વર્ષ 2022માં ભાજપના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માએ (Nupur Sharma) પ્રોફેટ મોહમ્મદ (Prophet Muhammad) અને આયેશાના નિકાહ વિશે વાત કરી હતી. આ તથ્ય આધારિત નિવેદનને લઈને પણ ભારતભરમાં તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો અને આ વિવાદમાં ઘણા હિંદુઓએ પોતાનો જીવ પણ ગુમાવ્યો હતો. જ્યારે નૂપુર શર્માના આ જ નિવેદનને હવે સાઉદી આરબના એક મૌલાનાએ પુનરાવર્તિત કર્યું છે. સાઉદી આરબ સ્થિત ઇસ્લામી મૌલાના અસીમ અલ-હકીમે કહ્યું છે કે, ઇસ્લામના અંતિમ પ્રોફેટ મોહમ્મદના નિકાહ પર શંકા કરનારા મુસ્લિમો ‘કાફિર’ છે.
સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા એક તારીખ વગરના વિડીયોમાં મૌલવી કહેતા સંભળાય છે કે, “અમેરિકા, કેનેડા, અને યુરોપના પશ્ચિમી લોકો સાથે આપણી સૌથી મોટી મુશ્કેલી એ છે કે, તેમની પાસે ઇસ્લામનો કોઈ સ્પષ્ટ પાયો નથી. તેમને બીજી તરફ વાળવા ખૂબ સરળ છે અને આ જ કારણ છે કે, તેમાંથી ઘણા શંકા કરે છે કે, શા માટે પયગંબરે આયેશા સાથે ત્યારે નિકાહ કર્યા હતા, જ્યારે તેઓ નવ વર્ષના હતા.”
Saudi cleric Sheikh Assim Al-Hakeem is saying what Nupur Sharma said about Prophet Mohammad & Ayesha. Nupur Sharma was hounded out & her life was threatened.
— Incognito (@Incognito_qfs) March 23, 2025
Sheikh further says "If you doubt the Prophet Mohammad for a second, you're a full fledged Kaffir…..You don't have to… pic.twitter.com/YVmrNHX3fF
અસીમ અલ-હકીમ ‘પશ્ચિમી મુસ્લિમો’ પર આ તથ્ય પર શંકા કરવા અને પ્રોફેટ મોહમ્મદના નિકાહ પર સવાલ ઉઠાવવાને લઈને ક્રોધિત જોવા મળી રહ્યા હતા. વિડીયોમાં તેઓ કહે છે કે, “જો તમને પ્રોફેટ પર શંકા છે અને એક સેકન્ડ માટે પણ તમે તેવું વિચારી રહ્યા છો તો તમે કાફિર છો. મારા ઘરેથી બહાર નીકળી જજો.” તેમણે પ્રોફેટ મોહમ્મદના નિકાહ પર શંકા કરતા મુસ્લિમોની મજાક પણ ઉડાવી હતી.
બાદમાં તેઓ વિડીયોમાં તેવું કહેતા પણ સંભળાય છે કે, “તમે કહો છો કે, મને નથી ખબર કે, પ્રોફેટે આયેશા સાથે ત્યારે કેમ નિકાહ કર્યા, જ્યારે તેઓ નવ વર્ષના હતા અને પ્રોફેટ પોતે 50 વર્ષના હતા. આ સારું નહીં લાગે. પરંતુ હું તેનો સ્વીકાર કરું છું.” તેમણે ભારપૂર્વક કહ્યું કે, “શું તમે ઇસ્લામના પ્રોફેટ વિશે ખોટું વિચારી શકો છો? શું તેઓ બાળ યૌન શોષણ કરનારા વ્યક્તિ હતા? અસ્તગફિરૂલ્લાહ. જો હું આવું વિચારું તો હું પણ કાફિર બની જઈશ.”
તે સિવાય 2016માં તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (તત્કાલીન ટ્વિટર) પર એક જૂની પોસ્ટમાં પણ કહ્યું હતું કે, આયેશા જ્યારે પયગંબર સાથે આવ્યા હતા ત્યારે તેમની ઉંમર 9 વર્ષની હતી. તેમણે અન્ય તમામ તપાસ અને સંદર્ભોનું ખંડન કર્યું હતું. વાસ્તવમાં તેમને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે, “આયેશા જ્યારે પ્રોફેટ સાથે આવ્યા હતા, ત્યારે તેમની ઉંમર લગભગ 17 વર્ષ હતી.” આ પ્રશ્નની સાથે તે વ્યક્તિએ સંદર્ભ અને તપાસ કરી હોવાનો દાવો કર્યો હતો, પરંતુ મૌલાનાએ તેનું ખંડન કર્યું હતું.

‘સહીહ અલ-બુખારી’માં પણ છે આયેશાના નિકાહ વિશેની માહિતી
વધુમાં મૌલાનાએ ‘સહીહ અલ-બુખારી‘નો હવાલો આપ્યો હતો અને કહ્યું હતું કે, તેમાં પણ આયેશાના નિકાહ વિશે વાત કરવામાં આવી છે. નોંધવા જેવું છે કે, સહીહ અલ-બુખારીમાં કહેવામાં આવ્યું છે કે, જ્યારે પ્રોફેટ મોહમ્મદે નિકાહ પૂર્ણ કર્યા (Consummated) હતા, ત્યારે આયેશાની ઉંમર 9 વર્ષ હતી. સુન્નાહ ડોટ કૉમ અનુસાર, સહીહ અલ-બુખારીમાં કહેવાયું છે કે, “આયેશાએ જણાવ્યું કે, પ્રોફેટે (ﷺ) તેમની સાથે ત્યારે નિકાહ કર્યા જ્યારે તેમની ઉંમર 6 વર્ષની હતી અને 9 વર્ષની ઉંમરે પૂર્ણ નિકાહ (consummated) થયા હતા. હિશાને કહ્યું- મને જણાવવામાં આવ્યું હતું કે, આયેશા પયગંબર (ﷺ) સાથે નવ વર્ષ (એટલે કે મૃત્યુ સુધી) રહ્યા હતા.”

સુન્નાહ ડોટ કૉમ અનુસાર, સહીહ અલ-બુખારી ઈમામ મોહમ્મદ બુખારી દ્વારા સંકલિત હદીસોનું સંકલન છે. તે પ્રોફેટ મોહમ્મદના કથનો અને કાર્યોનું સંકલન છે, જેને સામાન્ય રીતે સુન્નત તરીકે ઓળખવામાં આવે છે. તેમાં 98 પુસ્તકોમાં લગભગ 7563 હદીસો છે. આ સંગ્રહને મોટાભાગના મુસ્લિમો દ્વારા પ્રોફેટની સુન્નતના સૌથી વાસ્તવિક સંગ્રહ તરીકે ગણવામાં આવે છે.
નૂપુર શર્મા સાથે જોડાયેલો છે વિવાદ
મે, 2022માં નૂપુર શર્મા ટાઈમ્સ નાઉ શોમાં તસ્લીમ અહેમદ રહમાની સાથે જ્ઞાનવાપીના વિવાદિત ઢાંચા પર મળી આવેલ શિવલિંગ મામલે દલીલો આપી રહ્યા હતા. ચર્ચા દરમિયાન રહમાનીએ ભગવાન શિવ માટે અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો, જેના કારણે તત્કાલીન ભાજપ પ્રવક્તા નૂપુર શર્મા રોષે ભરાયા હતા. શર્માએ તેમનો વિરોધ કર્યો અને કહ્યું હતું કે, જો તેઓ ઇસ્લામ અને પયગંબર વિશે આવી જ ભાષાનો ઉપયોગ કરે તો તેઓ કેવી પ્રતિક્રિયા આપશે. જોકે, આ પ્રતિક્રિયા તરીકે આપવામાં આવેલું નિવેદન હતું, પરંતુ અલ્ટ ન્યૂઝના મોહમ્મદ ઝુબૈરે આ વિડીયોને નૂપુર શર્માની જિંદગી બરબાદ કરવાની એક તક ગણી લીધી.
તેણે નૂપુર શર્માના જવાબી નિવેદનને ઉઠાવ્યું અને રહેમાનીએ આપેલા વિવાદિત નિવેદનને જાણીજોઈને કટ કરી નાખ્યું અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો. આગળ-પાછળના કોઈપણ સંદર્ભ વગર વાયરલ કરવામાં આવેલા આ વિડીયોથી એવું લાગતું હતું કે, જાણે નૂપુર શર્માએ પ્રોફેટ મોહમ્મદનું અપમાન કર્યું હોય. આવી રીતે પ્રોપગેન્ડા ફેલાવીને નૂપુર શર્મા વિરુદ્ધ આખો માહોલ બનાવવામાં આવ્યો હતો.
જોકે, નૂપુર શર્માએ પ્રતિક્રિયામાં નિવેદન આપ્યું હતું તે પણ તથ્યો આધારિત જ હતું. તેમણે 9 વર્ષીય આયેશાના પ્રોફેટ મોહમ્મદ સાથેના નિકાહ વિશે જે કહ્યું હતું તેનો ઉલ્લેખ ઇસ્લામી હદીસોમાં પણ છે. તેમ છતાં નૂપુર શર્માને ‘ઇશનિંદા કરનારી’ ગણાવી દેવામાં આવ્યા હતા અને કટ્ટરપંથી ઇસ્લામી સંગઠનોએ ખુલ્લેઆમ તેમની હત્યાઓ કરવાની અને ‘સર તન સે જુદા’ કરવાની ધમકીઓ આપી હતી.
ઇસ્લામી કટ્ટરપંથી માત્ર નૂપુર શર્મા પાછળ જ ન પડ્યા, પરંતુ તેમનું સમર્થન કરનારા વિરુદ્ધ પણ FIR નોંધાવવા લાગ્યા હતા. ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનના ઉદયપુરમાં હિંદુ દરજી કન્હૈયાલાલ અને મહારાષ્ટ્રના અમરાવતીમાં ઉમેશ કોલ્હેની ઇસ્લામી કટ્ટરપંથીઓએ નૂપુર શર્માનું સમર્થન કરવા બદલ હત્યા કરી નાખી હતી. વધુમાં સુપ્રીમ કોર્ટના બે ન્યાયાધીશોની બેન્ચે પણ મીડિયા અને સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ખોટી માહિતી અને પ્રોપગેન્ડાના આધારે નૂપુર શર્મા વિરુદ્ધ પહેલાંથી જ એક ધારણા બાંધી લીધી હતી અને ન્યાયમૂર્તિ સૂર્યકાંતે પોતાની મૌખિક ટિપ્પણીમાં દેશમાં ફેલાઈ રહેલા ઉત્પાત માટે નૂપુર શર્માને જવાબદાર ગણાવી દીધા હતા.