Sunday, March 23, 2025
More
    હોમપેજદેશ'બાગેશ્વર ધામમાં ભજન, ભોજન અને નિરોગી જીવન પણ..': હૉસ્પિટલના શિલાન્યાસ બાદ બોલ્યા...

    ‘બાગેશ્વર ધામમાં ભજન, ભોજન અને નિરોગી જીવન પણ..’: હૉસ્પિટલના શિલાન્યાસ બાદ બોલ્યા પીએમ મોદી- ધર્મવિરોધી એજન્ડા બહુ ચલાવાયો, પણ ધીરેન્દ્ર શાસ્ત્રી એકતાનો મંત્ર લઈને ચાલતા રહ્યા

    PM મોદીએ કહ્યું કે, "આપણાં મંદિરો, આપણાં મઠો અને આપણાં ધામો એક તરફ પૂજન અને સાધનાના કેન્દ્ર રહ્યા છે અને બીજી તરફ વિજ્ઞાન અને સામાજિક ચિંતન તથા ચેતનાના પણ કેન્દ્ર રહ્યા છે. આપણાં ઋષિઓએ જ આપણને આયુર્વેદનું વિજ્ઞાન આપ્યું."

    - Advertisement -

    PM નરેન્દ્ર મોદી (PM Modi) મધ્ય પ્રદેશની પર છે. અહીં છતરપુરમાં તેમણે બાગેશ્વર ધામ મેડિકલ એન્ડ સાયન્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનો (Bageshwar Dham Medical and Science Research Institute) શિલાન્યાસ કાર્યો. તે પહેલાં તેમણે બાગેશ્વર બાલાજીના દર્શન કર્યા હતા અને પૂજા-આરતી પણ કરી હતી. દરમિયાન તેમની સાથે બાગેશ્વર ધામના પીઠાધીશ ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રી (Dhirendra Krishna Shastri) અને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ પણ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન મોદીએ ₹200 કરોડના ખર્ચે નિર્માણ પામનાર બાગેશ્વર ધામ કેન્સર હૉસ્પિટલનો શિલાન્યાસ કર્યો છે.

    PM મોદીએ શિલાન્યાસ બાદ કાર્યક્રમને પણ સંબોધિત કર્યો હતો. તેમની સાથે મંચ પર જગદગુરુ રામભદ્રાચાર્ય, ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રી અને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ ઉપસ્થિત હતા. PM મોદીએ ‘રામ રામ’ કહીને કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. સંબોધન દરમિયાન વડાપ્રધાને કહ્યું કે, “આજે મેં બાગેશ્વર ધામ મેડિકલ એન્ડ સાયન્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂડનું ભૂમિપૂજન કર્યું છે. હું આ પુનિત કાર્ય માટે ધીરેન્દ્ર શાસ્ત્રીજીને અભિનંદન આપું છું અને બુંદેલખંડના લોકોને શુભકામનાઓ આપું છું.”

    ‘ધીરેન્દ્ર શાસ્ત્રી એકતાના મંત્રને લઈને લોકોને જાગૃત કરતા રહ્યા’- PM

    તેમણે વધુમાં કહ્યું કે, “આજે આપણે જોઈએ છીએ કે, નેતાઓનો એક વર્ગ એવો છે, જે ધર્મની મજાક ઉડાવે છે, તેનો ઉપહાસ કરે છે અને સમાજને તોડવાનું કામ કરે છે. ઘણી વખત વિદેશી શક્તિઓ પણ આ લોકોનો સાથ આપીને દેશ અને ધર્મને નિર્બળ કરવાના પ્રયાસો કરતી દેખાય છે. હિંદુ આસ્થાથી નફરત કરનારા આ લોકો સદીઓથી કોઈને કોઈ વેશમાં રહેતા આવ્યા છે. ગુલામીની માનસિકતાથી ઘેરાયેલા લોકો આપણાં મત, માન્યતાઓ અને મંદિરો પર, આપણાં સંત, સંસ્કૃતિ અને સિદ્ધાંતો પર હુમલો કરતા રહે છે.”

    - Advertisement -

    વધુમાં PM મોદીએ કહ્યું કે, “આ લોકો આપણાં પર્વ, પરંપરાઓ અને પ્રથાઓને ગાળો આપે છે. જે ધર્મ, સંસ્કૃતિ સ્વભાવથી જ પ્રગતિશીલ છે. તેના પર કાદવ ઉછાળવાની આ લોકો હિંમત બતાવે છે. આપણાં સમાજનું વિભાજન કરવું, આપણી એકતાને તોડવી એ જ તેમનો એજન્ડા છે. આ માહોલમાં મારા નાના ભાઈ ધીરેન્દ્ર શાસ્ત્રી ઘણા સમયથી દેશમાં એકતાના મંત્રને લઈને લોકોને જાગૃત કરતા રહ્યા છે. હવે તેમણે સમાજ અને માનવતાના હિતમાં વધુ એક સંકલ્પ લીધો છે. તેમણે કેન્સર સંસ્થાનના નિર્માણનો નિર્ણય લીધો છે.”

    તેમણે કહ્યું કે, હવે બાગેશ્વર ધામમાં ભજન, ભોજન અને નીરોગી જીવન, એમ ત્રણેયનો આશીર્વાદ મળશે. તેમણે કહ્યું કે, “આપણાં મંદિરો, આપણાં મઠો અને આપણાં ધામો એક તરફ પૂજન અને સાધનાનાં કેન્દ્ર રહ્યાં છે અને બીજી તરફ વિજ્ઞાન અને સામાજિક ચિંતન તથા ચેતનાના પણ કેન્દ્ર રહ્યા છે. આપણાં ઋષિઓએ જ આપણને આયુર્વેદનું વિજ્ઞાન આપ્યું, આપણાં ઋષિઓએ જ આપણને યોગનું તે વિજ્ઞાન આપ્યું, જેનો ધ્વજ આજે આખી દુનિયામાં લહેરાય છે.”

    તેમણે કહ્યું કે, “આપણી તો માન્યતા જ એ છે કે, ‘પરહિત સરિસ ધર્મ નહીં ભાઈ’ અર્થાત- ‘બીજાની સેવા અને પીડાઓનું નિવારણ જ ધર્મ છે.’ તેથી નરમાં નારાયણ, જીવમાં શિવ… તેવા ભાવથી જીવમાત્રની સેવા, એ જ આપણી પરંપરા રહી છે. આજે આપણે જોઈએ છીએ કે, મહાકુંભની બધે જ ચર્ચા ચાલી રહી છે. હવ તે પૂર્ણતા તરફ છે. મહાકુંભ તરફ નજર કરીએ તો સહજ ભાવ નીકળી આવે છે કે, આ એકતાનો મહાકુંભ છે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં