રાજકોટમાં વધુ એક બળાત્કારનો મામલો સામે આવ્યો છે. મુસ્લિમ આરોપીએ 16 વર્ષીય સગીરાને સોશિયલ મીડિયાના માધ્યમથી ફસાવી હતી. હિંદુ સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેનું અપહરણ કરી વારંવાર બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ રાજકોટ પોલીસને મળી છે. આ મામલે રાજકોટના A-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં FIR નોંધાઈ હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી આગામી કાર્યવાહી શરૂ કરી છે.
અહેવાલ અનુસાર આરોપી રાજકોટના જંગલેશ્વર વિસ્તારનો રહેવાસી છે. તેની ઓળખ ઈમરાન અસગર કાદરી (22 વર્ષ) તરીકે કરવામાં આવી છે. સામે આવ્યું છે કે આરોપીએ સગીરાનો સંપર્ક ઇન્સ્ટાગ્રામના માધ્યમથી કર્યો હતો. ત્યારપછી બંને વચ્ચે વાતચીત વધી અને પ્રેમસંબંધ બંધાયો હતો. થોડા દિવસો પહેલાં 16 વર્ષીય સગીરા તેના માનેલા ભાઈના ઘરે રાજકોટ આવી હતી.
રાજકોટમાં સગીરાના માનેલા ભાઈની 8 મહિનાની પુત્રીને ઝનાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ દરમિયાન સગીરા ભાભીને મદદ કરવા માટે જેતપુરથી રાજકોટ આવી હતી. સગીરા રાજકોટ આવ્યાની જાણ આરોપીને થતા તેણે ઝનાના હોસ્પિટલથી જ સગીરાનું અપહરણ કરી લીધું હતું. આરોપી સગીરાને જંગલેશ્વર વિસ્તારમાં લઈ ગયો હતો.
ત્યાં તેણે સગીરા પર બળાત્કાર ગુજાર્યાનો આરોપ છે અને બાદમાં તે તેને હોસ્પિટલ છોડીને નાસી ગયો હતો . તેણે સગીરા પર વારંવાર બળાત્કાર ગુજાર્યો હોવાનો આરોપ છ. ત્યારપછી જ્યારે સગીરા ઘરે ગઈ ત્યારે તેની માતાને સમગ્ર ઘટના વિશેની જાણ થઈ હતી. ત્યારપછી માતાએ પૂછતા સગીરાએ સમગ્ર હકીકત જણાવી હતી. ઘટનાની જાણ થતા સગીરાની માતાએ રાજકોટના A-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસ મથકમાં પોક્સો, બળાત્કાર અને અપહરણની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. PI બી.વી. બોરીસાગરની રાહબરી હેઠળ પીએસઆઇ એસ.એમ.રાણા તથા ટીમે આરોપી ઈમરાન અસગરભાઇ કાદરીને (ઉ.વ 22) ઝડપી લીધો હતો. પોલીસે જણાવ્યા અનુસાર ઈમરાન વાહન સિઝીંગનું કામ કરે છે અને કુંવારો છે.
આ મામલે વધુ માહિતી મેળવવા ઑપઇન્ડિયાએ A-ડિવિઝન પોલીસ સ્ટેશનના PI બોરીસાગરનો સંપર્ક કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, “ફરિયાદ થઈ એ જ દિવસે રાત્રે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી અને સગીરાના મેડિકલ સેમ્પલ લઈ તેની તપાસ કરવામાં આવી હતી. 12 સપ્ટેમ્બરે આરોપીને પોક્સો કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરી દેવામાં આવ્યો છે.”


