સુરતના (Surat) વરાછામાં (Varachha) એક RSSના સ્વયંસેવક દુકાનદાર (Hindu shopkeeper) પર મુસ્લિમ (Muslim) યુવકે હુમલો (Attack) કરી દીધો હોવાના સમાચાર સામે આવ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, ઈસ્તીકાર નામના મુસ્લિમ યુવકે RSS સાથે સંકળાયેલા હિંદુ વેપારી પર હુમલો કરી દીધો હતો. હુમલા બાદ તેણે ફરિયાદીને ધમકી આપી હોવાનો પણ આરોપ છે. પીડિત વેપારીની હાલ હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી હોવાનું સામે આવી રહ્યું છે. તેમણે કહ્યું છે કે, અગાઉ પણ આ શખ્સ તેમને વારંવાર હેરાન કરતો આવ્યો છે. હાલ પીડિતની ફરિયાદના આધારે ઉત્રાણ પોલીસે FIR નોંધી છે.
આરોપી ઈસ્તીકાર વિરુદ્ધ BNSની કલમ 117(2), 115(2), 125(2), 351(2) અને 352 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. FIRની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે. FIR અનુસાર, સોમવારે (11 માર્ચ) ફરિયાદી હિંદુ વેપારીની મોટા વરાછા ખાતે આવેલી દુકાન પર આ ઘટના બનવા પામી હતી. ઘટનાની વિગતો અનુસાર, સવારના સમયે ફરિયાદી તેમની સોફાની દુકાન પર ગયા હતા. જે બાદ બાજુમાં સલૂનનું કામ કરતા ઇસ્તીકારે તેમના દુકાનના કાચ પર રહેલી ચાવી લીધી હતી અને તેમની દુકાનમાં તાળું મારી દઈને ફરિયાદીને કેદ કરી દીધા હતા.
જે દરમિયાન ફરિયાદીએ બૂમાબૂમ કરતા બાજુના અન્ય એક વેપારી ત્યાં આવી પહોંચ્યા હતા. જે બાદ ફરિયાદીએ તેમને ઈસ્તીકારને શોધવા જવા માટેનું કહ્યું હતું, પરંતુ આરોપી મળી શક્યો નહોતો. જે બાદ ફરિયાદીએ તેને ફોન કરીને દુકાન ખોલવા બોલાવ્યો હતો. ત્યારબાદ થોડીવાર રહીને ઈસ્તીકાર ત્યાં આવ્યો હતો અને દુકાનનો લોક ખોલ્યો હતો. ઘટનાને લઈને ફરિયાદીએ કારણ પૂછતાં તે ભડકી ઉઠ્યો હતો અને ગાળો આપવા લાગ્યો હતો.
સિમેન્ટ બ્લોક માથામાં મારવાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ
ફરિયાદ અનુસાર, વારંવાર ગાળો બોલવાને લઈને ફરિયાદીએ તેમને ગાળો ન બોલવાનું કહ્યું હતું. જે બાદ ભડકેલા ઈસ્તીકારે સિમેન્ટ બ્લોકથી ફરિયાદીને માથા પર મારવાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ છે. જોકે, ફરિયાદીએ હાથ આડો કરી દેતા હાથ પર ગંભીર ઈજા થઈ હોવાનું કહેવાય રહ્યું છે. આ સાથે જ વધુમાં કહેવાયું છે કે, ફરિયાદી પર સિમેન્ટ બ્લોક માર્યા બાદ આરોપીએ તેમને નીચે પછાડી દીધા હતા અને ગડદાપાટુનો માર માર્યો હતો. આ સાથે જ આરોપ છે કે, ઈસ્તીકારે ફરિયાદીને મોઢા પર મુક્કા માર્યા હતા.
આ ઘટના બાદ ફરિયાદી હૉસ્પિટલ પહોંચ્યા હતા અને સારવાર કરાવી રહ્યા હતા. ડૉક્ટરના કહ્યા અનુસાર, તેમના હાથમાં ફ્રેકચર થયું છે. ફરિયાદમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, આરોપી ઈસ્તીકાર ફરિયાદીનો પીછો કરીને હૉસ્પિટલ પહોંચ્યો હતો અને ધમકી આપી હતી કે, ‘જો પોલીસ ફરિયાદ કરાવી તો તું જોઈ લેજે.’ આ ઘટના બાદ ફરિયાદીએ ઈસ્તીકાર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
પીડિત વ્યક્તિ RSSના સ્વયંસેવક
ઘટના વિશે ઑપઇન્ડિયા સાથે વાત કરતા ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે જોડાયેલા સક્રિય સ્વયંસેવક છે. આ સાથે જ તેમણે એવું પણ કહ્યું હતું કે, તેઓ અવારનવાર દુકાન પર સંઘનો ગણવેશ પહેરીને આવતા હતા, જે દરમિયાન ઈસ્તીકાર પણ ત્યાં જ રહેતો હતો. ફરિયાદીએ વધુમાં કહ્યું છે કે, આરોપી ઈસ્તીકાર ઘણા સમયથી તેમને હેરાન કરી રહ્યો હતો. ફરિયાદી અનુસાર, આરોપી વારંવાર પીડિતની દુકાનમાં ચપ્પલ પહેરીને ઘૂસી આવતો હતો.
દુકાનમાં મંદિર હોવાના કારણે ફરિયાદીએ તેને ચપ્પલ ન પહેરવાની અપીલ પણ કરી હતી, પરંતુ તેમ છતાં તે ચપ્પલ પહેરીને જ દુકાનમાં આવતો હતો. આ ઉપરાંત એવો પણ આરોપ છે કે, આરોપી વારંવાર ફરિયાદીની દુકાન બહાર ગાળો બોલતો હતો. ફરિયાદીએ કહ્યું છે કે, આરોપી તે વિસ્તારના તમામ દુકાનદારો સાથે ઝઘડી ચૂક્યો છે અને અવારનવાર લોકોને હેરાન કરતો રહે છે. હાલ પોલીસ આ મામલે કાર્યવાહી કરી રહી છે.