PNB કૌભાંડના આરોપી 64 વર્ષીય મેહુલ ચોક્સીની (Mehul Choksi) બેલ્જિયમમાં (Belgium) ધરપકડ (Arrested) કરવામાં આવી હોવાના સમાચાર સામે આવ્યા છે. ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીની શનિવારે (12 એપ્રિલ, 2025) CBIના અનુરોધ પર બેલ્જિયમમાં ધરપકડ કરવામાં આવી હતી. તે હાલમાં જેલમાં છે. હીરા વેપારી મેહુલ ચોક્સી અને તેના ભત્રીજા નીરવ મોદી પર સરકારી માલિકીની પંજાબ નેશનલ બેંકમાંથી (PNB) લગભગ ₹13,500 કરોડની છેતરપિંડીનો આરોપ છે. ભારત તરફથી પ્રત્યાર્પણ (Extradition) અરજી દાખલ કર્યા બાદ તેની ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે.
CBIએ બેલ્જિયમના અધિકારીઓને ઔપચારિક પત્ર લખીને ચોક્સીની ધરપકડની માંગ કરી હતી. મુંબઈની એક કોર્ટ તરફથી 23 મે, 2018 અને 15 જૂન, 2021ના રોજ ચોક્સી વિરુદ્ધ વોરંટ જારી કરવામાં આવ્યા હતા. આ આધારે બેલ્જિયમ પોલીસે તેની ધરપકડ કરી છે. જોકે, ચોક્સીએ પ્રત્યાર્પણથી બચવા માટે બીમારીનો હવાલો આપ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, તે બ્લડ કેન્સરની સારવાર પણ કરાવી રહ્યો છે.
ભારત હવે મેહુલ ચોક્સીને બેલ્જિયમથી દેશમાં લાવવા માટે તેના પ્રત્યાર્પણની માંગ કરશે. ચોક્સી તેની પત્ની પ્રીતિ ચોક્સી સાથે બેલ્જિયમમાં રહેતો હતો. તેની પત્ની બેલ્જિયમની નાગરિક છે. મળતી માહિતી મુજબ, ચોક્સીએ બેલ્જિયમમાં રહેવા માટે નકલી સર્ટિફિકેટનો ઉપયોગ કર્યો હતો, જેથી ભારત લાવવાથી તે બચી શકે. ભારત ઉપરાંત, તેણે એન્ટિગુઆ અને બારબુડાની નાગરિકતાની વાત પણ કરી નહોતી.
હજારો કરોડના PNB કૌભાંડનો આરોપ
અગાઉ ભારતે મેહુલ ચોક્સીને એન્ટિગુઆ અને બારબુડાથી ભારત લાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે સારવારના નામે ભાગી ગયો હતો. નીરવ મોદી અને મેહુલ ચોક્સી જાન્યુઆરી 2018માં ભારતમાંથી ભાગી ગયા હતા. તેના થોડા દિવસો પછી પંજાબ નેશનલ બેંકમાં એક મોટું કૌભાંડ બહાર આવ્યું હતું.
બેલ્જિયમમાં તેની ધરપકડ બાદ ચોક્સીના વકીલે તેના સ્વાસ્થ્યના કારણોનો હવાલો આપ્યો છે. તેનું કહેવું છે કે, મેહુલ ચોક્સીની તબિયત ખૂબ જ ખરાબ છે તેથી તેને ક્યાંય લઈ જઈ શકાય તેમ નથી અને તેના બદલે તેને જામીન પર મુક્ત કરવો જોઈએ.
PNBના હજારો કરોડ રૂપિયાના કૌભાંડમાં નીરવ મોદી અને મેહુલ ચોક્સીના નામ મુખ્ય આરોપી તરીકે સામે આવ્યા છે. મેહુલ ચોક્સીનો ભત્રીજો નીરવ મોદી છે. નીરવ મોદી હાલમાં લંડનની જેલમાં બંધ છે અને ભારત પ્રત્યાર્પણ સામે લડવા માટે તે પ્રયાસો કરી રહ્યો છે.
આતંકવાદી તહવ્વુર રાણાના ભારત પ્રત્યાર્પણની સફળતા પછી મેહુલ ચોક્સીની ધરપકડને કેન્દ્રની મોટી સફળતા તરીકે જોવામાં આવી રહી છે. જો એજન્સીઓ ચોક્સીને ભારત લાવવામાં સફળ થાય છે, તો તે PNB કૌભાંડની તપાસમાં એક મહત્વપૂર્ણ પગલું હશે.