બાંગ્લાદેશના (Bangladesh) દિનાજપુર જિલ્લામાં (Dinajpur) હિંદુ સમુદાયના એક મોટા નેતાની (Hindu Leader) હત્યા (Murder) કરી નાખવામાં આવી હોવાના સમાચાર સામે આવ્યા છે. જાણવા મળી રહ્યું છે કે હિંદુ નેતાનું તેમના ઘરમાંથી જ અપહરણ કરી નાખવામાં આવ્યું હતું અને મારી-મારીને તેમની હત્યા કરી નાખવામાં આવી હતી. આ ઘટનાને લઈને મૃતકના પરિવારે ન્યાયની માંગણી કરી છે. આ સાથે જ બાંગ્લાદેશની પોલીસને હજુ સુધી આરોપીઓ વિશેની કોઈ માહિતી પણ મળી નથી.
બાંગ્લાદેશી દૈનિક ધ ડેઇલી સ્ટારે પોલીસ અને પરિવારના સભ્યોના હવાલેથી જણાવ્યું કે, ગુરુવારે (17 એપ્રિલ) ઢાકાથી લગભગ 330 કિલોમીટર ઉત્તર-પશ્ચિમ દિનાજપુરના બસુદેવપુર ગામના રહેવાસી 58 વર્ષીય ભાબેશ ચંદ્ર રૉયનું કેટલાક બાઇકસવાર ઉપદ્રવીઓએ ઘરેથી જ અપહરણ કરી લીધું હતું અને ત્યારબાદ તેમનો મૃતદેહ એક વાહન દ્વારા તેમના ઘરે પહોંચાડવામાં આવ્યો હતો. મૃતકના પત્નીએ જણાવ્યું છે કે, સાંજના સમયે તેમના પતિ પર એક ફોન આવ્યો હતો અને આરોપીઓએ તેઓ ઘરે જ છે તે બાબતની પુષ્ટિ કરી હતી.
વધુમાં મૃતકના પત્ની શાંતનાએ જણાવ્યું છે કે, “લગભગ 30 મિનિટ બાદ બાઇક લઈને 4 લોકો આવ્યા અને ભાબેશને ઘરેથી જ ઉઠાવીને લઈ ગયા. ત્યારબાદ તેમની સાથે નિર્દયતાથી મારપીટ કરવામાં આવી હતી અને એક વાહનમાં તેમને ઘરે પરત મોકલવામાં આવ્યા હતા ત્યારે તેઓ બેહોશ હતા અને પરિવારના સભ્યો દિનાજપુરના એક હૉસ્પિટલમાં તેમને લઈ ગયા હતા. જોકે, ડૉક્ટરોએ તેમને મૃત ઘોષિત કરી દીધા હતા.”
હિંદુ સમુદાયના મુખ્ય નેતા તરીકે કરતા હતા કામ
ભાબેશ ચંદ્ર રૉય બાંગ્લાદેશ પૂજા ઉડજાપાન પરિષદના બિરાલ વિભાગના ઉપાધ્યક્ષ અને વિસ્તારના હિંદુ સમુદાયના એક મોટા નેતા હતા. ડેઇલી સ્ટારે બિરાલ પોલીસ સ્ટેશનના હવાલેથી જણાવ્યું છે કે, પોલીસ અધિકારી અબ્દુલ સબૂરે કહ્યું છે કે, આ ઘટનાને લઈને ગુનો નોંધવાની તૈયારી કરવામાં આવી રહી છે. વધુમાં કહેવાયું છે કે, પોલીસને હજુ સુધી આરોપીઓ વિશેની કોઈ ભાળ નથી મળી અને હાલ પણ આરોપીઓની ઓળખ થઈ શકી નથી.
નોંધનીય છે કે, છેલ્લા ઘણા મહિનાઓથી બાંગ્લાદેશમાં હિંદુવિરોધી હિંસા ફરી વધતી જોવા મળી રહી છે. મોહમ્મદ યુનુસના નેતૃત્વવાળી નવી સરકાર આવ્યા બાદ હિંદુવિરોધી હિંસામાં પણ વધારો થયેલો જોવા મળ્યો છે. માનવાધિકાર સંગઠનોએ પણ લઘુમતીઓ પર થઈ રહેલી આ હિંસાઓને લઈને એક રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો અને બાંગ્લાદેશના લઘુમતીઓને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. રિપોર્ટમાં પણ અનેક ઘટનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
જેમાં હિંદુ મંદિરોમાં તોડફોડ, હિંદુઓની હત્યાઓ, મકાનો અને દુકાનોમાં આગ ચાંપીને કરાયેલી લૂંટફાટ અને દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરવા જેવા કિસ્સાઓનો સમાવેશ થાય છે. ભારતે પણ તાજેતરમાં જ મુર્શિદાબાદ હિંસાને લઈને બાંગ્લાદેશના ડહાપણનો જવાબ આપતી વખતે બાંગ્લાદેશના લઘુમતી સમુદાયોની રક્ષા પર ધ્યાન આપવાની સલાહ આપી હતી.


