સોમવારે (12 મે) રાત્રે 8 કલાકે PM મોદીએ (PM Modi) ઐતિહાસિક સંબોધન કર્યું હતું. દેશને સંબોધીને તેમણે ઑપરેશન સિંદૂરની સફળતાથી લઈને પાકિસ્તાનની યુદ્ધવિરામની (Ceasefire) વિનંતી સુધીનો ઘટનાક્રમ જણાવ્યો હતો. આ સાથે જ પાકિસ્તાનને (Pakistan) કડક ભાષામાં ચેતવણી પણ આપી હતી. તેમ છતાં તે જ રાત્રે પાકિસ્તાન પોતાની અવળચંડાઈ દેખાડ્યા વગર ન રહી શક્યું. પાકિસ્તાન સતત ત્રીજા દિવસે પણ યુદ્ધવિરામ ઉલ્લંઘન (Ceasefire violation) કર્યા વગર ન રહી શક્યું. તે વારંવાર ડ્રોન મોકલીને તે સાબિત કરી રહ્યું છે કે, તે ક્યારેય સુધરી શકે તેમ નથી. PM મોદીના સંબોધન બાદ જમ્મુ-કાશ્મીર અને પંજાબના ઘણા વિસ્તારોમાં પાકિસ્તાની ડ્રોન નજરે પડ્યા હતા.
સોમવારે રાત્રે લગભગ 9 વાગ્યે પાકિસ્તાને સતત ત્રીજા દિવસે યુદ્ધવિરામ ઉલ્લંઘન કર્યું હતું. જમ્મુ-કાશ્મીરના સાંબા, પંજાબના જાલંધર, પઠાણકોટ અને રાજસ્થાનના બાડમેરમાં પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા હતા. ભારતીય વાયુસેનાએ સાંબા અને પઠાણકોટમાં ડ્રોન તોડી પાડ્યા હતા. તે જ સમયે પંજાબના હોશિયારપુરમાં પણ વિસ્ફોટોના અવાજ સંભળાયા હતા. જોકે, ભારતની એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય હતી અને પાકિસ્તાનના તમામ ડ્રોન તોડી પડાયા હતા.
Suspected drones spotted along the International Border in Jammu's Samba are being engaged, says Indian Army. #JammuBorder #DroneAlert #IndianArmy https://t.co/iyuose2UIJ
— Mid Day (@mid_day) May 13, 2025
વિગતે વાત કરીએ તો સોમવારે સાંજના સમયે ભારત અને પાકિસ્તાનના DGMO વચ્ચે યુદ્ધવિરામને લઈને પ્રથમ વાતચીત થઈ હતી. જેમાં નક્કી થયું હતું કે, સરહદી વિસ્તારો અને અન્ય તમામ જગ્યાઓ પર કોઈ અવળચંડાઈ નહીં થાય અને યુદ્ધવિરામ ઉલ્લંઘન પણ નહીં થાય. બંને પક્ષોથી ગોળીઓ ન ચલાવવાને લઈને પણ સહમતી બની હતી. તેમ છતાં તે જ રાત્રે પાકિસ્તાને યુદ્ધવિરામ ઉલ્લંઘન કર્યું હતું.
હોશિયારપુરમાં સંભળાયા વિસ્ફોટ, અનેક જગ્યાએ દેખાયા પાકિસ્તાની ડ્રોન
12 મેના રોજ વડાપ્રધાન મોદીનું સંબોધન પૂર્ણ થયા બાદ જ પાકિસ્તાન અવળચંડાઈ પર ઉતરી આવ્યું હતું. રાત્રિના લગભગ 8 વાગ્યા આસપાસ જમ્મુ-કાશ્મીરના સાંબામાં ડ્રોન દેખાયા હોવાની પ્રથમ ઘટના બની હતી. ત્યારબાદ તો રાજસ્થાનના બાડમેર અને પંજાબના જાલંધર, હોશિયારપુર સહિત અનેક સ્થળોએ ડ્રોન દેખાયા હોવાની ઘટના સામે આવી હતી. એર ડિફેન્સ યુનિટે તાત્કાલિક તમામ ડ્રોન નષ્ટ પણ કરી દીધા હતા.
તેવામાં હોશિયારપુરના દસુહામાં વિસ્ફોટના અવાજ સંભળાયા હતા. હજુ વિગતે માહિતી સામે આવે તે પહેલાં જ ફરીથી 5 કે 7 વિસ્ફોટો સંભળાયા હોવાની ઘટનાઓ સામે આવી હતી. આ ઘટનાઓ બાદ હોશિયારપુરમાં સાયરન વાગ્યા હતા અને આખા જિલ્લામાં બ્લેકઆઉટ કરી દેવાયું હતું. રાતભર હોશિયારપુરમાં અંધારપટ છવાયો હતો. જોકે, સેના તરફથી સ્થિતિ સામાન્ય હોવાની વાત આવી હતી.
આ બધા ઘટનાક્રમ વચ્ચે જ રાત્રે 11 કલાકે સેના તરફથી સત્તાવાર માહિતી આપવામાં આવી હતી કે, હવે એકપણ ડ્રોન દેખાઈ રહ્યા નથી અને કોઈપણ પ્રકારની ગતિવિધિ થઈ રહી નથી. જોકે, LoC અને સરહદી વિસ્તારોમાં કોઈપણ પ્રકારના ફાયરિંગની ઘટનાઓ સામે નહોતી આવી. સેનાએ જણાવ્યું હતું કે, પરિસ્થિતિ સંપૂર્ણપણે શાંત અને નિયંત્રણમાં છે અને સેના સતત પરિસ્થિતિ પર નજર રાખી રહી છે.
ત્યારબાદ વહેલી સવાર સુધી કોઈપણ પ્રકારની હરકત કે ગતિવિધિ નોંધવામાં નહોતી આવતી. સવાર સુધીમાં તમામ વિસ્તારોમાં સંપૂર્ણ શાંતિ હતી અને રાબેતામુજબ કામ ચાલુ થઈ ગયા હતા. અમૃતસર, સાંબા, જાલંધર અને હોશિયારપુર સહિત બાડમેરમાં પણ સવાર થતાં જ લોકોની અવરજવર ચાલુ થઈ ગઈ હતી. તમામ જગ્યાએ પરિસ્થિતિ સામાન્ય હોવાનું સામે આવ્યું હતું.
નોંધવા જેવું છે કે, યુદ્ધવિરામ બાદ સતત ત્રીજા દિવસે પણ પાકિસ્તાન તરફથી અવળચંડાઈ કરવામાં આવી હતી અને યુદ્ધવિરામ ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. જોકે, ગોળીબાર કે અન્ય લશ્કરી હરકતો નહોતી થઈ, તેમ છતાં ડ્રોનથી ઘૂસણખોરી કરવાના પ્રયાસો થયા હતા. જે સેનાએ નાકામ કરી દીધા હતા. હાલ ત્રણેય સેના સંપૂર્ણપણે સક્રિય છે અને સ્થિતિ પર નજર રાખી રહી છે.