સંસદમાં બે દિવસથી બંધારણની 75મી વર્ષગાંઠ પર ચાલતી ચર્ચા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) શનિવારે (14 ડિસેમ્બર) સાંજે જવાબ આપ્યો હતો. વિસ્તૃત સંબોધનમાં તેમણે બંધારણ (Constitution) પર ચર્ચા કરી તો આ જ બંધારણમાં મનફાવે તેમ ફેરફારો કરીને સત્તાનો દુરુપયોગ કરનાર ગાંધી ખાનદાનને પણ આડેહાથ લીધું.
પૂર્વ વડાંપ્રધાન ઈન્દિરા ગાંધી પર પ્રહાર કરતાં પીએમ મોદીએ કહ્યું, “1971માં સુપ્રીમ કોર્ટનો એક નિર્ણય આવ્યો હતો, તે નિર્ણયને બંધારણમાં સંશોધન કરીને પલટાવી નાખવામાં આવ્યો. તેનાથી દેશની કોર્ટની પાંખ કાપી નાખવામાં આવી હતી અને ઠેરવ્યું હતું કે, સંસદ બંધારણના કોઈ પણ આર્ટિકલમાં જે મરજી પડે તે કરી શકે અને કોર્ટ એ તરફ જોઈ પણ ન શકે. કોર્ટના તમામ અધિકારીઓ છીનવી લેવામાં આવ્યા હતા. આ પાપ 1971માં તે સમયનાં વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીએ કર્યું હતું.”
તેમણે આગળ કહ્યું કે, “જ્યારે ઈન્દિરાજીની ચૂંટણીને કોર્ટે રદ કરી દીધી અને તેમને સાંસદપદ છોડવાની નોબત આવી તો તેમણે ગુસ્સામાં આવીને પોતાની ખુરશી બચાવવા માટે દેશ પર ઇમરજન્સી થોપી દીધી. ત્યારબાદ 1975માં જ 39મું સંશોધન કર્યું અને તેમાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, અધ્યક્ષ..આ તમામની ચૂંટણી વિરુદ્ધ કોઈ કોર્ટમાં જઈ જ ન શકે તેવી વ્યવસ્થા કરી.”
Speaking in the Lok Sabha.https://t.co/iSrP6pOV2p
— Narendra Modi (@narendramodi) December 14, 2024
આગળ પીએમ મોદીએ રાજીવ ગાંધી પર પ્રહાર કરતાં કહ્યું કે, “આ પરંપરા અહીં જ ન અટકી. જે પરંપરા નહેરુએ શરૂ કરી, જેને ઇન્દિરા ગાંધીએ આગળ વધારી હતી. ત્યારબાદ રાજીવ ગાંધીએ બંધારણને વધુ એક ઝટકો આપ્યો. ‘સૌને સમાનતા, સૌને ન્યાય’ એ ભાવનાને તેમણે ઠેસ પહોંચાડી.”
આગળ ‘શાહબાનો કેસ’નો ઉલ્લેખ કરીને પીએમ મોદીએ કહ્યું કે, “બંધારણની મૂળ ભાવના અનુસાર એક મહિલાને ન્યાય આપવાનું કામ દેશની સુપ્રીમ કોર્ટે કર્યું હતું. એક વૃદ્ધ મહિલાને તેનો હક મળ્યો હતો. પરંતુ તે સમયના વડાપ્રધાન રાજીવ ગાંધીએ સુપ્રીમ કોર્ટની ભાવના નકારી દીધી અને વૉટબેન્કની રાજનીતિ માટે બંધારણની ભાવનાને બલિ ચડાવી દીધી. તેમણે વૃદ્ધ મહિલાને સાથ આપવાના સ્થાને કટ્ટરપંથીઓનો સાથ આપ્યો. સંસદમાં કાયદો બનાવીને સુપ્રીમ કોર્ટના નિર્ણયને પલટાવી દેવામાં આવ્યો.”
નવી પેઢી પણ આ જ પ્રકારની ખિલવાડ કરવામાં લાગેલી: પીએમ
પીએમ મોદીએ કહ્યું કે, “બંધારણ સાથે ખિલવાડ કરવાનું લોહી તેમણે ચાખી લીધું હતું. હવે નવી પેઢી પણ આ જ ખિલવાડ કરવામાં લાગેલી છે.”
વડાપ્રધાને પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંઘના એક પુસ્તકનો ઉલ્લેખ કરીને કહ્યું, પૂર્વ પીએમએ કહ્યું છે કે, “મારે સ્વીકારવું પડશે કે પાર્ટી અધ્યક્ષ સત્તાના કેન્દ્ર છે. સરકાર પાર્ટી પ્રત્યે જવાબદેહ છે.” આગળ તેમણે કહ્યું, “ઇતિહાસમાં પહેલી વખત બંધારણને એવી ઠેસ પહોંચાડવામાં આવી કે, આ લોકોએ વડાપ્રધાનની ઉપર એક ગેરબંધારણીય અને જેણે કોઈ શપથ પણ લીધી ન હતી, એવી નેશનલ એડવાઇઝરી કાઉન્સિલ પીએમઓ ઉપર બેસાડી દીધી અને અઘોષિત દરજ્જો આપી દેવામાં આવ્યો.”
રાહુલ ગાંધી પર પ્રહાર કરતાં તેમણે કહ્યું કે, “વધુ એક પેઢી આગળ ચાલીએ તો…. ભારતના બંધારણ હેઠળ દેશની જનતા-જનાર્દન સરકાર ચૂંટે છે અને સરકારનો મુખિયા કેબિનેટ બનાવે છે. આ કેબિનેટે જે નિર્ણય કર્યો હતો તેને અહંકારી લોકોએ બંધારણનું અપમાન કરીને પત્રકારોની સામે ફાડી નાખ્યો હતો. બંધારણ સાથે દરેક તબક્કે ખિલવાડ કરવું એ તેમની આદત બની ગઈ છે.”
તેમણે આગળ કહ્યું, “દુર્ભાગ્ય જુઓ કે એક અહંકારી વ્યક્તિ કેબિનેટનો નિર્ણય ફાડી નાખે અને કેબિનેટ પોતાનો નિર્ણય બદલી દે, આ કઈ વ્યવસ્થા છે?” તેમણે ઉમેર્યું કે, “હું જે કાંઈ કહી રહ્યો છું તે બંધારણ સાથે શું થયું તે જ જણાવી રહ્યો છું, તે કરનારાં પાત્રોને હવે તકલીફ થતી હશે પણ આ મારા વિચારોને હું અભિવ્યક્ત કરી રહ્યો નથી.”
ઉલ્લેખનીય છે કે વર્ષ 2013માં મનમોહન સિંઘ સરકારનું એક બિલ રાહુલ ગાંધીએ જાહેરમાં ફાડી નાખ્યું હતું અને તેનો વિરોધ કર્યો હતો. પીએમ મોદીએ સંબોધનમાં આ જ ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો.