ચંદીગઢની CBI સ્પેશિયલ કોર્ટે 17 વર્ષ જૂના એક ભ્રષ્ટાચારના કેસમાં નિવૃત્ત ન્યાયાધીશ નિર્મલ યાદવને નિર્દોષ મુક્ત કર્યાં છે. વર્ષ 2008માં નિર્મલ યાદવ પંજાબ-હરિયાણા હાઇકોર્ટમાં જજ હતાં ત્યારે કેસ બન્યો હતો. ત્યારબાદ FIR દાખલ થઈ અને રાષ્ટ્રપતિની મંજૂરી બાદ જજ સામે તપાસ શરૂ કરવામાં આવી. મામલાની તપાસ CBI કરી રહી હતી.
27 માર્ચના રોજ કોર્ટે સુનાવણી પૂર્ણ કરીને ચુકાદો અનામત રાખ્યો હતો. આખરે 29 માર્ચના રોજ કોર્ટે ચુકાદો આપ્યો અને જજ અને અન્ય તમામ આરોપીઓને નિર્દોષ છોડ્યા. હાલ વિગતવાર આદેશની નકલની રાહ જોવામાં આવી રહી છે.
‘કેશ એટ જજીસ ડોર’ નામથી બહુચર્ચિત આ કેસ વર્ષ 2008માં બન્યો હતો. જ્યારે પંજાબ-હરિયાણા હાઇકોર્ટનાં એક ન્યાયાધીશના ઘરે ₹15 લાખ રોકડા ભરેલું પેકેટ પહોંચાડવામાં આવ્યું હતું. ત્યારબાદ જાણવા મળ્યું કે આ પેકેટ વાસ્તવમાં બીજાં એક જજના ઘરે મોકલવાનું હતું, પરંતુ સમાન નામના કારણે ગડબડ થઈ હતી. ત્યારબાદ આ મામલે FIR દાખલ કરીને કેસ CBIને સોંપવામાં આવ્યો હતો.
વિગતે જોઈએ તો– 13 ઑગસ્ટ, 2008ના રોજ પંજાબ-હરિયાણા હાઇકોર્ટનાં એક ન્યાયાધીશ નિર્મલ કૌરના નિવાસસ્થાને ₹15 લાખ રોકડા સાથે એક પેકેટ પહોંચાડવામાં આવ્યું હતું. જ્યારે પેકેટ ખોલીને જોવામાં આવ્યું તો તેમાંથી રોકડા પૈસા નીકળ્યા. જેથી તરત જસ્ટિસ કૌરે તેમના ક્લાર્કને કહીને કોણ પેકેટ આપી ગયું છે તેમ પૂછીને પકડવા માટે કહ્યું, પણ તે સફળ ન થયો. ત્યારબાદ તેમણે તરત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશને જાણ કરી અને પોલીસને પણ કહેવામાં આવ્યું.
#BREAKING
— Live Law (@LiveLawIndia) March 29, 2025
CBI Court ACQUITS #JusticeNirmalYadav in corruption case
She was accused of receiving ₹15 Lakh cash while serving as a Judge of Punjab & Haryana HC in 2008#CashAtJudgesDoorCase https://t.co/cAa94s5x4t
જોકે પછીથી ખબર પડી કે પૈસા હરિયાણા પૂર્વ એડિશનલ એડવોકેટ જનરલ સંજીવ બંસલ દ્વારા પહોંચાડવામાં આવ્યા હતા. પરંતુ વાસ્તવમાં એ પૈસા જસ્ટિસ નિર્મલ કૌર નહીં પણ નિર્મલ યાદવના ઘરે પહોંચાડવાના હતા, જેઓ પણ પંજાબ-હરિયાણા હાઇકોર્ટમાં જ જજ હતાં, પરંતુ સમાન નામ હોવાના કારણે પેકેટ પહોંચાડવામાં ગડબડ થઈ હતી. પરંતુ ત્યાં સુધીમાં જસ્ટિસ કૌર, જેમના ઘરે પૈસા ભૂલથી પહોંચ્યા હતા, તેમણે પોલીસને જાણ કરી દીધી હતી.
આ મામલે પછીથી 16 ઑગસ્ટ, 2008ના રોજ FIR દાખલ કરવામાં આવી. આરોપ લગાવવામાં આવ્યો કે પૈસા જસ્ટિસ નિર્મલ યાદવને એક પ્રોપર્ટી ડીલના કેસ માટે લાંચ તરીકે પહોંચાડવામાં આવનાર હતા. આ કેસમાં જસ્ટિસ નિર્મલ યાદવ, પૂર્વ એડિશનલ એડવોકેટ જનરલ સંજીવ બંસલ, હરિયાણાના એક હોટેલિયર રવિન્દર સિંઘ, એક અન્ય ઉદ્યોગપતિ રાજીવ ગુપ્તા અને અન્ય એક વ્યક્તિને આરોપી બનાવવામાં આવ્યા.
