.
કાર્યકર્તાઓનું કહેવું હતું કે નવરાત્રિએ મનોરંજનનું પર્વ નથી. જો આયોજકોએ બીજા કોઈ દિવસોમાં આ કાર્યક્રમ રાખ્યો હોત અને મનોરંજન માટે રાખ્યો હોત તો સંગઠનને કોઈ વાંધો ન હોય શકે, પરંતુ આ નવરાત્રિના પવિત્ર દિવસો છે જેમાં માતાજીની આરાધના કરવામાં આવે છે. તેથી આરાધનાના પર્વમાં બિનહિંદુઓ ન હોય એ ધ્યાન રાખવામાં આવે.
આયોજકોએ માંગી માફી, ફરી ચૂક ન થાય તેનું આશ્વાસન આપ્યું
બજરંગદ ળના કાર્યકર્તાઓના વિરોધનું સકારાત્મક પરિણામ આવ્યું હતું. આયોજકોએ સમગ્ર હિંદુ સમાજની લાગણી દુભાવવા બદલ માફી માંગી હતી. આયોજકોએ કહ્યું કે તેઓ 3-4 વર્ષથી નવરાત્રિમાં ગરબાનું આયોજન કરે છે અને આજ સુધી કોઈ મુસ્લિમોનો સમાવેશ કરવામાં આવ્યો નથી. આયોજકોએ જણાવ્યું કે તેઓ મુસ્લિમોને ગરબા માટે એન્ટ્રી પણ આપતા નથી. પરંતુ આ વખતે અમુક ઢોલક વાદકો બિનહિંદુઓ રાખવામાં આવ્યા હતા એ તેમની ભૂલ છે.
આયોજકોએ ખાતરી આપી છે કે હવેથી તેઓ આ બાબતનું પણ ધ્યાન રાખશે અને ઓર્કેસ્ટ્રામાં પણ કોઈ બિનહિંદુનો સમાવેશ કરવામાં આવશે નહીં. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે આ વર્ષે પણ ઓર્કેસ્ટ્રાનો કોન્ટ્રાક્ટ રદ કરી દેવામાં આવ્યો છે અને આગામી વર્ષના આયોજનથી પણ સુરક્ષાથી માંડીને આવી તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવશે અને આવી કોઈ ચૂક થશે નહીં.


