ભગવાન શિવની નગરી વારાણસીમાં (Varanasi) એક સદીઓ જૂની શિવ મંદિર (Shiv Mandir) મળી આવ્યું છે, જે ઘણા દાયકાઓથી મુસ્લિમ વસ્તીમાં છુપાવી રખાયું હતું. જે બાદ હવે આ વિષયમાં સંબંધિત વિભાગ ઝડપથી કાર્યવાહી કરી રહ્યું છે. હાલમાં જ સંભલમાં (Sambhal) પણ એક પ્રાચીન મંદિર મળી આવ્યું હતું અને તેની પાસેના કૂવામાંથી હિંદુ દેવી-દેવતાઓની મૂર્તિઓ પણ મળી આવી હતી.
આજે સવારે (17 ડિસેમ્બર 2024) વારાણસીના એક રહેણાંક વિસ્તારમાંથી બંધ ઇમારત મળી આવી હતી, તપાસ કરતા તે એક મંદિર હોવાનું સામે આવ્યું હતું. હાલમાં મંદિરની આસપાસ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
Varanasi, Uttar Pradesh: Local says, "This temple is there, it is Lord Shiva's temple. I don't know when it has been closed, I have been seeing it closed since childhood…" pic.twitter.com/QNlUObrnEC
— IANS (@ians_india) December 17, 2024
વારાણસી મ્યુનિસિપલ કમિશનર અક્ષત વર્માએ જણાવ્યું હતું કે, “જે પણ કાર્યવાહી કરવી હોય, તે પોલીસ દ્વારા જ કરવાની હોય છે. હું આ અંગે ટિપ્પણી કરી શકીશ નહીં… સંબંધિત વિભાગ પગલાં લઈ રહ્યું છે…”
સંભલના શિવ-હનુમાન મંદિરમાં કરાઈ પૂજા-અર્ચના
નોંધનીય છે કે તાજેતરમાં જ સંભલ જિલ્લામાં સોમવારે ફરીથી ખોલવામાં આવેલા શિવ-હનુમાન મંદિરમાં પ્રાર્થના અને ધાર્મિક વિધિઓ યોજાઈ હતી. સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા અતિક્રમણ દૂર કરવાના ઓપરેશન દરમિયાન 14 ડિસેમ્બરે 1978થી બંધ કરાયેલ આ મંદિર મળી આવ્યું હતું.
જે બાદ તેને ફરીથી ખોલવામાં આવ્યું હતું. તેની સાફ સફાઈ કરીને તેમાં પૂજા-અર્ચના પણ કરાઈ હતી. આ અભિયાન દરમિયાન જૂના મંદિર પાસેના કુવામાંથી હિંદુ દેવી-દેવતાઓની ત્રણ મૂર્તિઓ મળી આવી હતી.
સંભલમાં જ મળ્યું વધુ એક પ્રાચીન મંદિર
ત્યારે મંગળવાર, 17 ડિસેમ્બરના દિવસે આ સંભલના જ વધુ એક વિસ્તારમાંથી વધુ એક મંદિર મળી આવ્યું હતું. સંભલના હયાતનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સરાયતરીનમાં પોલીસ અતિક્રમણ હટાવવા પહોંચી હતી. આ દરમિયાન પોલીસને કોઈ અતિક્રમણ તો મળ્યું નહોતું પરંતુ એક બંધ પડેલ મંદિર મળી આવ્યું હતું. આ મંદિર જે વિસ્તારમાંથી મળી આવ્યું છે તે મુસ્લિમ બહુમતી ધરાવતો વિસ્તાર છે. બંધ મંદિરની સૂચના મળતા જ રેવન્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
આ મંદિરનો દરવાજો ખોલતાં જ મંદિરમાંથી હનુમાનજી અને રાધા-કૃષ્ણની મૂર્તિઓ મળી આવી હતી. મંદિર તથા મૂર્તિઓને સાફ કરવાનું કામ ચાલી રહ્યું છે. આ મંદિર જામા મસ્જિદથી દોઢ કિમી દૂર છે, જ્યાં હિંસામાં 4 લોકો માર્યા ગયા હતા. મંદિરના દરવાજાને તાળું મારેલું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે કોઈએ પ્રશાસનને મંદિર હોવાની માહિતી આપી હતી.