તાજેતરમાં ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) વિવિધ વિસ્તારોમાંથી સદીઓ જૂના હિંદુ મંદિરો મળી રહ્યા છે. જેના પગલે વારાણસીમાં (Varanasi) મુસ્લિમ બહુલ વિસ્તાર મદનપુરામાં 40 વર્ષથી બંધ પડેલ શિવ મંદિર (Shiva Mandir) મળી આવ્યું હતું. આ મંદિર મદનપુરામાં મળી આવેલ આ પ્રાચીન શિવ મંદિરના દ્વાર ખોલીને પ્રશાસને અંદર સફાઈનું કામ શરૂ કર્યું હતું. આ મંદિર 250 વર્ષ જૂનું હોવાનું કહેવાઈ રહ્યું હતું.
નોંધનીય છે કે હિંદુ સંગઠન સનાતન રક્ષક દળના પ્રદેશ અધ્યક્ષ અજય શર્માએ કહ્યું હતું કે સિદ્ધેશ્વર મંદિર સાર્વજનિક સ્થાન પર છે, તેથી તેના પર કોઈ માલિકીનો દાવો કરી શકે નહીં. તેમણે દાવો કર્યો છે કે ઘરની પુષ્ટિ થયેલ નકલના દસ્તાવેજોમાં પણ મંદિર ખાનગી મિલકત હોવાના કોઈ પુરાવા નથી. આ પુરાવાઓની તપાસ કર્યા બાદ હવે પ્રશાસને આ બંધ મંદિરના દરવાજા ખોલી દીધા છે અને સાફ સફાઈ કરી છે.
Varanasi, Uttar Pradesh: DCP Kashi Zone, Gaurav Banswal says, "The temple has been opened today with public consent, and the process of reopening is continuing. Inside the temple, there is dust and dirt, but efforts are being made to slowly remove it so that no damage occurs to… https://t.co/pHGd2AV24k pic.twitter.com/B9XViHxBGZ
— IANS (@ians_india) January 8, 2025
મહાનગરપાલિકાના સફાઈ કામદારોએ અધિકારીઓની દેખરેખ હેઠળ મંદિરની સફાઈ કરી હતી. અધિકારીઓની સાથે સાથે અનેક હિંદુ સંગઠનોના લોકો પણ સ્થળ પર હાજર હતા. બંધ મંદિરની અંદર લગભગ અઢી ફૂટનો કાટમાળ પડ્યો હતો, જેને હટાવ્યા બાદ ત્રણ શિવલિંગ દેખાયા હતા. શિવલિંગ દેખાતાની સાથે જ હિંદુ સંગઠનોએ શિવલિંગ પર જમા થયેલી માટીને ગંગા જળથી સાફ કરી અને ‘હર હર મહાદેવ’નો જયઘોષ કર્યો હતો.
મંદિરમાં મળ્યા ત્રણ શિવલિંગ
ઉલ્લેખનીય છે કે મંદિરની અંદર ત્રણ શિવલિંગ છે. ત્રણેય શિવલિંગ ખંડિત હાલતમાં છે. કાટમાળ હટાવ્યા બાદ ગંગા જળથી શિવલિંગનો જળાભિષેક કર્યો હતો. આ મંદિરમાં પૂજા માટે બ્રાહ્મણોની નિમણૂક કરવાની જવાબદારી લેવા બ્રાહ્મણ મહાસભાએ તૈયારી દર્શાવી હતી. અન્નપૂર્ણા મંદિરના મહંતે પણ આ મંદિરની જાળવણી માટે સહકારની ખાતરી આપી હતી. હિંદુ સંગઠનો અનુસાર પ્રશાસન તરફથી સૂચના મળતાં જ તેઓ પરસ્પર સહયોગથી મંદિરનું પુનઃસ્થાપન કરશે.
અહેવાલો અનુસાર મદનપુરામાં જે મકાનની સામે સિદ્ધેશ્વર મહાદેવનું આ મંદિર આવેલું છે, તે મકાન રાજા મહેન્દ્ર રંજન રોયના નામે હતું. તેને 1932માં તાજ મોહમ્મદને વેચવામાં આવ્યું હતું. જોકે, રજીસ્ટ્રીમાં ક્યાંય મંદિરનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આ મામલે ડીસીપી કાશી ઝોને કહ્યું હતું કે “વહીવટીતંત્રને ડિસેમ્બરના ત્રીજા સપ્તાહમાં આ મંદિર વિશે માહિતી મળી હતી. આ મંદિર વિશે કેટલાંક અઠવાડિયાં સુધી માહિતી એકત્ર કરવામાં આવી હતી.”
વારાણસીમાં મળેલ શિવ મંદિર અંગે આગળ તેમણે કહ્યું કે “દસ્તાવેજોમાં નોંધાયેલા રેકોર્ડના આધારે આ મંદિરના માલિકોનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઘણા સંગઠનો આ મંદિરમાં પૂજા શરૂ કરવા માટે સતત વિનંતી કરી રહ્યા હતા. આજે એડીએમ સિટી આલોક કુમાર અને કમિશનરેટ પોલીસકર્મીઓની હાજરીમાં તાળાં તોડીને સફાઈ કરવામાં આવી હતી. મંદિરની સુરક્ષા માટે અહીં પીએસીની ટીમ તૈનાત કરવામાં આવી છે.”