હોમપેજરાજકારણગુજરાતથી દિલ્હી સુધી એક જ પેટર્ન: રાઘવ ચઢ્ઢા વિવાદે ફરી સાબિત કર્યું-...

ગુજરાતથી દિલ્હી સુધી એક જ પેટર્ન: રાઘવ ચઢ્ઢા વિવાદે ફરી સાબિત કર્યું- AAPમાં અસહમતીની એકમાત્ર સજા ચરિત્રહનન છે

રાઘવ ચઢ્ઢા વિવાદ કોઈ અલગ ઘટના નથી. આ તે લાંબી શૃંખલાની વધુ એક કડી છે, જેમાં AAPની અંદર અસંમતિ રાખનારાઓને કાં તો ચૂપ કરાવવામાં આવ્યા છે અથવા તેમની છબી પર હુમલો કરીને તેમને નબળા પાડી દેવામાં આવ્યા છે.

- Advertisement -

આમ આદમી પાર્ટી પોતાને ‘નવી રાજનીતિ’ના ચહેરા તરીકે રજૂ કરે છે- ઈમાનદારી, પારદર્શિતા અને લોકતાંત્રિક મૂલ્યોની દુહાઈ આપે છે. પરંતુ જેવો પાર્ટીની અંદરથી કોઈ અસંમતિનો અવાજ ઊઠે છે કે તરત જ આખું મુખોટું ઝડપથી ઉતરી જાય છે, તેનું તાજું ઉદાહરણ છે રાઘવ ચઢ્ઢા.

તાજેતરના વિવાદમાં જે રીતે ચઢ્ઢાને ન માત્ર સંગઠનાત્મક રીતે કિનારે કરવામાં આવ્યા, પરંતુ તે પછી પાર્ટીના પોતાના જ નેતાઓ તેમની વિરુદ્ધ મોરચો ખોલતા દેખાયા, તેણે એક વખત ફરીથી એ જ જૂનો સવાલ ઊભો કરી દીધો છે શું AAPમાં અસંમતિ (dissent) માટે કોઈ જગ્યા છે કે નહીં? અને જો છે તો તેની કિંમત શું છે? ચઢ્ઢાના કેસમાં જે જોવા મળ્યું તે માત્ર ‘આંતરિક અસંમતિ’ નહોતી. આ એક સુનિયોજિત નેરેટિવ સેટ કરવાનો પ્રયાસ હતો, જેમાં અસંમતિ રાખનારા નેતાને જાહેરમાં કઠેડામાં ઊભો કરવામાં આવે છે.

આતિશી, સૌરભ ભારદ્વાજ અને પાર્ટી લાઇન: અસંમતિ પર ‘કાઉન્ટર અટેક’

રાઘવ ચઢ્ઢાના મુદ્દા પર પાર્ટીના મુખ્ય ચહેરાઓ જેમ કે આતિશી અને સૌરભ ભારદ્વાજની પ્રતિક્રિયાઓ માત્ર રાજકીય બચાવ નહોતી, પરંતુ તેમણે તે જ પેટર્નનું પુનરાવર્તન કર્યું જે AAPમાં અગાઉ પણ જોવા મળી છે. જ્યાં એક તરફ ચઢ્ઢાએ પોતાને ‘ખામોશ’ કરી દેવાયા હોવાનું કહ્યું, ત્યાં પાર્ટી તરફથી એવો નેરેટિવ આગળ વધારવામાં આવ્યો કે તેઓ ‘સોફ્ટ’ થઈ ગયા છે, પાર્ટી લાઇનથી વિચલિત થઈ ગયા છે અને ‘મોદીથી ડરવા લાગ્યા છે’. યોગ્ય દલીલો ન હોય એટલે આપિયાઓ આવા હથકંડા અપનાવે એમાં નવાઈ નથી. આ જ તે જૂની વ્યૂહરચના છે — મુદ્દા પર ચર્ચા ઓછી, વ્યક્તિ પર સવાલ વધુ.

- Advertisement -

અહીં ધ્યાન આપવા જેવી વાત એ છે કે અસંમતિને ‘ખોટી’ સાબિત કરવા માટે તર્ક આપવામાં આવતા નથી, પરંતુ તે વ્યક્તિની વિશ્વસનીયતા પર જ સવાલ ઊભા કરી દેવામાં આવે છે. એટલે કે દલીલો સમાપ્ત અને વ્યક્તિત્વ પર હુમલો શરૂ. ટૂંકમાં આ જમાત સીધી ચરિત્રહનન પર ઉતરી આવે છે. રાઘવ ચઢ્ઢાના કેસમાં પણ એ જ થયું, સ્વાતિ માલીવાલ વખતે પણ એ જ થયું હતું અને ગુજરાતમાં પણ આવું જ થતું આવ્યું છે.

ગુજરાતમાં પણ એ જ પેટર્ન

આ પેટર્ન માત્ર દિલ્હી સુધી મર્યાદિત નથી. ગુજરાતમાં પણ AAPની અંદર એ જ વલણ વારંવાર સામે આવ્યું છે. ગોપાલ ઇટાલિયા જેવા નેતાઓ જ્યારે પાર્ટીની અંદર મુખ્ય ચહેરો બને છે, ત્યારે તેમની વિરુદ્ધ અસહમતી વ્યક્ત કરનારાઓની આ જ હાલત આપિયાઓ કરી નાખે છે. રાજુ કરપડાનું ઉદાહરણ તાજું છે, એ સિવાય પણ ગુજરાતમાં જેટલા નેતાઓએ આમ આદમી પાર્ટી છોડી, તેમની સ્થિતિ પણ આવી જ થઈ હતી. 