કેસ નોંધાયાના દસ દિવસ બાદ તત્કાલીન પ્રશાસક જનરલ (નિવૃત્ત) એસએફ રોડગ્રિગ્સે મામલો CBIને મોકલી આપ્યો હતો. એજન્સીએ 28 ઑગસ્ટ, 2008ના રોજ નવી FIR દાખલ કરીને તપાસ શરૂ કરી. જાન્યુઆરી 2009માં એજન્સીએ જસ્ટિસ નિર્મલ યાદવ સામે કેસ ચલાવવા માટે પરવાનગી માંગી. નવેમ્બર 2010માં આ માંગ મંજૂર કરવામાં આવી. જેની સામે જસ્ટિસ યાદવે કોર્ટમાં અપીલ કરી, પરંતુ નિષ્ફળતા મળી. બીજી તરફ ફેબ્રુઆરી 2010માં જસ્ટિસ યાદવની બદલી ઉત્તરાખંડ હાઇકોર્ટમાં થઈ ગઈ હતી અને માર્ચ 2011માં તેઓ વયનિવૃત્ત થઈ ગયાં. આ તરફ કેસ ચાલુ રહ્યો.
જસ્ટિસ નિર્મલ યાદવે ત્યારબાદ હાઇકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને કેસ રદ કરવાની માંગણી કરી હતી. તેમની દલીલ હતી કે તેમની વિરુદ્ધ કોઈ પુરાવા નથી અને ટ્રાયલ કોર્ટને ચાર્જ ફ્રેમ કરવાથી અટકાવવામાં આવે. પરંતુ કોર્ટે તેમની દલીલો ન સ્વીકારી અને અરજી ફગાવી દેવામાં આવી. 2014માં સુપ્રીમ કોર્ટે ટ્રાયલ કોર્ટની કાર્યવાહી પર રોક લગાવવાની માંગ કરતી અરજી ફગાવી દીધી હતી. સાથે કોર્ટે એવું પણ અવલોકન કર્યું કે જસ્ટિસ યાદવ એક પછી એક અરજી દાખલ કરીને ટ્રાયલ કોર્ટની કાર્યવાહીમાં જાણીજોઈને વિલંબ કરાવી રહ્યાં છે.
શરૂઆતમાં આ કેસમાં CBIએ એક ક્લોઝર રિપોર્ટ પણ દાખલ કર્યો હતો, પરંતુ CBI કોર્ટે એ ન સ્વીકાર્યો અને નવેસરથી તપાસ કરવાનો આદેશ આપ્યો. ત્યારબાદ એજન્સીએ આરોપીઓ વિરુદ્ધ 2011માં ચાર્જશીટ રજૂ કરી હતી. 2014માં આખરે સ્પેશિયલ કોર્ટે આરોપીઓ સામે પ્રિવેન્શન ઑફ કરપ્શન એક્ટ અને IPCની કલમ 120-B સહિતની કલમો હેઠળ આરોપો ઘડ્યા અને કેસ આગળ ચલાવ્યો.
ટ્રાયલ દરમિયાન પ્રોસિક્યુશને 84 સાક્ષીઓ રજૂ કર્યા હતા, પણ 69ની જ ઉલટતપાસ કરવામાં આવી. આ વર્ષે ફેબ્રુઆરીમાં હાઇકોર્ટે એજન્સીને વધુ 10 સાક્ષીઓની ઉલટતપાસ કરવાની પરવાનગી આપી અને સાથે ટ્રાયલ કોર્ટને આદેશ આપ્યો કે બિનજરૂરી કારણોસર સુનાવણી પાછળ ઠેલાતી ન રહે એ સુનિશ્ચિત કરવામાં આવે.
17 વર્ષ બાદ આ મામલે 27 માર્ચે ચુકાદો આપવામાં આવ્યો અને જજ સહિત તમામ આરોપીઓને નિર્દોષ મુક્ત કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે એક મુખ્ય આરોપી સંજીવ બંસલનું 2017માં મોત થયું હતું, જેથી તેમની ઉપરના આરોપો ત્યારે જ દૂર કરાયા હતા. બાકીના હવે છૂટ્યા છે.