પીએમ મોદી અને RSS પર અભદ્ર કાર્ટૂન બનાવીને વિવાદમાં આવેલા ‘કાર્ટૂનિસ્ટ’ હેમંત માલવીયને સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી છે. સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યા છે કે, 10 દિવસમાં માલવીય પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટસ્ પર આ બાબતે માફી માંગે. જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ એનવી અંજારિયાની બેન્ચ માલવીયની અરજી પર સુનાવણી કરી રહી હતી. તે દરમિયાન જ સુપ્રીમ કોર્ટે આ નિર્દેશ આપ્યા હતા.
કોર્ટે આ ટિપ્પણી માલવીયની આગોતરા જામીનની અરજી પર સુનાવણી કરતા સમયે કરી હતી. ગયા મહિને જ, એટલે કે, જુલાઈમાં સુપ્રીમ કોર્ટે તેને ધરપકડ સામે રક્ષણ આપ્યું હતું. જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ અંજારિયાએ કહ્યું છે કે, “અમારું ધ્યાન 16 ઑગસ્ટની એક એફિડેવિટ પર ગયું છે, જેમાં અરજદારે માફી માંગી છે. અમને ભરોસો છે કે, આ માફી કલમથી નહીં, પણ હ્રદયથી માંગવામાં આવી હશે.” ત્યારબાદ કોર્ટે માલવીયને 10 દિવસમાં તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર માફી માંગવાનો આદેશ આપ્યો છે.
માલવીય તરફથી હાજર રહેલા વકીલ વૃંદા ગ્રોવરે કહ્યું કે, અરજદારે પોતાના માફીનામાંમાં કહ્યું છે કે, પોસ્ટનો હેતુ કોઈ સંગઠન કે વ્યક્તિની ભાવનાને ઠેસ પહોંચાડવાનો નહોતો. વધુમાં વકીલે એવું પણ કહ્યું હતું કે, તે વિવાદિત પોસ્ટ સોશિયલ મીડિયા પરના તમામ પ્લેટફોર્મ પરથી હટાવી પણ દેવાશે. જોકે, મધ્ય પ્રદેશ રાજ્યે આ મામલે વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે, તે પોસ્ટ તપાસનો વિષય છે, તેથી તેને હટાવી શકાય નહીં. મધ્ય પ્રદેશ પોલીસ તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ કેએમ નટરાજે કોર્ટમાં આ દલીલ કરી હતી.
નટરાજે કોર્ટને કહ્યું કે, તપાસ પૂરી ન થાય ત્યાં સુધી પોસ્ટને ન હટાવવા માટેના નિર્દેશ આપવામાં આવવા જોઈએ. વધુમાં તેમણે કોર્ટને એવું પણ કહ્યું કે, માલવીય તપાસમાં સહયોગ કરે તે પણ અનિવાર્ય છે. જોકે, કોર્ટે પણ કહ્યું છે કે, જ્યાં સુધી આ મામલાની તપાસ ચાલી રહી છે, ત્યાં સુધી પોસ્ટ ડિલીટ કરવામાં આવી શકશે નહીં અને તપાસમાં અરજદાર પૂર્ણ સહયોગ આપે. કોર્ટે માફીનામું પ્રકાશિત કરવાની બાબતે ધ્યાન રાખવાનું કહ્યું છે અને વધુ સુનાવણી 10 દિવસ બાદ કરવાનું જણાવ્યું છે.
શું છે કેસ?
મધ્ય પ્રદેશ પોલીસે આ વર્ષ મે મહિનામાં વકીલ અને RSSના સ્વયંસેવક વિનય જોશીની ફરિયાદ પર માલવીય વિરુદ્ધ તપાસ શરૂ કરી હતી. જોશીએ દાવો કર્યો હતો કે, ફેસબુક પર પોસ્ટ કરવામાં આવેલું માલવીયનું કાર્ટૂન ‘વાંધાજનક’, ‘અશ્લીલ’ અને ‘અશિસ્ત’ હતું, જેનાથી હિંદુઓની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી છે અને RSSની છબીને પણ નુકસાન પહોંચ્યું છે.
ત્યારબાદ મધ્ય પ્રદેશ પોલીસે માલવીય વિરુદ્ધ BNSની કલમ 196, 299 અને 352 હેઠળ, સાંપ્રદાયિક સદભાવને નુકસાન પહોંચાડવા, ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા અને IT એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. તપાસ દરમિયાન પોલીસને માલવીયની અન્ય એક પોસ્ટ પણ મળી આવી હતી, જેમાં ન્યાયપાલિકાનું અપમાન કરવામાં આવ્યું હતું. કોર્ટે પણ આવી પોસ્ટને લઈને વાંધો ઉઠાવ્યો હતો.
આ પહેલાં મધ્ય પ્રદેશ હાઇકોર્ટે 3 જુલાઈના રોજ આરોપીની આગોતરા જામીનની અરજી ફગાવી દીધી હતી, જે બાદ તેણે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે ગયા મહિને જ તેની અરજી પર નોટિસ જારી કરીને કહ્યું હતું કે, “કાર્ટૂન ખૂબ ખરાબ હતું.” ત્યાં સુધી કે, સુપ્રીમ કોર્ટે પણ માલવીયને રાહત આપવાનો ઇનકાર કરી દીધો હતો.
ઉલ્લેખનીય છે કે, જે મામલે હેમંત માલવીય પર સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી હતી, તે કાર્ટૂનમાં તેણે RSS યુનિફોર્મ પહેરેલા એક માણસને વડાપ્રધાનના સામે ઝૂકતો બતાવ્યો છે. આ સાથે, પીએમ મોદીને ગળામાં સ્ટેથોસ્કોપ સાથે, હાથમાં ઇન્જેક્શન પકડેલા દર્શાવવામાં આવ્યા હતા. આ વાંધાજનક પોસ્ટ પર કેસ દાખલ થયો હતો. જે મામલે હેમંત માલવીયને કાયદા અનુસાર ત્રણ વર્ષની જેલ થવાની હતી. પરંતુ માલવીયએ સુપ્રીમ કોર્ટમાં જઈને જામીન અરજી દાખલ કરી હતી.