જ્યારે રાજુ કરપડાએ રાજીનામું આપ્યું, ત્યારબાદ જે કંઈ થયું તે વધુ સ્પષ્ટ સંકેત આપે છે. રાજીનામાંનાં કારણો પર ગંભીર ચર્ચા કરવાને બદલે પાર્ટી સાથે જોડાયેલા અનેક ચહેરાઓએ તરત જ તેમની વિરુદ્ધ માહોલ બનાવવાનું શરૂ કરી દીધું. સવાલ એ નહોતો કે તેમણે કેમ પાર્ટી છોડી, પરંતુ તેમને ‘ખોટા’ સાબિત કઈ રીતે કરી શકાય એના પર મહેનત કરવા પર ઉતરી આવ્યા હતા. આ જ તે ટેમ્પ્લેટ છે- નેતા જો લાઇનમાં હોય તો ‘ઈમાનદાર ક્રાંતિકારી’ અને જેવો સવાલ ઉઠાવે એટલે ‘સંદિગ્ધ’, ‘ભટકેલો’ અથવા ‘સ્વાર્થી’.

જો કોઈ એવું માને છે કે આ બધું માત્ર એક-બે ઘટનાઓ સુધી મર્યાદિત છે તો ઇતિહાસમાં એક ડોકિયું કરવું ખોટું નથી. સ્વાતિ માલીવાલ સાથે થયેલો વિવાદ હોય કે કુમાર વિશ્વાસનું પાર્ટીથી અલગ થવું, દર વખતે એક જ પેટર્ન દેખાય છે. પહેલા અસંમતિ, પછી અંતર અને અંતે જાહેરસ્તરે તે વ્યક્તિની છબી પર સવાલ અને રીતસર ચરિત્રહનન. કુમાર વિશ્વાસના કેસમાં તો આ વધુ સ્પષ્ટ દેખાયું હતું કે કેવી રીતે એક સમયના સૌથી મુખ્ય ચહેરાઓમાંથી એકને ધીમેધીમે હાશિયે ધકેલવામાં આવ્યો અને પછી તેની વિરુદ્ધ નેરેટિવ સેટ કરવામાં આવ્યા.

‘નવી રાજનીતિ’ કે ‘એક લાઇનવાળી રાજનીતિ’?

AAP પોતાને પરંપરાગત રાજનીતિથી અલગ બતાવે છે, પરંતુ તેની અંદરનું વર્તન અનેક અર્થમાં એ જ ‘હાઈ-કમાન્ડ કલ્ચર’ને પ્રતિબિંબિત કરે છે, જેની તે આલોચના કરતી આવી છે. અહીં સવાલ માત્ર રાઘવ ચઢ્ઢાનો નથી. સવાલ એ વિચારધારાનો છે, જેમાં અસંમતિને ‘સુધારવાની’ વસ્તુ નહીં, પરંતુ ‘ખતમ કરવાની’ વસ્તુ માનવામાં આવે છે. શું એક રાજકીય પાર્ટી, જે લોકતંત્રની વાત કરે છે, પોતાની અંદર લોકતાંત્રિક સંવાદ માટે જગ્યા ન બનાવી શકે? અથવા પછી ‘આમ આદમી’ની પાર્ટીમાં પણ અંતે એ જ થાય છે, જે ‘ઉપર’થી નક્કી થાય છે? 

ગુજરાતમાં કોઈ ઇટાલિયાથી વધુ લોકપ્રિય થઈ જાય તો તે માણસ ફેંકાય જાય છે અને રાષ્ટ્રીય સ્તરે કોઈ કેજરીવાલ કરતાં વધુ લોકપ્રિય થવા માંડે કે તેને પણ પકડીને પાડી દેવામાં આવે છે. આવું AAPમાં આજકાલનું નહીં પણ વર્ષોથી થતું આવ્યું છે. એ જ પરંપરા હવે તો પરાકાષ્ઠાએ પહોંચી ચૂકી છે.

રાઘવ ચઢ્ઢા વિવાદ કોઈ અલગ ઘટના નથી. આ તે લાંબી શૃંખલાની વધુ એક કડી છે, જેમાં AAPની અંદર અસંમતિ રાખનારાઓને કાં તો ચૂપ કરાવવામાં આવ્યા છે અથવા તેમની છબી પર હુમલો કરીને તેમને નબળા પાડી દેવામાં આવ્યા છે. દિલ્હી હોય કે ગુજરાત- પેટર્ન એક જ છે. અસંમતિ દર્શાવો અને તૈયાર રહો અપમાન અને ચારિત્ર્યહનન માટે. અને આ જ સવાલ હવે વધુ તીવ્રતાથી ઊઠે છે કે શું AAP વાસ્તવમાં ‘આમ આદમી’ની પાર્ટી છે કે પછી આ માત્ર એવી વ્યવસ્થા છે જ્યાં ‘આમ’ને પણ એ જ બોલવું પડે છે, જે ‘આદેશ’ હોય?

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં