હોમપેજદેશ‘અહેવાલો પરત લઈને માફી માંગો’: અમદાવાદ પ્લેન ક્રેશની ઘટના પરના રિપોર્ટિંગ બદલ...

‘અહેવાલો પરત લઈને માફી માંગો’: અમદાવાદ પ્લેન ક્રેશની ઘટના પરના રિપોર્ટિંગ બદલ રૉયટર્સ અને વૉલ સ્ટ્રીટ જર્નલને પાયલટ બોડીની નોટિસ

FIPએ WSJ અને રૉયટર્સને નોટિસ મોકલીને AAIB રિપોર્ટ પરના તેમના અહેવાલો પર પ્રશ્નો ઉઠાવતાં કહ્યું કે, તેમાં ઘણી અચોક્કસ અને ભ્રામક માહિતીઓ રજૂ કરવામાં આવી હતી, જેના કારણે એર ઇન્ડિયા અને તેના કર્મચારીઓની છબીને નુકસાન પહોંચ્યું છે.

- Advertisement -

‘અહેવાલો પરત લઈને માફી માંગો’: અમદાવાદ પ્લેન ક્રેશની ઘટના પરના રિપોર્ટિંગ બદલ રૉયટર્સ અને વૉલ સ્ટ્રીટ જર્નલને પાયલટ બોડીની નોટિસ

ભારતના પાયલોટના એક અગ્રણી સંગઠન ‘ફેડરેશન ઑફ ઈન્ડિયન પાયલટ્સે’ (FIP) વૉલ સ્ટ્રીટ જર્નલ અને રોયટર્સ જેવી વિદેશી આંતરરાષ્ટ્રીય મીડિયા સંસ્થાઓને કાનૂની નોટિસ ફટકારીને અમદાવાદ વિમાન દુર્ઘટનાના રિપોર્ટ પર ખોટા અને બદનામી કરતા અહેવાલો પરત લેવા માટે અને જાહેરમાં માફી માંગવા માટે જણાવ્યું છે. FIPએ મીડિયા સંસ્થાઓને ફટકારેલી નોટિસમાં આરોપ લગાવ્યો કે તેમણે અહેવાલોમાં એર ઇન્ડિયા અને તેના પાયલટ્સની પ્રતિષ્ઠાને નુકસાન થાય તે પ્રકારે રિપોર્ટિંગ કર્યું હતું અને તેની મદદથી હવે ભારતીય એવિએશન ઈન્ડસ્ટ્રીની વિશ્વસનીયત પર પ્રશ્નો ઊભા કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. 

12 જૂન, 2025ની એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના એક મહિના પછી તાજેતરમાં જ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલય સંલગ્ન એર એક્સિડેન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) દ્વારા ઘટનાની પ્રાથમિક તપાસનો એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો. આ રિપોર્ટની ચર્ચા પછીથી દુનિયાભરમાં થઈ અને દેશની અને વિદેશની મીડિયા સંસ્થાઓએ અહેવાલ પર રિપોર્ટિંગ કર્યું. પરંતુ મોટાભાગના વિદેશી મીડિયાના રિપોર્ટનો સાર કંઈક એવો નીકળતો હતો કે સમગ્ર ઘટનામાં બંને પાયલટની ભૂલ જવાબદાર છે અને વિમાનમાં કોઈ ટેકનિકલ ખામી ન હતી.

FIPએ WSJ અને રૉયટર્સને નોટિસ મોકલીને AAIB રિપોર્ટ પરના તેમના અહેવાલો પર પ્રશ્નો ઉઠાવતાં કહ્યું કે, તેમાં ઘણી અચોક્કસ અને ભ્રામક માહિતીઓ રજૂ કરવામાં આવી હતી, જેના કારણે એર ઇન્ડિયા અને તેના કર્મચારીઓની છબીને નુકસાન પહોંચ્યું છે. ઉપરાંત આ અહેવાલોથી ગેરસમજ ફેલાવાની પણ સંભાવના છે અને ભારતીય એવિએશન સેક્ટરની પ્રતિષ્ઠા વૈશ્વિક સ્તરે ખરડાઈ શકે છે.

- Advertisement -

ફેડરેશન ઓફ ઈન્ડિયન પાઈલટ્સે બંને મીડિયા સંસ્થાઓને નોટિસ મોકલીને માંગ કરી છે કે તેમણે તેમના અહેવાલોમાં રજૂ કરેલી ખોટી માહિતી માટે જાહેરમાં માફી માંગવી જોઈએ. આ સિવાય દુર્ઘટના અંગે પ્રકાશિત કથિત ખોટા અહેવાલોને તાત્કાલિક પાછા ખેંચવાની માંગ પણ કરવામાં આવી છે. FIPએ એમ પણ કહ્યું કે ભવિષ્યમાં આવા સંવેદનશીલ મુદ્દાઓ પર જવાબદારીપૂર્વક અને તથ્યો આધારિત રિપોર્ટિંગ કરવામાં આવે. માંગણીઓ પૂર્ણ ન કરવા પર કે યોગ્ય પ્રત્યુત્તર ન આપવા પર FIPએ ભવિષ્યમાં કાયદાકીય કાર્યવાહી કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.

દુર્ઘટનાની વિગતો અંગે હજુ સત્તાવાર તપાસ ચાલી રહી છે. દરમ્યાન, FIP નો દાવો છે કે મીડિયા સંસ્થાઓએ તપાસનાં અંતિમ પરિણામોની રાહ જોયા વિના અને પૂરતા પુરાવા વિના એવાં નિષ્કર્ષો રજૂ કર્યાં છે, જે સીધી કે આડકતરી રીતે પાયલટ્સ અને એરલાઈનની સુરક્ષા-સલામતી પ્રક્રિયાઓને ખોટી રીતે દોષી ઠેરવે છે. ભારતીય એવિએશન ઉદ્યોગ જ્યારે વૈશ્વિક સ્તરે પોતાની ઓળખ મજબૂત કરવા માટે પ્રયાસ કરી રહ્યો હોય ત્યારે આ પ્રકારના અહેવાલો નુકસાનકારક સાબિત થઈ શકે તેવી પણ દલીલો આપવામાં આવી હતી.

નોંધનીય છે કે જૂન 2025માં અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભરેલું એર ઇન્ડિયાનું એક વિમાન કેટલીક પળો બાદ મેઘાણીનગર વિસ્તારમાં ક્રેશ થઈ ગયું હતું. ત્યારપછી આ પ્લેન ક્રેશના કારણોની તપાસ ચાલી રહી હતી. પ્રાથમિક તપાસના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે વિમાનનાં બંને એન્જિનની ફ્યુઅલ સ્વિચ બંધ થઈ જવાના કારણે ઘટના બની હતી. જોકે આ પ્રાથમિક તારણ છે અને કેન્દ્રીય મંત્રી પણ કહી ચૂક્યા છે કે નિષ્કર્ષ પર પહોંચવા પહેલાં સંપૂર્ણ અને વિગતવાર અહેવાલની રાહ જોવી જોઈએ. પરંતુ મીડિયામાં રિપોર્ટિંગ એવું કરવામાં આવ્યું, જેનાથી પાયલટ્સ પર દોષ ઢોળાય.

રિપોર્ટમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે બેમાંથી એક પાયલટે બીજાને પૂછ્યું હતું કે તેમણે ફ્યુઅલ સ્વિચ કેમ બંધ કરી? પરંતુ બીજાએ નકારમાં જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે તેમણે તેવું કંઈ કર્યું નથી. હવે સ્વિચ બંધ થવા પાછળ કોઈ ટેકનિકલ ખામી હતી કે બીજું કોઈ કારણ એ તપાસનો વિષય છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં