Saturday, November 2, 2024
More
    હોમપેજગુજરાતસલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસના તાર જોડાયા સુરત સાથે: તાપીમાંથી 24...

    સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસના તાર જોડાયા સુરત સાથે: તાપીમાંથી 24 કલાકમાં મળી 2 પિસ્તોલ, 4 કાર્ટીઝ અને 1 મોબાઈલ, આરોપીઓએ ફેંક્યા હતા નદીમાં

    આરોપીઓ મુંબઈમાં ઘટનાને અંજામ આપ્યા બાદ સુરત આવ્યા હતા અને અહીંથી જ તેઓ ભુજ જવાના હતા. આ દરમિયાન આરોપીઓએ અનમોલ બિશ્નોઈને વિડીયો કોલ કર્યો હતો અને વાતચીત દરમિયાન જ તેમણે પિસ્તોલ તાપી નદીમાં ફેંકી દીધી હતી.

    - Advertisement -

    સલમાન ખાનના ઘર પર ફાયરિંગ મામલે મહારાષ્ટ્ર પોલીસ સખત તપાસ હાથ ધરી રહી છે. આ સાથે ગુજરાત પોલીસ પણ સહયોગ આપી રહી છે. એક્ટરના ઘર પર ફાયરિંગ કરનારા બંને આરોપીઓ ભુજથી ઝડપાયા હતા. પરંતુ હવે આ કેસના તાર સુરત સાથે જોડાયા છે. કારણ કે, આરોપીઓએ ભુજ જતાં સમયે સુરત આવીને તાપી નદીમાં પિસ્તોલ ફેંકી હતી. આ કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે બે દિવસથી સુરતમાં ધામા નાખ્યા છે. સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસને નદીમાંથી 24 કલાકમાં 2 પિસ્તોલ, 4 કાર્ટીઝ અને 1 મોબાઈલ મળી આવ્યા છે.

    સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસ મામલે સુરત સાથે તાર જોડાયા છે. આરોપીઓએ ભુજ જતાં પહેલાં અનેક વસ્તુઓ તાપી નદીમાં પધરાવી દીધી હતી. એક દિવસની શોધખોળમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને એક પિસ્તોલ મળી આવી હતી. જ્યારે હવે બીજા દિવસની તપાસમાં પણ એક પિસ્તોલ મળી આવી છે. સાથે 4 કાર્ટીઝ અને 1 મોબાઈલ પણ મળ્યો છે. આરોપીઓએ લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈને અહીંથી વિડીયો કોલ કર્યો હતો, જે બાદ તેમણે પિસ્તોલ અને મોબાઈલ તાપી નદીમાં ફેંકી દીધા હતા. બે બોટ અને બે મરજીવાની મદદથી તાપી નદીમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. મરજીવાને કેમેરા સાથે ઉતારવામાં આવ્યા હતા, જેનું મોનીટરીંગ બોર્ડ પરથી કરવામાં આવી રહ્યું હતું.

    આરોપીઓએ અનમોલ બિશ્નોઈ સાથે કરી હતી વાત

    આરોપીઓ મુંબઈમાં ઘટનાને અંજામ આપ્યા બાદ સુરત આવ્યા હતા અને અહીંથી જ તેઓ ભુજ જવાના હતા. તે પહેલાં તેમણે સુરતથી એક રિક્ષા કરી હતી અને રિક્ષા ચાલકને કોઈ અવાવરુ જગ્યા કે, જ્યાં કોઇની અવરજવર ના હોય અને તાપી નદી જોઈ શકાય, ત્યાં લઈને જવાનું કહ્યું હતું. રિક્ષા ચાલક બંનેને રેલવે ટ્રેક પાસે લઈને આવ્યો હતો. આ દરમિયાન આરોપીઓએ અનમોલ બિશ્નોઈને વિડીયો કોલ કર્યો હતો અને વાતચીત દરમિયાન જ તેમણે પિસ્તોલ તાપી નદીમાં ફેંકી દીધી હતી.

    - Advertisement -

    બોર્ડર રેન્જના IG ચિરાગ કોરડીયાએ જણાવ્યું કે, સલમાન ખાન કેસમાં આરોપીઓ કચ્છથી ઝડપાયા છે. જે કેસમાં મુંબઈ પોલીસ તપાસ કરી રહી છે, ગુજરાત પોલીસ પણ તેની સાથે સંપર્કમાં જ છે. હાલ સુધીની તપાસમાં એવું લાગી રહ્યું છે કે, આરોપીઓ કચ્છમાં છુપાવા માટે ગયા હતા અને અહીંના વિસ્તારમાં છુપાઈ શકાય તેવી કોઈ ટીપ મુંબઈથી મળી હોવાની શક્યતા છે. પૂછપરછ બાદ વધુ વિગતો મળી શકે તેમ છે.

    નોંધનીય છે કે, તાજેતરમાં જ મુંબઈના બાંદ્રા સ્થિત સલમાન ખાનના ઘર પર વહેલી સવારમાં બે આરોપીઓએ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ઘટના બાદ બંને નાસી ગયા હતા અને બે દિવસ બાદ બંનેની ભુજથી ધરપકડ કરવામાં આવી હતી. લૉરેન્સના ભાઈ અનમોલ બિશ્નોઈએ ઘટનાની જવાબદારી લીધી હતી અને તેનાથી સ્પષ્ટ થાય છે કે, આ ઘટના પાછળ લૉરેન્સ બિશ્નોઈ ગેંગનો હાથ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં