હોમપેજરાજકારણ‘મારી માતાને રાજકારણ સાથે લેવાદેવા નથી, છતાં તેમને કોંગ્રેસ-RJDના મંચ પરથી ગાળો...

‘મારી માતાને રાજકારણ સાથે લેવાદેવા નથી, છતાં તેમને કોંગ્રેસ-RJDના મંચ પરથી ગાળો અપાઈ’: પીએમ મોદીએ કહ્યું– સત્તાને વારસો સમજતા રાજકુમારો પુત્રની આ પીડા ન સમજી શકે

વડા પ્રધાને કહ્યું, “બિહારમાં આરજેડી-કોંગ્રેસના મંચ પરથી મારી માતા વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો. આ અપશબ્દોએ ફક્ત મારી માતાનું જ નહીં પરંતુ ભારતની દરેક માતા અને બહેનનું અપમાન કર્યું છે. હું જાણું છું કે આ સાંભળીને તમને પણ મારા જેટલું જ દુઃખ થયું હશે.”

- Advertisement -

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં રાષ્ટ્રીય જનતા દળ (RJD) અને કોંગ્રેસ પાર્ટીના મંચ પરથી તેમનાં સ્વર્ગસ્થ માતા વિશે બોલાયેલા અપશબ્દો અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે ઘટનાને દેશની દરેક મા, બેન અને દીકરી માટે અપમાનજનક ગણાવી અને કહ્યું કે જેટલી પીડા તેમને છે તેટલી જ પીડા બિહારના લોકોને પણ છે. પીએમ મોદીએ કોંગ્રેસ અને આરજેડી પર પણ નિશાન સાધ્યું હતું અને તેમના નેતાઓને પ્રશ્નો કર્યા હતા.

પીએમ મોદીએ 2 સપ્ટેમ્બરના રોજ બિહારમાં મહિલા ઉદ્યોગસાહસિકોને સરળ ભંડોળ પૂરું પાડવા માટે બિહાર રાજ્ય જીવિકા નિધિ ક્રેડિટ કોઓપરેટિવ યુનિયન લિમિટેડનું લૉન્ચિંગ કર્યું હતું. ત્યારપછી તેમણે લગભગ 20 લાખ જેટલી ઉદ્યોગસાહસિક મહિલાઓને વિડીયો કોન્ફરન્સ દ્વારા સંબોધન કર્યું હતું. આ દરમિયાન PM મોદીએ આ ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો.

તેમણે કહ્યું હતું કે, “બિહારમાં આરજેડી-કોંગ્રેસના મંચ પરથી મારી માતા વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો. આ અપશબ્દોએ ફક્ત મારી માતાનું જ નહીં પરંતુ ભારતની દરેક માતા અને બહેનનું અપમાન કર્યું છે. હું જાણું છું કે આ સાંભળીને તમને પણ મારા જેટલું જ દુઃખ થયું હશે.”

- Advertisement -

તેમણે આગળ કહ્યું કે, “મા બીમાર રહેતી પરંતુ સતત કામ કરતા રહી. તે અમારા માટે કપડાં સીવડાવવા માટે એક-એક પૈસો બચાવતી હતી. આપણા દેશમાં આવી કરોડો માતાઓ છે. માતાનો દરજ્જો દેવી-દેવતાઓ કરતાં પણ ઊંચો છે.” તેમણે કહ્યું કે માતાઓની ઈચ્છા હોય છે કે તેમના દીકરાઓ તેમની સેવા કરે પરંતુ મારી માતાએ મને ભારત માતાની સેવા કરવા માટે તૈયાર કર્યો છે.

તેમણે કહ્યું, “આપ સૌ જાણો છો કે મારી માતા હવે આ દુનિયામાં નથી. થોડા સમય પહેલાં 100 વર્ષ પૂર્ણ કર્યા પછી આપણને છોડીને ચાલી ગઈ. મારી માતા, જેમને રાજકારણ સાથે કોઈ લેવાદેવા નહોતી, તેમને RJD-કોંગ્રેસના મંચ પરથી ગંદી ગાળો આપવામાં આવી. આ પીડાદાયક અને દુઃખદ છે.”

તેમણે રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ પર પ્રહાર કરતા કહ્યું કે, “કોંગ્રેસ-આરજેડીના મંચ પર જે અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો તે ફક્ત મારી માતા માટે જ નહીં પરંતુ કરોડો માતાઓ અને બહેનો માટે હતો.”

તેમણે કહ્યું હતું કે, ”રાજવી પરિવારોમાં જન્મેલા આ રાજકુમારો ગરીબ માતાની તપસ્યા અને તેના પુત્રની પીડાને નહીં સમજી શકે. આ નામદાર લોકો ચાંદીની ચમચી સાથે જન્મ્યા છે. તેઓ માને છે કે દેશ અને બિહારની સત્તા તેમના પરિવારનો વારસો છે. તેઓ વિચારે છે કે તેમને ફક્ત ખુરશી મળવી જોઈએ. પરંતુ તમે, દેશના લોકોએ, એક ગરીબ માતાના મહેનતુ પુત્રને આશીર્વાદ આપ્યા અને તેને મુખ્ય સેવક બનાવ્યો. તેઓ આ પચાવી શકતા નથી… તેમણે મારા પર કરેલા અપમાનની યાદી ખૂબ લાંબી છે…”

PM મોદીએ આગળ કહ્યું કે, “માતા અંગે ગાળો બોલવાની માનસિકતા, બહેનો અંગે ગાળો બોલવાની માનસિકતા, સ્ત્રીઓને નબળી માને છે. આ માનસિકતા સ્ત્રીઓને શોષણ અને જુલમની વસ્તુ સમજે છે. તેથી જ્યારે પણ મહિલાવિરોધી માનસિકતા સત્તામાં આવી છે ત્યારે સૌથી વધુ તકલીફ માતાઓ, બહેનો અને દીકરીઓને થઈ છે. આરજેડીના સમયગાળા દરમિયાન બિહારમાં ગુના અને ગુનેગારોનું વર્ચસ્વ હતું. જ્યારે હત્યા, ખંડણી અને બળાત્કાર સામાન્ય હતાં આરજેડી સરકાર ખૂનીઓ અને બળાત્કારીઓને રક્ષણ આપતી હતી. તે આરજેડી શાસનનો ભોગ કોને લેવો પડતો હતો? બિહારની મહિલાઓને ભોગવવું પડતું હતું…”

વડા પ્રધાનએ કહ્યું, “હું બિહારના લોકોની સામે મારી માતાને અપશબ્દો બોલનારાઓને કહેવા માંગુ છું– એક વાર મોદી તમને માફ કરી શકે છે, પરંતુ બિહાર અને ભારતની ભૂમિએ ક્યારેય માતાનું અપમાન સહન કર્યું નથી.” તેમણે કહ્યું કે, “તેમણે મારા વિરુદ્ધ ઘણા અપશબ્દોનો ઉપયોગ કર્યો છે. ક્યારેક તે મને નીચ, ક્યારેક ગંદા ગટરના કીડા, ક્યારેક સાપ કહે છે અને હવે તે મને ‘તું’ કહેવા લાગ્યા છે.” નોંધનીય છે કે રાહુલ ગાંધીએ એક રેલી દરમિયાન PM મોદી માટે તું-તડાકવાળી ભાષાનો ઉપયોગ કર્યો હતો.

આ દરમિયાન તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, “…કોંગ્રેસ હંમેશા ગરીબ આદિવાસી પરિવારમાંથી આવતાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું અપમાન કરે છે. મહિલાઓ પ્રત્યેની નફરતની આ રાજનીતિ બંધ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. કેવા પ્રકારની ભાષાનો ઉપયોગ થઈ રહ્યો છે?… ભારતની ભૂમિએ માતાઓ પર દુર્વ્યવહાર કરનારાઓને ક્યારેય માફ કર્યા નથી.”

તેમણે કહ્યું કે, “આરજેડી અને કોંગ્રેસે છઠી મૈયાની માફી માંગવી જોઈએ… દરેક વ્યક્તિએ આરજેડી અને કોંગ્રેસ પાસેથી જવાબ માંગવો જોઈએ. દરેક શેરી અને વિસ્તારમાંથી એક જ અવાજ આવવો જોઈએ, ‘માતા અંગે ગાળો સહન કરવામાં નહીં આવે’… અમે આરજેડી અને કોંગ્રેસ દ્વારા કરવામાં આવતા અત્યાચારોને સહન નહીં કરીએ…’

શું હતી સમગ્ર ઘટના?

તાજેતરમાં જ બિહારમાં ચાલતી વોટર લિસ્ટ રિવિઝન પ્રક્રિયા SIRના વિરુદ્ધમાં રાહુલ ગાંધી દ્વારા યોજાયેલ કથિત વોટર અધિકાર યાત્રા દરમિયાન PM મોદી અને તેમનાં માતા અંગે અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. દરભંગામાં રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવની રેલી યોજાઈ હતી. આ દરમિયાન કોંગ્રેસના મંચ પરથી PM મોદી અને તેમની માતા અંગે અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો ગંદી ગાળો બોલવામાં આવી હતી. આ ઘટનાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.

જોકે, આ મામલે કોંગ્રેસે છેડો ફાડવાનો પ્રયાસ કર્યો હતો અને શરૂઆતમાં આ ઘટના ખોટી ગણાવી હતી. જોકે પછીથી રેલીનું આયોજન કરનાર યુથ કોંગ્રેસના નેતા મહોમ્મદ નૌશાદે એક વિડીયો જાહેર કરીને માફી માંગી હતી. જેનાથી સ્પષ્ટ થઈ ગયું હતું કે કોંગ્રેસના મંચ પરથી PM મોદી અને તેમની માતા અંગે અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પછીથી આ મામલે મોહમ્મદ રિઝવી નામના એક શખ્સની ધરપકડ કરવામાં આવી હતી, જેણે પીએમ અને તેમનાં માતાને ગાળો ભાંડી હતી.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં