Tuesday, March 4, 2025
More
    હોમપેજદેશસ્પેશ્યલ ટ્રેનની જાહેરાત અને એક જ પ્લેટફોર્મ પર એકઠી થવા લાગી ભીડ:...

    સ્પેશ્યલ ટ્રેનની જાહેરાત અને એક જ પ્લેટફોર્મ પર એકઠી થવા લાગી ભીડ: નવી દિલ્હી રેલવે સ્ટેશન પર થયેલી નાસભાગમાં 18 લોકોનાં મોત, અનેક ઘાયલ: શું બન્યું હતું?

    ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (DCP) કેપીએસ મલ્હોત્રાના જણાવ્યા અનુસાર, આ ઘટના ત્યારે બની જ્યારે મોટી સંખ્યામાં યાત્રિકો પ્લેટફોર્મ નંબર 14 પર એકઠા થવા લાગ્યા હતા, જ્યાં પ્રયાગરાજ એક્સપ્રેસ ઊભી હતી.

    - Advertisement -

    નવી દિલ્હી રેલવે સ્ટેશન (New Delhi Railway Station) પર શનિવારે (15 ફેબ્રુઆરી) રાત્રે થયેલી નાસભાગના (Stampede) કારણે હમણાં સુધીમાં 18 યાત્રિકોના જીવ ગયા હોવાનું સામે આવી રહ્યું છે. પ્રાથમિક માહિતી એવી સામે આવી રહી છે કે, આ તમામ યાત્રિકોના મૃત્યુ ભારે ભીડના કારણે શ્વાસ રૂંધાવાથી થયાં હતાં. આ ઘટનાને લઈને વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ અને વિપક્ષ નેતાઓએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે. આ ઘટનામાં મૃતકોની સંખ્યા 18 જાણવા મળી રહી છે. મૃતકોમાં 9 લોકો બિહારના, દિલ્હીના 8 અને એક હરિયાણાના વ્યક્તિનો સમાવેશ થાય છે.

    આ ઘટના બાદ ભારતીય રેલવેએ પીડિત પરિવારોને વળતર આપવાની જાહેરાત કરી છે. નવી દિલ્હી રેલવે સ્ટેશન પર નાસભાગના કારણે મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને ₹10 લાખ આપવાની જાહેરાત કરવામાં આવી છે. તે સિવાય ગંભીર રીતે ઘાયલ થયેલા વ્યક્તિઓને ₹2.5 લાખ અને સામાન્ય ઘાયલ થયેલા વ્યક્તિઓને ₹1 લાખનું વળતર આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે. વધુમાં તે પણ જાણવા મળ્યું છે કે, ઘાયલ થયેલા વ્યક્તિઓને દિલ્હીની હોસ્પિટલોમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા છે.

    કઈ રીતે ઘટી ઘટના?

    આ ઘટનાને લઈને સરકારી અધિકારીઓએ જણાવ્યું છે કે, પ્લેટફોર્મ નંબર 14 અને 15 પર મહાકુંભ જવા માટેની ભીડ ક્ષમતા કરતાં વધુ થઈ ગઈ હતી. આ યાત્રિકો પ્રયાગરાજ જનારી ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા. વધુમાં એવું પણ જણાવ્યું છે કે, સ્વતંત્રતા સેનાની એક્સપ્રેસ અને ભુવનેશ્વર રાજધાની એક્સપ્રેસ ટ્રેન પણ લેટ ચાલી રહી હતી અને આ ટ્રેનના યાત્રિકો પણ પ્લેટફોર્મ નંબર 12, 13 અને 14 પર હાજર હતા. જે બાદ શનિવારે રાત્રે લગભગ 10 કલાકે યાત્રિકોમાં ટ્રેનને લઈને નાસભાગ થવા લાગી હતી અને તેના કારણે ઘણા વ્યક્તિઓના શ્વાસ રૂંધાવા લાગ્યા હતા અને ઘટનાસ્થળે જ તેમના મૃત્યુ થયાં હતાં.

    - Advertisement -

    શું કહે છે રિપોર્ટ?

    આ ઘટનાની તપાસ માટે ગઠિત ભારતીય રેલવેની કમિટીના તાત્કાલિક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પ્રયાગરાજ માટે વિશેષ ટ્રેનની ઘોષણા બાદ નાસભાગની સ્થિતિ સર્જાઈ હતી. તાત્કાલિક રિપોર્ટમાં કહેવાયું છે કે, “તારીખ 15/2/2025ના રોજ રાત્રે લગભગ 10:00 કલાકે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર નાસભાગની ઘટના બની. જાણવા મળ્યું કે, પ્લેટફોર્મ નંબર 14 પર યાત્રિકોની ભારે ભીડ હતી, જે પ્રયાગરાજ જનારી ટ્રેનમાં ચડવા માટે રાહ જોઈ રહી હતી.”

    વધુમાં કહેવાયું છે કે, “આ સમયે જ પ્લેટફોર્મ નંબર 13 પર નવી દિલ્હીથી દરભંગા જનારી સ્વતંત્રતા સેનાની એક્સપ્રેસમાં સવાર થવા માટે મોટી સંખ્યામાં યાત્રિકો એકઠા થઈ ગયા હતા. આ ટ્રેન લેટ હતી અને તેને મધ્યરાત્રિમાં રવાના કરવા માટે પુનર્નિર્ધારિત કરવામાં આવી હતી, જેના કારણે યાત્રિકો પ્લેટફોર્મ પર જ રહ્યા હતા. પ્લેટફોર્મ નંબર 14 અને 13 એકબીજાને અડીને આવેલા છે અને બંને પ્લેટફોર્મ પર ભીડ વધવા લાગી હતી.”

    રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, “તે સિવાય રેલવે અધિકારી પ્રયાગરાજ માટે દર કલાકે લગભગ 1500 જનરલ ટિકિટ જારી કરી રહ્યા હતા, જેના પરિણામે પ્લેટફોર્મ નંબર 14 પર વધુ યાત્રિકો એકઠા થવા લાગ્યા હતા. ભારે ભીડના કારણે પ્લેટફોર્મ પર ઊભા રહેવાની જગ્યા પણ બચી નહોતી. વધતી ભીડ અને સતત ટિકિટ વેચાણને જોતાં રાત્રે લગભગ 10 કલાકે રેલવે અધિકારીઓએ પ્લેટફોર્મ નંબર 16થી પ્રયાગરાજ માટે સ્પેશ્યલ ટ્રેન દોડાવવાની ઘોષણા કરી હતી.”

    રિપોર્ટમાં કહેવાયું છે કે, “આ ઘોષણા સાંભળીને પ્લેટફોર્મ નંબર 14 પર પહેલાંથી જ ઉભેલા જનરલ ટિકિટ ધરાવતા યાત્રિકો ફૂટ ઓવરબ્રિજ પાર કરીને પ્લેટફોર્મ નંબર 16 તરફ દોડવા લાગ્યા હતા. આ દરમિયાન તેમણે ફૂટ ઓવરબ્રિજ પર પહેલાંથી બેઠેલા યાત્રિકોને કચડી નાખ્યા હતા, જેના કારણે નાસભાગ મચી ગઈ હતી. આ ઘટનામાં ઘણા પુરુષો, મહિલાઓ અને બાળકો ઘાયલ થઈ ગયા હતા અને મૃત્યુ પણ પામ્યા હતા.”

    રેલવે અધિકારીઓએ જણાવ્યા અન્ય કારણો પણ

    રેલવે બોર્ડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઑફ ઇન્ફોર્મેશન એન્ડ પબ્લિસિટી દિલીપ કુમારે આ ઘટનાને લઈને જણાવ્યું છે કે, શનિવારે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર અસામાન્ય રીતે મોટી સંખ્યામાં યાત્રિકો હાજર હતા. જેના કારણે અધિકારીઓએ ચાર વધુ સ્પેશ્યલ ટ્રેન શરૂ કરવાની ફરજ પડી હતી. તેમણે વધુમાં કહ્યું કે, વધુ ભીડને જોતાં રેલવે સ્ટેશનમાં એન્ટ્રી પર અસ્થાયી રીતે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો.

    ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (DCP) કેપીએસ મલ્હોત્રાના જણાવ્યા અનુસાર, આ ઘટના ત્યારે બની જ્યારે મોટી સંખ્યામાં યાત્રિકો પ્લેટફોર્મ નંબર 14 પર એકઠા થવા લાગ્યા હતા, જ્યાં પ્રયાગરાજ એક્સપ્રેસ ઊભી હતી. તેમણે એવું પણ કહ્યું કે, સ્વતંત્રતા સેનાની એક્સપ્રેસ અને ભુવનેશ્વર રાજધાની ટ્રેનોના પ્રસ્થાનમાં વિલંબના કારણે પ્લેટફોર્મ પર વધુ ભીડ એકઠી થઈ ગઈ હતી.

    વડાપ્રધાન મોદી સહિતના નેતાઓએ વ્યક્ત કર્યું દુઃખ

    આ ઘટના બાદ વડાપ્રધાન મોદીએ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે પોસ્ટ કરીને નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ઘટેલી આ ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું હતું અને શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. આ સાથે જ તેમણે ઘાયલ વ્યક્તિઓ જલ્દીથી સ્વસ્થ થઈ જાય તે માટેની પ્રાર્થના કરી હતી. તેમણે આશ્વાસન આપ્યું છે કે, અધિકારીઓ પ્રભાવિત લોકોને જરૂરી તમામ મદદ પૂરી પાડશે.

    તે સિવાય રાષ્ટ્રપતિએ પણ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે મૃતક પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને સહાનુભૂતિ આપી છે. આ સાથે જ તેમણે ઘાયલ યાત્રિકોને જલ્દી સ્વસ્થ થવાને લઈને પ્રાર્થના પણ કરી છે. આ ઉપરાંત કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ, ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘ અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પણ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં