ઓડિશાના બાલાસોરથી (Balasor Odisha) ભાજપના વરિષ્ઠ સાંસદ પ્રતાપ ચંદ્ર સારંગીએ (MP Pratap Chandra Sarangi) ધક્કો મારીને જમીન પર પાડી દેવા અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કરવા બદલ રાહુલ ગાંધીની (Rahul Gandhi) ફરી ટીકા કરી છે. પ્રતાપ સારંગીએ કહ્યું છે કે, રાહુલ ગાંધી એક સંસદસભ્ય કે નેતા પ્રતિપક્ષ તરીકે નહીં, પરંતુ એક બાઉન્સરની જેમ વ્યવહાર કરી રહ્યા હતા. તેમનું આ નિવેદન સંસદ પરિસરમાં ઘાયલ થયાના 10 દિવસ બાદ સામે આવ્યું છે. હાલ તેમને દવાખાનેથી રજા આપવામાં અવી છે.
પ્રતાપ ચંદ્ર સારંગીએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીએ ધક્કો મારીને પાડી દીધા બાદ તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જયારે તેઓ પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા, ત્યારે પણ તેમની જમણી આંખથી સાવ નજીક ઈજાના નિશાન જોવા મળ્યા. તેમણે પત્રકારોને પોતે સ્વસ્થ હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, “28 તારીખે મને રજા મળી ગઈ છે, પરંતુ માથાની ઈજા સંપૂર્ણ સારી નથી થઈ. તબીબોએ હજુ પણ સતર્ક રહેવાની સલાહ આપી છે.”
ફરી એક વાર રાહુલ ગાંધી પર ધક્કામુક્કી કરવાનો આરોપ લગાવીને પ્રતાપ સારંગીએ કહ્યું કે, રાહુલ ગાંધી એક સંસદસભ્ય કે નેતા પ્રતિપક્ષ તરીકે નહીં, પરંતુ એક બાઉન્સરની જેમ વ્યવહાર કરી રહ્યા હતા. તેમણે કહ્યું, “ઘટનાના દિવસે અમે ભાજપના સાંસદો સંસદ પરિસરમાં ગેટની સાઈડમાં ઉભા રહીને આંબેડકરના અપમાન વિરુદ્ધ શાંતિથી પ્રદર્શન કરી રહ્યા હતા. તેવામાં રાહુલ ગાંધીએ તેમના નેતાઓ સાથે ત્યાં આવીને ધક્કામુક્કી કરી નાખી.”
Sansad Assaultgate || #PratapSarangi, BJP MP, who was injured during the Parliament scuffle, speaks out:
— TIMES NOW (@TimesNow) December 31, 2024
Pratap Sarangi says: "We were peacefully staging a protest. Rahul Gandhi came, started pushing others & moved ahead… none of the BJP MPs had blocked him. There was… pic.twitter.com/7a5RXKcQeV
જગ્યા હોવા છતાં જાણીજોઈને સંઘર્ષમાં ઉતરવા અમારા તરફ ધસી આવ્યા રાહુલ
તેમણે કહ્યું, “વાસ્તવમાં ત્યાં રાહુલ ગાંધી અને તેમનો નેતાઓનો કાફલો સરળતાથી નીકળી જાય એટલી જગ્યા હતી. પણ તેમણે જોયું કે, અમે તેમને સંઘર્ષ વગર જ જવા દેવા જગ્યા આપી છે, તેમણે સામેથી સંઘર્ષ શરૂ કર્યો. તેઓ ખાલી જગ્યામાંથી જઈ શકતા હતા, પરંતુ તેઓ જાણીજોઈને અમારા તરફ ધસી આવ્યા. આ વસ્તુ CCTV ફૂટેજમાં પણ જોઈ શકાય છે. તેવામાં તેમણે અમારા સાંસદ મુકેશ રાજપૂતને ધક્કો માર્યો. તેઓનું શરીર થોડું ભારે છે, જેથી તેઓ બેલેન્સ ન રાખી શક્યા અને મારા પર પડ્યા.”
તેમણે વધુમાં કહ્યું કે,”મુકેશ રાજપૂત મારા પર પડ્યા એટલે હું પણ જમીન પર પડી ગયો. મારું માથું દરવાજા પાસેના પગથીયા કે પથ્થરના ખૂણા સાથે અથડાયું. તબીબોએ મારો ઘાવ જોઇને આશ્ચર્ય દર્શાવ્યું કે, હું બચી કેવી રીતે ગયો. તેમણે કહ્યું કે, તમારી આંખ કેવી રીતે બચી? હું સીધો પડ્યો હોત તો કોમામાં જઈ શકતો હતો અથવા તો મોતને પણ ભેટી શક્તો હતો. હવે હું એકદમ સ્વસ્થ છું. થોડી કાળજી રાખવા તબીબોએ જણાવ્યું છે. ભગવાન જગન્નાથના આશીર્વાદથી એકદમ સ્વસ્થ થઈ ગયો છું.”
શું હતી આખી ઘટના
સંસદ ભવનમાં ડૉ. આંબેડકર મુદ્દે ચાલતા વિવાદ અને તેમાં વિપક્ષી સાંસદોના પ્રદર્શન વચ્ચે ભારતીય જનતા પાર્ટી સાંસદ અને પૂર્વ મંત્રી પ્રતાપ સારંગીને ઈજા પહોંચી હતી. તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર ધક્કો મારવાનો આરોપ લગાવ્યો હતો. અન્ય એક ભાજપ સાંસદ મુકેશ રાજપૂતને પણ ઈજા પહોંચતા તેમને પણ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બાદ વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ FIR દાખલ કરાવી હતી.
ભાજપના વરિષ્ઠ સાંસદ પ્રતાપ ચંદ્ર સારંગીએ રાહુલ ગાંધી પર આરોપ લગાવ્યો હતો કે, તેઓ ઊભા હતા અને તેમની બાજુમાં અન્ય એક સાંસદ હતા. રાહુલ ગાંધીએ આ સાંસદને ધક્કો મારવાથી તેઓ તેમની ઉપર પડ્યા હતા, જેના કારણે પોતે પણ ફસડાઈ પડ્યા હતા. આ મામલે RML હોસ્પિટલના તબીબે પણ કહ્યું હતું કે, પ્રતાપ સારંગીની ઉમર ખૂબ છે અને આ ઉમરે તેમને માથામાં ઈજા ચિંતાજનક છે. હેમાંગ જોશીની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરુદ્ધ હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ફરિયાદ લેવાની માંગ કરવામાં આવી હતી, પરંતુ પોલીસે ‘હત્યાના પ્રયાસ’ની કલમ હટાવીને રાહુલ ગાંધી વિરુદ્ધ BNSની કલમ 117,125, 131,3(5) મુજબ FIR નોંધી છે. આ કેસની તપાસ દિલ્હી ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી.